ગારા એમ્બ્રોઇડરીઃ કળા, સંસ્કૃતિ, પ્રણાલિનો સમન્વય

Wednesday 12th August 2015 07:12 EDT
 
 

પારસી સમુદાય સાથે અતૂટ બંધન ધરાવતી ગારા એમ્બ્રોઇડરીનું ભરતકામ મુખ્યત્વે ટ્રેડીશનલ ચાઇનીઝ નટ-ગાયક મંડળીના પહેરવેશ ઉપર આધારિત છે. આ એમ્બ્રોઇડરીમાં મોર, પતંગિયાં, ફૂલો, પક્ષીઓ અને પ્રાણીઓના ચિત્રો એટલી જીવંતતાથી ભરતકામમાં વણી લેવામાં આવે છે કે સાડીનો એક પણ છેડો ખાલી રહેતો નથી.

ખાસ કરીને લાલ, કાળા અને જાંબલી રંગના ચળકાટભર્યા સિલ્ક ફેબ્રિક ઉપર સફેદ કે અન્ય કલરથી સેટીન સ્ટીચ વડે તૈયાર કરાતી પારસી ગારા સાડીની એક અલગ જ કાવ્યાત્મક સુંદરતા જોવા મળે છે. જરથોસ્તી ધર્મની રક્ષા કાજે માદરે વતન ઇરાનને છોડીને હિન્દુસ્તાનમાં આવી વસેલી પારસી કોમે સદીઓ વીતવા પછી પણ પોતાની અસલ ઓળખ જાળવી રાખી છે અને સાથે સાથે સ્થાનિક સંસ્કૃતિના સારા તત્ત્વો પણ આત્મસાત કર્યા છે. ગુજરાતી ભાષાને પોતાની માતૃભાષા તરીકે દિલોજાનથી સ્વીકારનાર પારસી કોમે ગુજરાતી સ્ટાઇલથી સાડી પહેરવાની ફેશન પણ એટલી જ લાગણીથી અપનાવી છે.

૧૯મી સદીની શરૂઆતમાં પારસીઓએ શિપિંગ કંપનીઓ હસ્તગત કરીને ચીન સાથે વેપાર-વણજ શરૂ કરેલ હતો. પોતાની વેસ્ટર્ન લાઇફસ્ટાઇલ, એજ્યુકેશન અને ટેલેન્ટ વડે બ્રિટિશ સરકારની નજીક રહેલી પારસી કોમના વેપારીઓએ દૂર પૂર્વના દેશો ચાઈના અને હોંગ કોંગ ખાતે વાણિજ્ય પ્રવાસો શરૂ કર્યા હતા. વતન પાછા ફરતી વખતે પારસી વેપારીઓ ચાઇનીઝ હસ્ત કલાકારીગરીની સુંદર વસ્તુઓ પોતાની સાથે લાવતા હતા. જે આજે પણ પારસીઓના ઘરોમાં જોવા મળે છે. જોકે આ બધામાં સૌથી શ્રેષ્ઠ હસ્તકલાનો નમૂનો સાબિત થયો છે ચાઇનીઝ એમ્બ્રોઇડરી.

ચાઇનીઝ એમ્બ્રોઇડરીથી પ્રભાવિત થયેલા પારસી વેપારીઓ પોતાના કુટુંબીજનો માટે એમ્બ્રોઇડરી સિલ્ક ખરીદીને સાડીની કોર, સાડી, બ્લાઉઝ, પેટીકોટ જેવા વસ્ત્રો તૈયાર કરાવીને પોતાની સાથે લેતા આવતા હતા. અસલ ચાઇનીઝ સિલ્ક નેરો લુમ્સ ઉપર વણવામાં આવતું હતું. જેથી આ સિલ્કના કાપડના બે ભાગ ભેગા કરીને યોગ્ય માપની સાડી તૈયાર થતી હતી. જે દુપટ્ટી સાડી તરીકે ઓળખાતી હતી. સમય જતાં સાડી શબ્દનું સ્થાન ગારા શબ્દે લીધું અને આ રીતે તૈયાર થયેલ સાડી ચાઇનીઝ ગારા એમ્બ્રોઇડરી તરીકે ઓળખાતી થઈ હતી.

હિન્દુસ્તાનમાં સ્થાયી થયા બાદ જરથોસ્તી વેપારીઓએ ઇરાનના મુખ્ય બંદર હોરમઝ અને ચાઇના વચ્ચે દરિયાઈ કડીથી વેપાર ચાલુ રાખ્યો હતો. જે સમયના વીતવા સાથે સ્થગિત થતાં, ગુજરાતના બંદર ખંભાત અને ચાઇના વચ્ચે દરિયાઈ માર્ગે વેપાર કડીથી જોડાયેલો હતો. ચીનમાં માઓ શાસન દરમિયાન ચાઇનીઝ ગારા એમ્બ્રોઇડરીના ઘણા વર્કશોપ પારસીઓની માલિકીના હતા, જે બંધ થતાં અંદાજે સને ૧૯૩૦ની આસપાસના વર્ષોમાં ચાઈના સાથેનો ગારા એમ્બ્રોઇડરીનો વેપાર બંધ થયો હતો.

પારસીઓ ખંભાત છોડીને સુરત આવ્યા અને સુરતને ભારતના વેસ્ટર્ન પોર્ટ સિટી તરીકે વિકસાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. હસ્તવણાટથી સુરતમાં બનતું સિલ્ક ઘાટ તરીકે ઓળખાતું હતું. તન્છોઈ સિલ્ક પણ સુરતના ગૃહઉદ્યોગમાં સામેલ હતું. સુરતી કારીગરોએ પોતાની નિપુણતાનો ચાઇનીઝ ગારા એમ્બ્રોઇડરી અને સ્ટાઇલ સાથે સમન્વય સાધીને સુરતી ગારા સાડીનું ઉત્પાદન શરૂ કર્યું હતું. જે ગારામાં લેસ અને નેટનું કામ ઉમેરી તેને વધુ સુંદરતા આપતી હતી.

ચાઇનીઝ ડિઝાઇન અને ચાઇનીઝ કારીગરો દ્વારા તૈયાર કરાયેલ ગારા એમ્બ્રોઇડરી એટલે તે મેઇડ ઇન ચાઇના જ હોય તેવી માન્યતા હતી. જોકે યુનેસ્કોના અહેવાલ અનુસાર ચાઇનીઝ એમ્બ્રોઇડરીના કેટલાક કારીગરો ભારતમાં વસવાટ કરતા હતા અને ભારતમાં જ ચાઇનીઝ ગારાનું નિર્માણ કરતા હતા. આ ચાઈનીઝ કારીગરો જાતે પારસી મહોલ્લાઓમાં ફેરી કરીને તેઓ દ્વારા તૈયાર કરાયેલી એમ્બ્રોઇડરી સિલ્કનું વેચાણ કરતા હતા. આ ચાઇનીઝ ફેરિયાઓને સ્થાનિક લોકો જ્હોન કહીને સંબોધતા હતા. મોટા ભાગે ચાઇનીઝ કપલ સાથે ફેરા ફરીને પોતાના ઉત્પાદનના વેચાણ માટે અંગ્રેજી શબ્દોવાળી ભાષા બોલીને પારસીઓને ખુશ કરતા હતાઃ ‘મેમસાબ, ઓલ ફ્રોમ ચાઇના, વેલી ગુડ-વેલી ચીપ.’

યુનેસ્કોના રિપોર્ટ મુજબ પારસી બાનુઓ તેમના ઘરના રોજિંદા કામોમાંથી પરવારીને બપોર પછી તેઓના ઘરના વરંડામાં બેસીને ચાઇનીઝ એમ્બ્રોઇડરી સિલ્કની આઇટમો પસંદ કરીને ખરીદતી હતી. કેટલાક ચાઇનીઝ કારીગરો પારસી ઘરોના વરંડામાં બેસીને નાના નાના સેમ્પલોનું ભરતકામ જાતે કરીને બતાવતા હતા. જેનું અવલોકન કરતાં કરતાં પારસી બાનુઓ ધીમે ધીમે બચ્ચાંઓના ઝભલા, સાડીની કોર વગેરેની એમ્બ્રોઇડરી કરવાનું શીખ્યા હતા. પારસી બાનુઓ દ્વારા ત્યાર બાદ જાતે તૈયાર કરાતી ગારા સાડીઓમાં ચાઇનીઝ ડિઝાઇનોના સ્થાને સરોષ યઝદના પ્રતીક સમાન કૂકડો કે ઘરવટ પ્રણાલિકા મુજબ માછલીની ડિઝાઇનો ઉમેરી હતી. આમ, આ રીતે પારસી ગારા એમ્બ્રોઇડરીનો ઉદ્ભવ થયો હતો. ગારાની બોર્ડર મુખ્યત્વે પર્શિયન ડિઝાઇનો જેમ કે પક્ષીઓમાં બગલા, ચકલા-ચકલી, કુકડો, ફૂલોમાં ગુલાબ, લીલી, કમળ, જાસ્મીન તથા અન્ય પ્લાન્ટ્સ, ચાઇનીઝ ડિઝાઇનોમાં શિખરબદ્ધ મંદિરો, નદીના કિનારાઓ, હલેસાંવાળી હોડીઓ, ચીનામેન, ફળોમાં દાડમ વગેરેથી તૈયાર કરાતી હતી.

ગારા સાડી તૈયાર કરવા માટે સૌપ્રથમ ફેબ્રિક અને કલરની યોગ્ય રીતે પસંદગી કરાતી હતી. ત્યાર બાદ પેપર ઉપર અલગ અલગ ડિઝાઇનો તૈયાર કરીને તેને સિલ્કના ફેબ્રિક ઉપર ટ્રાન્સફર કરાતી હતી. ફેબ્રિક ઉપર ડિઝાઇનો તૈયાર થયા પછી એમ્બ્રોઇડરીનું ખરું કામ શરૂ થતું. જેમાં સિલ્ક, કોટન કે ગોલ્ડના વીસથી ત્રીસ જુદા જુદા કલરના દોરાઓથી ભરતકામ થતું હતું. ગારા સાડી તૈયાર કરવા માટે ચારથી છ જેટલા કારીગરો એક સાથે એમ્બ્રોઇડરીનું કામ કરતા હતા. કેટલાક કિંમતી ભરતકામમાં સિલ્કના દોરાની જગ્યાએ સોનું કે ચાંદી જેવી ધાતુઓમાંથી તૈયાર કરાયેલ તારથી એમ્બ્રોઇડરી થતી હતી. આ માટે પ્રાચીન એમ્બ્રોઇડરી ટેક્નિક જરદોશી વર્કનો ઉપયોગ કરાતો હતો. જરદોશી એ પર્શિયન શબ્દ છે. જેમાં જર એટલે ગોલ્ડ અને દોઝી એટલે એમ્બ્રોઇડરી એવો અર્થ થાય છે.

અસલ ક્લાસિક પારસી ગારા સિલ્ક (રેશમ) ફેબ્રિક ઉપર બનતા હતા. જે વજનમાં ભારે રહેતા હતા અને તેની જાળવણી પણ ખૂબ જ કાળજી માગી લેતી હતી. આજે પારસી ગારા માટે મુખ્યત્વે જ્યોર્જટ અથવા ક્રેપ ફેબ્રિકનો ઉપયોગ થાય છે. જ્યોર્જટ ફેબ્રિક વજનમાં હલકું અને પહેરવામાં સરળ રહેતું હોવાથી તેની ઉપર સિલ્કના દોરાઓ વડે અસલ પારસી ગારા સ્ટાઇલ એમ્બ્રોઇડરી કરાય છે. ક્રાફ્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા પારસી ગારા એમ્બ્રોઇડરીને ફરીથી ચેતનવંતી બનાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. પારસી ગારા એ ફક્ત એમ્બ્રોઇડરી શબ્દ પૂરતા મર્યાદિત નથી, પરંતુ તે પારસી કલા, સંસ્કૃતિ અને પ્રણાલિનો સમન્વય છે. આપણે તેને સોયની ચિત્રકળા (પેઇન્ટીંગ વીથ નીડલ) કહી શકીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter