ઘર એક એવી જગ્યા છે જ્યાં તમે પ્રવેશો એટલે, ત્યાંની હવા તમારી લાગણી બદલી શકે. આ વાત અક્ષરશઃ સાચી છે. સ્વચ્છ ઘર એક સારી વાત છે, પરંતુ સુગંધિત ઘર એ સોનામાં સુગંધનો અનુભવ છે. સુગંધિત ઘર આખા દિવસના થાકને દૂર કરી મનોમન શાંતિ આપે છે. ઘરની સુગંધ એ ઘરનું વ્યક્તિત્વ છે! યોગ્ય સુગંધ ઘરની ઊર્જા સુધારે છે. આજે તો ઘણા પ્રકારનાં હોમ ફ્રેગ્રન્સ ઉપલબ્ધ છે: એર ફ્રેશનર, અગરબત્તી, ડિફ્યુઝર, સુગંધિત પાઉચ, સુગંધિત કેન્ડલ વગેરે વિકલ્પો માર્કેટમાં છે.
• અગરબત્તી કે ડિફ્યુઝર? તમને યાદ હોય તો પરંપરાગત ઘરોમાં સવારની શરૂઆત ચંદનની અગરબત્તીથી થતી હતી. અગરબત્તી એ આજે પણ વાપરવા જેવો સદાબહાર વિકલ્પ છે જ! જેને આજે ડિફ્યુઝર અને એસેન્શિયલ ઓઇલ્સ મોડર્ન ટચ આપી રહ્યા છે. લવન્ડરની સુગંધ સારી ઊંઘ માટે અને લેમન ગ્રાસ કે પછી ગુલાબની સુગંધ ગરમીના આ દિવસોમાં શીતળતા માટે પરફેક્ટ છે.
• સાચા સ્થાન પર સાચી સુગંધઃ ઘરમાં પણ યોગ્ય સ્થળે યોગ્ય મહેક હશે તો સમગ્ર માહોલ નિખરી ઉઠશે. જેમ કે, રસોડામાં લેમન અથવા મિન્ટની ખુશ્બુ તાજગી આપે, બેડરૂમમાં લવન્ડર અને મોગરા, આખા દિવસના થાક પછી શાંતિ માટે ચંદન, તો બાળકોના રૂમમાં વેનિલા કે નારંગી તેમના મૂડ લિફ્ટિંગ માટે જરૂરી છે. આ જ રીતે પેસેજ કે એન્ટ્રન્સને તમે અતિથિ માટે મધમીઠી ફ્લોરલ સુગંધથી મહેકાવી શકો છો.
• સરળતાથી સુગંધી માહોલઃ સૂકા ફૂલોને કાચના બાઉલમાં ભરો અને તમારી પસંદનું કોઈપણ ઓઈલ નાખીને ડ્રોઈંગ રૂમમાં મૂકી દો. સુંદર પણ દેખાશે અને આખો દિવસ સુગંધ આપશે. રૂમાલમાં બે-ચાર ટીપાં લવન્ડર ઓઈલ નાખીને કોઈ ખૂણે મૂકો. સાંજ પડે સુગંધિત કેન્ડલ ડ્રોઈંગ રૂમના કોઈ ખૂણે પ્રગટાવીને મૂકો. એસેન્શિયલ ઓઈલ ડિફ્યુઝર વાતાવરણને રિફ્રેશિંગ બનાવશે. ડ્રાય ફ્લાવરમાં તમારી પસંદના ઓઈલના બે-ચાર ટીપા નાંખી પોટલી બનાવી દરેક દરવાજાની પાછળ લટકાવો. કપડાંના વોર્ડરોબમાં તથા ચપ્પલના કબાટમાં પણ આ પોટલી મૂકો. જેમ સારા ઈન્ટિરિયરથી સારું અનુભવાય તેમ દરેક ઓરડામાં સારી સુગંધથી અદ્ભૂત અનુભવશો.


