ગોર્જિયસ અને ડિફરન્ટ લુક આપતી સ્ટોન જ્વેલરી

Wednesday 01st February 2023 04:43 EST
 
 

સ્ત્રી કોઇ પણ ઉંમરની હોય, જ્વેલરી સાથે તેમને વિશેષ લગાવ હોવાનો જ. ઘરેણાંને લઈને મહિલાઓને જે આકર્ષણ હતું એ પહેલાં કરતાં આજે જરાય ઓછું થયું નથી. આમ જોવા જઇએ તો આજની યુવતીઓ જ્વેલરી અંગે વધુ અવેર થઇ છે. સમયના વહેવા સાથે તે જ્વેલરીમાં આવતાં પરિવર્તનોમાં અને ટ્રેન્ડમાં વધારે રસ લેતી થઇ છે. આથી જ તો આજે મહિલાઓ અલગ અલગ પ્રકારની જ્વેલરીનો ઉપયોગ પોતાની જાતને અલગ અને ટ્રેન્ડી બનાવવા માટે કરે છે. આજની માનુનીઓ પાસે જ્વેલરીમાં એટલી બધી વેરાઇટી ઉપલબ્ધ છે કે તેને તમે અલગ લુક, સ્ટાઇલ અને ડ્રેસની સાથે કેરી કરી શકો છો.
અલબત્ત, જ્વેલરીને લઇને એક વાતનું ખાસ ધ્યાન રાખો કે કંઇક નવું કરવાના ચક્કરમાં પોતાની જાતને જ્વેલરીથી સંપૂર્ણ રીતે લાદી ન દેતા. જો તમે ગળામાં હેવી જ્વેલરી અથવા નેકલેસ પહેરી રહ્યાં હોવ તો કાનમાં હળવા એરિંગ્સ પહેરો. જ્યારે ગળામાં જ્યારે સાધારણ ચેન કે નેકપીસ પહેર્યો હોય તો કાનમાં ભારે એરિંગ્સ પહેરી શકો છો. એનાથી આકર્ષક અને મોડર્ન ટચ મળશે.
આઉટફિટ અને જ્વેલરીઃ પારંપરિક પોશાકની સાથે ભારે પ્રેશિયસ સ્ટોન જ્વેલરી પહેરવાથી તમારી સુંદરતાને ચાર ચાંદ લાગી જશે. ઇન્ડો-વેસ્ટર્ન પોશાકની સાથે પ્રેશિયસ સ્ટોનવાળો નેકલેસ આકર્ષક લુક આપે છે. પાર્ટી કે ઇવનિંગમાં પાતળી ચેનની સાથે મલ્ટિ કલર્ડ સ્ટોન્સવાળાં પેન્ડન્ટ પણ પહેરી શકાય, જે તમારી સુંદરતામાં અભિવૃદ્ધિ કરશે.
પેસ્ટલ રંગનાં કપડાંની સાથે મલ્ટિકલર્ડ નેકપીસ પહેરો. એક રંગનાં કપડાંની સાથે તમે મલ્ટિકલર જ્વેલરી પહેરો છો, તો એ તમારા લુકને આકર્ષક બનાવે છે, પરંતુ તમારાં કપડાં એક જ રંગનાં હોવાં જોઇએ એ જરૂરી છે. ડાર્ક રંગનાં કપડાંની સાથે અલગ અલગ પ્રકારની જ્વેલરી પહેરવાથી તમને ડિફરન્ટ લુક મળશે. સ્ટોન ચોકર નેકલેસ હેવી આઉટફિટમાં ખાસ કરીને પ્રસંગોમાં વધુ આકર્ષક લાગે છે.
કલરફુલ સ્ટોન જ્વેલરીઃ પહેલાં સ્ટોન જ્વેલરીમાં વ્હાઇટ સ્ટોનની જ્વેલરી યુવતીઓમાં હોટ ફેવરિટ હતી. હવે સમયની સાથે સ્ટોનના રંગોમાં અને યુવતીઓની પસંદગીમાં પરિવર્તન આવ્યું છે.
હાલમાં પ્રવર્તમાન ટ્રેન્ડની વાત કરીએ તો સામાન્ય રીતે પિંક, બોટલ ગ્રીન, ગ્રીન પરપલ, બ્લેક, બ્લૂ જેવા રંગોના સ્ટોનમાંથી બનેલી જ્વેલરી યુવતીઓની પહેલી પસંદ છે. એમાં એરિંગ્સથી માંડી બ્રેસલેટ, બેંગલ્સ, એરિંગ્સ, ફિંગર રિંગ્સ, ચોકર્સ અને નેકપીસનો સમાવેશ થાય છે.
તો વળી, વનપીસ, ઇન્ડો-વેસ્ટર્ન જેવાં આઉટફિટ સાથે હેવી સ્ટોનનાં એરિંગ્સ પહેરવાનો ટ્રેન્ડ છે. જે ગોર્જિયસ લુક આપે છે. એ વાતનું ધ્યાન રાખો કે તમે જે રંગની જ્વેલરી પહેરી રહ્યાં હો એ તમારા લુકને કમ્પ્લિટ કરવો જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter