ન્યૂ યોર્ક: ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઈએમએફ)નાં ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેકટર તરીકે મહત્ત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહેલાં ભારતવંશી ગીતા ગોપીનાથે તેમના પ્રિય એવાં શિક્ષણ ક્ષેત્રે પાછાં ફરવાનો નિર્ણય કર્યો છે. તેઓ આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાન છોડીને પહેલી સપ્ટેમ્બરથી તેઓ હાર્વર્ડ યુનિ.માં ઈકોનોમિક્સના પ્રોફેસર તરીકે જોડાઇ રહ્યાં છે. ગીતા ગોપીનાથે તેઓના પોસ્ટ X ઉપર લખ્યું હતું કે, આઈએમએફમાં અદ્ભુત સાત વર્ષ ગાળ્યા પછી મેં મારા શૈક્ષણિક કારકિર્દીના મૂળ વધુ મજબૂત કરવા નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે આઈએમએફના ઇતિહાસમાં ગીતા ગોપીનાથ સૌથી પહેલા મહિલા છે જેમણે ચીફ ઇકોનોમિસ્ટ તરીકે કાર્યભાર સંભાળ્યો હોય. તેમણે વધુમાં લખ્યું: હું મારા શિક્ષણ ક્ષેત્રના મૂળ વધુ ઉંડા કરવા માગું છું અને અત્યારે વિશ્વ સમક્ષ ઉભા થયેલા બે મહત્વના પડકારો - ઇન્ટરનેશનલ ફાયનાન્સ અને મેક્રોનોમિક્સ વિષે વધુ સંશોધન કરવા માગું છું. સાથે સાથે જ આગામી પેઢીના અર્થશાસ્ત્રીઓને તાલીમ આપવા માગું છું.’
ગીતા ગોપીનાથ 2019માં આઈએમએફમાં ચીફ ઇકોનોમિસ્ટ તરીકે જોડાયા હતા. 2022ના જાન્યુઆરીમાં તેમની ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેકટર પદે વરણી કરાઇ હતી.
2001થી 2005 સુધી તેમણે યુનિવર્સિટી ઓફ શિકાગોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ ઇકોનોમિક્સ તરીકે ફરજ બજાવી હતી. જ્યારે 2005થી 2019 સુધી તેઓ હાર્વર્ડમાં જહોન ઝવાન્સ્ટ્રા - પ્રોફેસર ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ એન્ડ ઇકોનોમિક્સના પ્રોફેસર તરીકે કાર્યરત હતાં. આ પછી 2019 થી તેઓ આઈએમએફમાં જોડાયાં. જોકે મન તો વિદ્યા-વ્યાસંગમાં જ હતું. તેમણે ભગવદ્ ગીતાના ‘અમૃતમ તુ વિદ્યા’ શબ્દો જીવનમાં અપનાવ્યા છે.