ગ્રેસફુલ આઉટફિટ ગાઉન

Wednesday 14th February 2018 08:02 EST
 
 

વિવિધ ડિઝાઈનર ગાઉન હાલમાં ઇન્ટ્રેન્ડ છે. અમ્રેલાથી માંડીને ફિશકટ, ઓ લાઈન, એપલ કટ ગાઉન વારે તહેવારે, લગ્નપ્રસંગમાં પહેરવાનો માનુનીઓ પસંદ કરે છે. જ્યોર્જેટ સિલ્ક પાર્ટી ગાઉન પણ હાલમાં ઇન્ટ્રેન્ડ છે. જોકે ગાઉનને કેઝ્યુઅલ અને ફોર્મલ એમ બન્ને લુક આપી શકાય. ગાઉન માટે વિવિધ જાતના ફેબ્રિકનો ઉપયોગ પણ કરી શકાય છે એમાં પણ હાલમાં મલ મટીરિયલના કેઝ્યુએલ ગાઉન પણ સોબર લાગે છે. આ ઉપરાંત પ્યોર કોટન, પ્યોર શિફોન, રો સિલ્ક, ટસર સિલ્ક, નેટ, લિનન વગેરેના ગાઉન પણ યુવતીઓ અને મહિલાઓને પ્રિય છે. ગાઉનમાં જેવા ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવે છે એવું જ એનું સ્ટાઇલિંગ આપવામાં આવે છે. ગાઉન પહેરવાનો એક જ ફાયદો કે પહેરવાથી ખૂબ એલિગન્ટ લુક આપે છે અને ગાઉન જો હેવિ લુક આપતો હોય તો વધુ જ્વેલરી પણ ન હોય તો ફંક્શન જ્વેલરી વગર પણ પતી જાય છે.

પ્રિન્ટેડ ગાઉન

કેઝ્યુઅલ લુક માટે કોટનના અલગ-અલગ પ્રિન્ટેડ ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે પોલ્કા ડોટ્સ, સ્ટ્રાઇપ, ઓલઓવર બુટ્ટી, ઓલઓવર જાલ, ઓલઓવર મોટા બુટ્ટા વગેરે.

મિક્સ - મેચ પ્રિન્ટેડ ગાઉન પણ સુંદર રીતે સિવવામાં આવે તો તે સુંદર લાગે છે. સ્ટ્રાઇપ સાથે ફ્લોરલ પ્રિન્ટ અથવા પોલ્કા ડોટ્સ સાથે પ્લેન ફેબ્રિકને મેચિંગથી બનાવાયેલા ગાઉનની પણ સારી એવી ડિમાન્ડ જોા મળે છે. યોકવાળી પેટર્ન તો એવરગ્રીન ગણાય છે. એ-લાઇન ગાઉનમાં લાઈટ એમ્બ્રોયડરી પણ સારી લાગે છે. ગાઉન પર કેવું ભરત ભરવું તે પ્રિન્ટના ઉપયોગ પણ નિર્ભર રહે છે. જો તમારી હાઇટ ઓછી હોય તો યોકવાળો ગાઉન પહેરવાનું ટાળવું. એના બદલે એ-લાઇન ગાઉન પહેરવો અને એમાં ખાસ કરીને રનિંગ પ્રિન્ટવાળો લેવો. રનિંગ પ્રિન્ટ એટલે કે જે પ્રિન્ટ વચ્ચે બ્રેક થતી નથી. રનિંગ પ્રિન્ટવાળો એ-લાઇન ગાઉન પહેરવાથી હાઇટ વધારે લાગે છે. જો તમારો બેઝ એટલે કે હિપલાઇન વધારે હોય તો તમે આખો ગાઉન પ્લેન સિલેક્ટ કરી શકો. નીચે બુટ્ટા હોય અથવા આખા ગાઉનમાં પ્રિન્ટ ઝીણી હોય અને માત્ર બોટમને મોટા બુટ્ટાથી હાઇલાઇટ કરવામાં આવે તેવો ગાઉન પણ તમે પસંદ કરી શકો. કોટન ગાઉનમાં લેયરિંગવાળાં ગાઉન પણ આવે છે. ફુલ-લેન્થ લેયરિંગ હોય છે અથવા એસિમેટ્રિકલ લેયરિંગ આપવામાં આવે છે અને એમાં સિંગલ કલર અથવા ડબલ કલરનો ઉપયોગ કરવામાં આવે છે. લેયરિંગમાં મિક્સ એન્ડ મેચનો ઉપયોગ કરવામાં આવે છે. મોટા ભાગે મિક્સ એન્ડ મેચ પ્લેન કલરમાં કોન્ટ્રાસ્ટ ઇફેક્ટ આપીને અથવા અલગ-અલગ પ્રિન્ટ સાથે કરવામાં આવે છે. કોટન પ્રિન્ટેડ ગાઉન રેડી તો મળે જ છે, પરંતુ જો તમારે ગાઉન સિવડાવવો હોય તો કલમકારી ફેબ્રિક લઈ શકો. એમાં હાઈ કોલર આપવો. યોક આપીને બોક્સ પ્લીટ આપવી. આ સ્ટાઇલિંગ લાંબી પાતળી યુવતીઓને જ સારું લાગશે. યોક પર પ્લીટ આવવાથી થોડો ભરેલો લુક આવે છે. જેમનું ભરાવદાર શરીર છે તેમણે ઉપરથી કળીવાળો ગાઉન પહેરવો.

પ્રસંગ માટે પરફેક્ટ પરિધાન

ફ્લોર-લેન્ગ્થ ગાઉન ફોર્મલ અને ટ્રેડિશનલ એમ બન્ને લુક આપે છે. તમારે કયા ફંક્શનમાં પહેરવાનો છે એના પર એ ડિપેન્ડ કરે છે. ફોર્મલ અને ટ્રેડિશનલ લુક આપતાં ગાઉન મોટે ભાગે હેવી ફેબ્રિકમાં બનાવવામાં આવે છે. જેમ કે રો-સિલ્ક. રો- સિલ્કના ગાઉન ફ્લોઈ નથી લાગતા, પરંતુ જાજરમાન લાગે છે. રો-સિલ્ક ફેબ્રિકના હિસાબે ગાઉન શરીરથી અળગાં રહે છે. રો-સિલ્ક ફેબ્રિકના ગાઉનમાં વધારે પેટર્નની જરૂર નથી હોતી. માત્ર સ્માર્ટ સ્ટાઇલિંગથી આખા ગાઉનનો નિખાર આવી શકે. એમાં બોક્સ કે ગ્રાફિક પ્રિન્ટ હોય તો તો વર્કની પણ જરૂર રહેતી નથી. જો તમારું ભરાવદાર શરીર હોય તો તમારે રો-સિલ્કનો ગાઉન પહેરવાનું ટાળવું. રો-સિલ્ક શરીરથી અળગું રહે છે, જેથી શરીરનો ઘેરાવો વધારે લાગે છે. લાંબી પાતળી યુવતીઓ રો-સિલ્કના ગાઉન પહેરી શકે જેથી તેઓ થોડી ભરેલી લાગે. સ્થૂળ શરીરવાળા પ્યોર પ્રિન્ટેડ શિફોનનું ગાઉન પહેરી શકે. વધારે ફેન્સી લુક જોઈતો હોય તો નેટનો ગાઉન પહેરી શકાય. નેટના ગાઉનમાં વર્ક વધારે હોય છે એથી દેખાવમાં વધારે હેવી લાગે છે અને આમ લાઇટ વેઇટ હોય છે. જેથી પહેરવામાં આરામદાયક લાગે છે. રો-સિલ્કના ગાઉનમાં ડીસન્ટ પેટર્ન જ સારી લાગે છે જ્યારે નેટના ગાઉનમાં તમે અલગ-અલગ વેરાઇટી આપી શકો. જેમ કે નેકમાં અને બેકમાં થોડો ટ્રાન્સપરન્ટ લુક આપી શકાય. યંગ એજના ઇનકટ કે હોલ્ટર સ્ટાઇલ ગાઉન પહેરી શકે અને મિડલ એજ નેટના ગાઉનમાં બેકમાં કંઈક ટ્રાન્સપરન્ટ પેટર્નવાળો ગાઉન પહેરી શકે. સ્થૂળ શરીરવાળાઓએ આખો ટ્રાન્સપરન્ટ ગાઉન ન પહેરવો, બે લેયરવાળો ગાઉન પહેરી શકાય. આવા ગાઉનમાં વધારે જ્વેલરીની જરૂર પડતી નથી. મિનિમલ જ્વેલરી લુક જ બેસ્ટ લાગે છે. જેમ કે કાનમાં માત્ર સ્ટડ અને હાથમાં માત્ર એક સ્ટેટમેન્ટ બ્રેસલેટ સારું લાગી શકે. હેરમાં મેસી લુક આપવો. તમારો ગાઉન કેવો છે અને કયા ફંક્શનમાં પહેરવાનો છે એના પર એ ડિપેન્ડ કરે છે. અથવા તો સ્ટ્રેટ હેર રાખી શકો કે હાઈ બન વાળી શકો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter