ચહેરાની કાળાશથી મેળવો મુક્તિ

Tuesday 20th March 2018 06:16 EDT
 
 

ચહેરા પરની કાળાશ દૂર કરવા માટે તમે જો બજારમાં મળતી કેટલીય બ્યુટી પ્રોડક્ટ વાપરી હોય ને છતાં તમને અસંતોષ હોય તો તમારે કેટલાક એવા ઘરેલુ નુસખા અમલમાં મૂકવા જોઈએ કે જેથી તમારી ત્વચા હવે વધુ બગડે નહીં. ચહોરાની ત્વચા કાળી થઈ ગઈ હોવાના અનેક કારણો હોઈ શકે છે. જેમ કે સન સ્ટ્રોક લાગવા અથવા પ્રદૂષણની અસર કે પછી ચહેરાના ડાઘ-ધબ્બા વગેરે. ઘરે જ કેટલીક પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરવાથી કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી.

બેકિંગ સોડા અને પાણી

જો તમે ખરેખર તમારા ચહેરાને ગોરો બનાવવા માગતા હો તો બેકિંગ સોડામાં પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને ૧૫ મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખવી. આ પેસ્ટને ચહેરા પર લગાવતા પહેલાં ફેસવોશથી મોઢું ધોઈ લો. આ ઉપાય કરવાથી તમને માત્ર બે જ દિવસમાં તમારા ચહેરાના રંગમાં ફરક નજરે પડશે. આ એક કારગત ઉપાય છે.

દૂધ અને કેળા

પાકેલું કેળું અને તેમાં દૂધ મિક્ષ કરીને તેની પેસ્ટ બનાવો. ત્યારબાદ આ પેસ્ટને બરાબર મિક્સ કરીને ચહેરા પર લગાવો અને ૨૦ મિનિટ બાદ ચહેરો બરાબર ધોઈ લો. આ ઉપાય નિયમિત કરતાં રહો. બે દિવસમાં તમારી ત્વચાનો રંગ નિખરી ઉઠશે.

એલોવેરાનો અર્ક

એલોવેરા એટલે કે કુંવારપાઠું અનેક સમસ્યાઓ માટે વરદાન માનવામાં આવે છે, પણ ત્વચા માટે તે ખાસ અસરકારક છે. એલોવેરાનો છોડ ઘરમાં હોય તો તમને અનેક રીતે ઉપયોગી થઈ શકે અને અનેક તકલીફોથી બચી શકો છો. ચહેરાને ગોરો, સાફ અને નરમ બનાવવા માટે એલોવેરાનો તાજો અર્ક કાઢીને તેને ચહેરા અને ગરદન પર રોજ લગાવો અને ૩૦ મિનિટ માટે રહેવા દો. આવું કરવાથી તમારા ચહેરાનો રંગ ખીલશે.

સૂરજમુખીના બી

સૂરજમુખી ફૂલનાં થોડાક બી આખી રાત દૂધમાં પલાળીને રાખી દો. સવારે તેમાં થોડી હળદર અને કેસર નાંખીને તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર ૧૫ મિનિટ લગાવો ને રહેવા દો. આ ઉપાય કરવાથી તમારો ચહેરો ગોરો થશે અને સાથે જ ત્વચા સંબંધી સમસ્યાઓ પણ દૂર થશે.

કેરીની છાલ અને દૂધ

કેરીના થોડા છોતરાં લઈને તેને દૂધ સાથે પીસીને તેની પેસ્ટ તૈયાર કરી લો. ત્યારબાદ આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવીને ૧૫ મિનિટ માટે રહેવા દો. આ ઉપાય કરવાથી સન ટેન દૂર થશે અને ચહેરો ઝડપથી ગોરો બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter