ગોટાવર્કથી સજાવો વસ્ત્રો

Wednesday 09th August 2017 11:53 EDT
 
 

ટ્રેડિશનલ પેચવર્ક, જરદોશી વર્કનો જો વસ્ત્રો પર યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો જૂના પારંપરિક વર્કથી નવા ટ્રેન્ડી ફેશનેબલ અને યુનિક વસ્ત્રો બનાવી શકાય. રાજસ્થાની ગોટાવર્ક પણ એવું વર્ક છે કે તેનો હેવિ અને લાઈટ વર્ક તરીકે કુર્તી, ટ્યુનિક, અનારકલી, સલવાર કમીઝ, કુર્તા પાયજામા, ચણિયાચોળી કે સાડીમાં ઉપયોગ કરી શકો. ગોટાવર્ક એ રાજસ્થાનનું ખૂબ જ પ્રખ્યાત હેન્ડવર્ક છે. હેવી ડ્રેસ, સાડી કે ટોપ ઉપરાંત વેસ્ટર્ન વેરમાં પણ હવે ગોટાવર્ક દેખાય છે.

વસ્ત્રને હેવિ લુક

હાલમાં સામાન્ય રીતે મહિલાઓ કે યુવતીઓ બહુ જ ઝાકઝમાળ ધરાવતો હેવી ડ્રેસ પહેરવાનું પસંદ કરતી નથી. લગ્ન પ્રસંગ, ફેમિલી ફંક્શન કે ઓફિસ પાર્ટીમાં ગમે ત્યાં પહેરી શકાય તેવા સિમ્પલ ડ્રેસમાં થોડું વર્ક હોય તેવું પસંદ કરે છે. ગોટાવર્ક એ માટે રાઈટ ચોઈસ છે. સલવાર કમીઝ કે માત્ર દુપટ્ટામાં આ વર્ક હોય તો પણ ડ્રેસ હેવિ અને ટ્રેન્ડી બની જાય છે. જો ડ્રેસને ખૂબ જ હેવિ બનાવવો હોય તો પછી ટોપ બોટમ અને દુપટ્ટા ત્રણેયમાં આ વર્ક કરાવી શકો. સામાન્ય રીતે બહુ ભારે ડ્રેસ ન બનાવવો હોય તો માત્ર સલવારમાં ગોટાવર્ક કરાવો અને તેની સાથે પ્લેન કમીઝનું કોમ્બિનેશન કરો. એનાથી વિપરીત કમીઝમાં ગોટાવર્ક કરાવો ને સલવારને પ્લેન રાખી શકો. આમ કરવાથી તમે તમારા વેસ્ટર્ન ડ્રેસને ટ્રેડિનશનલ લુક તો મળશે જ સાથે એ ફેશનેબલ પણ લાગશે. આ ઉપરાંત ગોટાવર્ક કરાવેલી એક કુર્તી, સલવાર કે દુપટ્ટાનું અલગ અલગ કોમ્બિનેશન કરીને પણ જાતે જ વસ્ત્રોની પેર બનાવી શકો જેથી દરેક પાર્ટી કે ફંક્શનમાં તમારા પરિધાનમાં વૈવિધ્ય દેખાશે અને રિચનેસ પણ.

ટ્રેડિશનલ કાપડ પર જામે વર્ક

દુપટ્ટાની ઉપર ગોટાવર્ક ખૂબ જ સરસ લાગે છે. ખાસ કરીને ટ્રેડિશનલ કાપડ જેવા કે બાંધણી, લહેરિયા, પટોળાં કે ટ્રાઈબલ પ્રિન્ટ મટીરિયલના ટ્રેડિશનલ દુપટ્ટા પહેરવાના ગમતા હોય તો તમે આવા પ્રિન્ટેડ દુપટ્ટા પર ગોટાવર્ક કરીને બધા ડ્રેસ સાથે કરી શકો છો. આ ઉપરાંત બનારસી, કલકત્તી, સાઉથ ઇન્ડિયન, કર્ણાટકી ટ્રેડિશનલ મટીરિયલ પર પણ ગોટાવર્ક કરાવી શકો. શિફોન કે જ્યોર્જેટ પર પણ ગોટાવર્ક ઊઠે છે.

પારંપરિક વર્કનો ટચ

જો તમને સાડી પહેરવી ગમતી હોય તો તમે એમાં ગોટાવર્ક કરી શકો છો. લગ્ન પ્રસંગ કે ફેમિલી ફંક્શન માટે આ પોશાક હિટ અને ટ્રેડિશનલ ટચ ધરાવતો લાગે છે. સાડીને વધુ હેવિ ન બનાવવી હોય તો માત્ર બોર્ડર પર ગોટાવર્ક કરાવો અને જો સાડીને ભરચક બનાવવી હોય તો મોટાં બીબાં પસંદ કરીને ગોટાવર્ક કરાવો. જો તમારે પાર્ટીમાં સિમ્પલ અને સોબર લુક જોઈતો હોય તો માત્ર બ્લાઉસમાં ગોટાવર્ક કરાવી શકો છો. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter