ગ્રીન ઓસ્કારમાં ભારતીય ગૌરવ

બરખા સુબ્બા અને પરવીન શેખને વ્હીટલી એવોર્ડ

Saturday 30th May 2026 06:59 EDT
 
 

નવી દિલ્હીઃ બે ભારતીય મહિલાઓએ આ વર્ષનો પ્રતિષ્ઠિત વ્હીટલી એવોર્ડ જીતી દેશનું નામ રોશન કર્યું છે. જીવ વૈવિધ્યના સંરક્ષણ માટે વર્ષોથી કાર્ય કરતી આ મહિલાઓના પ્રયાસોને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી છે. એવોર્ડ સાથે મળેલા 55 લાખ રૂપિયાના માતબર પુરસ્કારથી હવે તેઓ પર્યાવરણ સંરક્ષણનું કાર્ય વધુ વિસ્તારી શકશે. ખાસ નોંધપાત્ર વાત એ છે કે ગ્રીન નોબેલની જેમ જ ગ્રીન ઓસ્કાર તરીકે ઓળખાતા વ્હિટલી એવોર્ડ્સના આ વર્ષના તમામ છ મુખ્ય વિજેતાઓ મહિલાઓ છે. ભારત સહિત ઇન્ડોનેશિયા, ઘાના, ઇક્વેડોર અને કેમરૂનની આ છ મહિલા સંરક્ષકો પર્યાવરણના તથા જીવ વૈવિધ્યના બચાવ માટે નોંધપાત્ર કામગીરી કરી રહી છે.

બરખા સુબ્બા: લુપ્તપ્રાય જીવોને બચાવવા પ્રતિબદ્ધ

દાર્જિલિંગના પર્યાવરણ સંશોધક બરખા સુબ્બાએ હિમાલયન સેલામેન્ડરને બચાવવા માટે પ્રશંસનીય યોગદાન બદલ આ એવોર્ડ જીત્યો છે. લાખો વર્ષોથી પૃથ્વી પર જીવતું આ ઉભયજીવી પ્રાણી હવે લુપ્ત થવાના આરે છે. બરખા દાર્જિલિંગના પહાડોમાં સાત અતિ મહત્ત્વના સંવર્ધન સ્થળો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. હવે તેઓ ભારત, નેપાળ અને ભૂતાન વચ્ચે એક ‘ટ્રાન્સબાઉન્ડ્રી’ નેટવર્ક પણ બનાવવા માંગે છે જેથી આ હિમાલયન જીવને સંરક્ષણ મળી શકે. તેઓ પર્યટન અને બાંધકામને કારણે સુકાઈ રહેલા જળાશયોને પુનર્જીવિત કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ વિશ્વભરમાં ઉભયજીવીઓ માટે જોખમી જીવલેણ ફૂગના ફેલાવા પણ નજર રાખી રહ્યા છે.

પરવીન શેખઃ ઇન્ડિયન સ્કિમર પક્ષીના સંરક્ષક

મુંબઈના રહેવાસી અને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના વૈજ્ઞાનિક પરવીન શેખે ઇન્ડિયન સ્કિમર પક્ષીના સંરક્ષણ માટે જીવન સમર્પિત કર્યું છે એમ કહો તો પણ ખોટું નથી. વર્ષ 2017માં તેમણે ચંબલ નદી વિસ્તારમાં કામ શરૂ કર્યું ત્યારે આ પક્ષીઓની સંખ્યા માત્ર 400 હતી. જે 2025 સુધીમાં 1,000થી વધુ થઈ ગઈ છે. પક્ષીઓના માળાઓ બચવાનો દર પણ વધ્યો છે. તેમણે શરૂ કરેલી ‘ગાર્ડિયન્સ ઓફ ધ સ્કિમર’ નામની પહેલ હેઠળ સ્થાનિક ગ્રામીણોને પક્ષીના સંરક્ષણ માટે તાલીમ આપી છે. એવોર્ડના પુરસ્કારની રકમથી તેઓ પોતાનું કાર્ય પ્રયાગરાજ સુધી લંબાવવા ઇચ્છે છે. પ્રયાગમાં ગંગા-યમુનાના સંગમ સ્થાને બોટ ટ્રાફિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ વચ્ચે આ પક્ષીઓને બચાવવા તેમનો આગામી પડકાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter