નાક પર પહેરવામાં આવતી નાજુક નોઝપિન માત્ર એક આભૂષણ નથી, એ મહિલાના સમગ્ર રૂપને નવી ઓળખ આપે છે. એક નાનકડી નોઝપિન તમારા લુકમાં એવો ફેરફાર લાવી શકે છે કે તમે પોતે આશ્ચર્યમાં પડી જશો. ઘણી વાર આપણે બજારમાં મળતી જાતભાતની ટ્રેન્ડી નોઝપિન પસંદ કરીને ખરીદી તો લઈએ છીએ, પણ એ નથી વિચારતા એ આપણા ચહેરા પર શોભશે કે નહીં! નોઝપિન પસંદ કરવાની સાચી રીત એ છે કે તેને તમારા ફેસ શેપ પ્રમાણે પસંદ કરવામાં આવે. આજે જાણીએ ક્યા ફેસ શેપ પર કેવા પ્રકારની નોઝપિન સારી લાગશે.
• ગોળ ચહેરા માટે... જો તમારા ચહેરાની લંબાઈ અને પહોળાઈ લગભગ સમાન હોય અને ચહેરો થોડો ભરાવદાર હોય, તો તમે રાઉન્ડ ફેસ ધરાવો છો. અહીં નાના સ્ટડ્સ કે નાજુક નોઝપિન્સ ખૂબ જ સારો વિકલ્પ છે. એ સિવાય તમે વર્ટિકલ ડિઝાઈનવાળી પિન્સ પસંદ કરી શકો. જેમ કે, ટીઅરડ્રોપ કે લાંબી ફૂલાકાર નોઝપિન, એ ચહેરાને થોડી લંબાઇ આપે છે અને નાનો બતાવે છે. ગોળાકાર ચહેરા પર મોટા રાઉન્ડ હૂપ્સ ટાળો, એ ચહેરાને વધુ ભરાવદાર દેખાડે છે.
• ઓવલ શેપ માટે... ઓવલ ફેસ શેપને સૌથી સંતુલિત શેપ માનવામાં આવે છે. સહેજ લાંબી અને પોઈન્ટેડ ચીન ધરાવતો ચહેરો લગભગ દરેક પ્રકારની નોઝપિન માટે યોગ્ય ગણાય છે. તમે હૂપ્સ, રિંગ્સ, નાના સ્ટડ્સથી માંડીને થોડી ડ્રામેટિક અને ફન્કી નોઝપિન્સ પણ ટ્રાય કરી શકો છો. સ્ટોનવાળી કે ઝૂમકા સ્ટાઈલ નોઝપિન પણ ખૂબ શોભશે. ખાસ પ્રસંગે બોલ્ડ નોઝપિન્સથી ચહેરાને એક ક્લાસી લુક આપી શકશો.
• હાર્ટ શેપ ફેસ માટે... હાર્ટ શેપ ફેસમાં કપાળ પહોળું અને ચીન પોઈન્ટેડ હોય છે. આ પ્રકારના ચહેરા માટે નાની અને નાજુક નોઝપિન્સ શ્રેષ્ઠ પસંદગી છે. સિંગલ ડાયમન્ડ, નાની - મોટી કે નાજૂક ફૂલવાળી પિન્સ ચહેરાને નમણો દેખાવ આપશે અને ચહેરાની આકૃતિને સંતુલિત કરે છે. નાના હૂપ્સ પણ સારા લાગશે, પણ મોટી સાઈઝના હૂપ્સ પહેરવાનું ટાળશો.
• સ્કવેર ફેસ માટે... ચોરસ શેપમાં મજબૂત જોલાઇન અને પહોળું કપાળ હોય છે. અહીં તમારા ચહેરાને થોડો સંતુલિત બતાવવા માટે રાઉન્ડ કે સ્પાઇરલ ડિઝાઈનવાળી નોઝપિન્સ શ્રેષ્ઠ રહેશે. આ પ્રકારના ચહેરા માટે ક્યારેય મોટા આકારની નોઝપિન્સ પસંદ ન કરવી, એ ચહેરાને વધુ પહોળો બતાવશે.
હંમેશા યાદ રાખો કે ફેશન હંમેશાં તમારા વ્યક્તિત્વને દર્શાવે તેવી પસંદ કરવી જોઈએ. ભલે નોઝપિન એક નાનકડી એક્સેસરીઝ છે, પણ જો તેને તમારાં ચહેરાની રચના અનુસાર પસંદ કરીને પહેરવામાં આવશે તો એ તમારા લુકને નિખારશે.