મોટાભાગે મહિલાઓ ઘરમાં પડેલા જૂના ટી કપ કે કોફી મગને ફેંકી દેતી હોય છે કે ભંગારમાં આપી દેતી હોય છે. આજે જાણો કેવી રીતે જૂની કે નકામી વસ્તુઓનો ઉપયોગ કરી તમને કામ આવે એવી સુંદર વસ્તુઓ તૈયાર કરી શકો છો. જેમ કે,
• પેન હોલ્ડર
જો તમારા ઘરમાં કોફી મગ જૂનો થઈ ગયો છે કે તિરાડ પડી ગઈ છે તો ફેંકવાના બદલ તેનો ઉપયોગ કરી લો. કોફી મગને એક્રેલિક પેઈન્ટ વડે રંગીને કોઈ સુંદર ડિઝાઈન બનાવી લો અથવા પ્રેરણાદાયી કે પછી ફની વર્ડસ લખી લો. તમારા વર્ક ટેબલ પર અથવા બાળકોના સ્ટડી ટેબલને આ ક્રિએટિવ પેન હોલ્ડર આકર્ષક બનાવી દેશે.
• પ્લાન્ટ હોલ્ડર
જો તમે ગાર્ડનિંગનો તથા ઇન્ડોર પ્લાન્ટ્સનો શોખ ધરાવો છો તો તમારા જૂના કપ કે મગનો ઉપયોગ તે માટે કરીને આકર્ષક પ્લાન્ટ હોલ્ડર બનાવી શકો છો. આવી રીતે ઓછા ખર્ચમાં તમે નકામી વસ્તુને ઘર સજાવટમાં વાપરી શકો. આમાં તમે નાના છોડ લગાવી શકો છો. ડ્રોઇંગરૂમની શોભા વધારવામાં આ પ્લાન્ટ હોલ્ડર બહુ કામ લાગશે.
• મલ્ટી યુઝ હોલ્ડર
કપને રંગીને આકર્ષક રિબન લગાવી તેનો તમે મલ્ટી યુઝ પણ કરી શકો છો. જેમ કે, ડાઇનિંગ ટેબલ પર નાની વસ્તુઓ કે પછી ચમચીઓ મૂકવા માટે, કિચનમાં કોઈ નાના મસાલાના પેકેટ સાચવવા હોય કે પછી ડ્રેસિંગ ટેબલ પર પડી રહેલી સેફટી પિન, રબર બેન્ડ વગેરે મૂકવા હોય, આ કપ ખૂબ કામ આવશે. બાળકોના સ્ટડી ટેબલ પર શાર્પનર, ઈરેઝર વગેરે નાની વસ્તુઓ આની અંદર મૂકી સાચવી શકો છો.
આ સિવાય તમે બાળકો સાથે મળીને તેમને ગમેએવી રીતે તથા તેમના મનપસંદ કાર્ટૂનને દોરી તેમના જ હાથે પેઈન્ટ કરાવશો તો તેમની સાથે એક ક્રિએટિવ એક્ટિવિટી પણ થશે. સાથે સાથે જ બાળકો પણ જૂની વસ્તુઓને રિ-યુઝ કરવાનો પાઠ શીખશે.
જૂના કપનો આવા પ્રકારનો ઉપયોગ ઓછા ખર્ચમાં ઘરને સુંદર બનાવવામાં મદદ કરશે. તો આજે જ રસોડામાં જુઓ કે તમારા કયા જૂના ટી-કોફી કપ કે મગને ફેંકી દેવાના બદલે તમે ફરી ઉપયોગમાં લઈ શકો એમ છો?


