ચાંદ સા હસીં ચહેરા...

સુંદર ત્વચા માટે જરૂરી છે નિયમિત સંભાળ

Wednesday 30th November 2022 06:47 EST
 
 

રાતની નીંદર આપણા તનમનને તાજગી બક્ષે છે. પૂરતી નિંદ્રા પછીની સવારે કેટલી હળવાશ અનુભવાય છે. બિલકુલ તે જ રીતે ત્વચા માટે સવારની કાળજી જરૂરી છે. ત્વચા નિષ્ણાતો કહે છે કે સવારના ઉઠીને તરત જ ચામડીની ચોક્કસ પ્રકારે કાળજી જરૂરી છે. ત્વચા પ્રત્યે બેપરવાઇ દાખવવાના બદલે કેવી વિશેષ કાળજી લેવી જોઇએ તે જોઇએ...
દિવસના પ્રારંભે એટલે કે સવારના સમયે ચહેરાનું ક્લિન્ઝિંગ અચૂકપણે કરો. એ તમારા રુટિનનો ભાગ હોવો જોઇએ. ભલે તમે રાત્રે સ્નાન કરીને ચહેરા પર મોઇશ્ચરાઇઝર લગાવ્યું હોય, પરંતુ રાતના સમયે ત્વચામાંથી ઝરતું તેલ તેમજ ડેડ સ્કીન દૂર કરવા માટે સવારનું ક્લિન્ઝિંગ આવશ્યક બની રહે છે.
ચહેરો ધોવો એ પણ એક કળા છે. ઘણાં લોકો સ્નાન કરતી વખતે ચહેરો પણ ગરમ પાણીથી ધૂએ છે, પણ તેનાથી ત્વચામાં રહેલા તૈલીય તત્વો નાશ પામે છે. આથી ગરમાગરમ પાણીથી ચહેરો ધોવાની ભૂલ ક્યારેય ન કરવી. યોગ્ય રીતે ચહેરો ધોવા માટે સૌથી પહેલા ચહેરા પર નવશેકું પાણી નાખો. હવે તેને ફેસવોશ વડે ધૂઓ. ત્યાર પછી સાદા પાણી વડે ફેસવોશ દૂર કરો. આમ કરવાથી હુંફાળું પાણી ત્વચા પરના રોમછિદ્રો ખોલવામાં મદદ કરશે. ત્યાર બાદ ફેસવોશ ત્વચા પર રહેલો મેલ કાઢવામાં સહાય કરશે. અને છેલ્લે સાદા પાણી વડે ચહેરો ધોવાથી ખુલેલા રોમછિદ્રો ફરીથી બંધ થઇ જશે. સ્નાન કરી લીધા પછી આખા શરીરે મોઇશ્ચરાઇઝર લગાવો. ત્વચા નિષ્ણાતો કહે છે કે નાહ્યા પછી માત્ર ચહેરા પર જ નહીં, બલ્કે આખા શરીરે મોઇશ્ચરાઇઝર લગાવવાથી ચામડી સુંવાળી રહે છે. તેથી શરીર પર તમારી ત્વચાને અનુરૂપ બોડી લોશન લગાવો. ઇચ્છો તો એલોવેરા જેલનો ઉપયોગ પણ કરી શકો છો.
સામાન્ય માન્યતા છે કે ઊનાળાના આકરા તડકામાં જ સનસ્ક્રીન લોશન લગાવવું જોઇએ, પરંતુ આ માન્યતા ખોટી છે. ત્વચા નિષ્ણાતો કહે છે સૂર્યના કિરણો તો બારેમાસ હોવાના. અને સૂરજના પારાજાંબલી કિરણો આપણી ત્વચાને સૌથી વધુ હાનિ પહોંચાડે છે. તેથી કોઇ પણ ઋતુમાં ઘરથી બહાર નીકળતી વખતે સનસ્ક્રીન લોશન અચૂક લગાવો.
ચહેરો સરસ રીતે સાફ કર્યા પછી તે લૂછવા મેલુંઘેલું નેપકીન ઉપયોગમાં લેવામાં આવે તો ચહેરાને સાફ કરવાનો અર્થ ખરો? મોટાભાગે જોવામાં આવ્યું છે કે લોકો પુષ્કળ વખત વપરાઇ ચૂકેલા નેપકીનથી જ ચહેરો-હાથ લૂછી લેતાં હોય છે. આ જ રીતે તેઓ દિવસો સુધી ટુવાલ પણ ધોતા નથી. જોકે આના લીધે નેપકીન તેમજ ટુવાલ પર ચોંટેલા બેક્ટેરિયા તમારા સ્વચ્છ કરેલા ચહેરા કે શરીર પર પાછા ચોંટે છે. આથી ખીલ થવાની શક્યતા પણ રહે છે. તેથી તમારું નેપકીન દરરોજ ધૂઓ. ટુવાલ પણ બેથી-ત્રણ દિવસે એક વખત અચૂક ધૂઓ.
આજે બજારમાં સંખ્યાબંધ જાતના બ્યુટી પ્રોડક્ટ્સ મળે છે. પરંતુ હંમેશા સ્ટાન્ડર્ડ બ્રાન્ડના અને તમારી ત્વચાને અનુરૂપ ઉત્પાદનો જ ખરીદો. સોંઘા ઉત્પાદનો તમારા પૈસા તો બચાવશે, પરંતુ તમારી ત્વચાનો દાટ વાળી નાખશે. બહેતર છે કે ઝાઝાં નહીં, પણ સારા ઉત્પાદનો ખરીદો. તેવી જ રીતે તેનો ઉપયોગ પણ યોગ્ય રીતે કરો. ખોટી રીતે લગાવવામાં આવતાં પ્રોડક્ટ્સ પણ તમારી ત્વચાને હાનિ પહોંચાડી શકે છે.
મોટાભાગે ત્રીસી વટાવી લીધા પછી માનુનીઓને એન્ટિએજિંગ ક્રીમ વાપરવાની ઇચ્છા જાગે છે. તો કેટલીક મહિલાઓ ચાળીસી પછી તેનો પ્રયોગ શરૂ કરે છે. જોકે તેનો વધારે પડતો ઉપયોગ ત્વચા માટે નુક્સાનકારક બની રહે છે.
ત્વચા નિષ્ણાતો કહે છે કે કોઇ પણ એન્ટિએજિંગ ક્રીમમાં વત્તાઓછા અંશે પણ કેમિકલ્સ હોવાના જ. બહેતર છે કે તેનો ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં કરવામાં આવે. જેમ કે, આ પ્રકારની ક્રીમ્સ રાત્રિના સમયે સારી કામગીરી બજાવે છે. તેથી માત્ર રાત્રે સુતી વખતે જ તેનો ઉપયોગ કરવો. દિવસ દરમિયાન તેનો ઉપયોગ ટાળવો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter