જૂના જીન્સમાંથી બનાવો જીવન જરૂરિયાતની વસ્તુઓ

Friday 05th June 2020 08:15 EDT
 
 

સામાન્ય રીતે લોકો જૂના - ફાટેલા જીન્સને ફેંકી દે છે, પણ હવે તેવા જીન્સ ફેંકી ન દેતાં એમાંથી જ રોજ ઉપયોગમાં લઇ શકાય એવી વસ્તુઓ બનાવો. ફાટેલા કે જૂના જીન્સમાંથી તમે ઘરમાં પડદાથી માંડીને મોબાઈલ સ્ટેન્ડ બનાવી શકો છો. આ માટે કેટલીક ટિપ્સ અહીં આપી છે.

બેગ બનાવો

તમે માર્કેટમાંથી જીન્સની બેગ અથવા પર્સ તો ખરીદ્યા જ હશે, પરંતુ સમય હોય તો તમે જાતે જ જીન્સમાંથી બેગ બનાવી શકો છો. જીન્સની બેગ બનાવવા માટે આખું જીન્સ કાપી લેવું તમારે જે સાઈઝની લંબાઈ અને પહોળાઈની બેગ બનાવવી હોય એ સાઈઝના બે પીસ કાપવા અથવા એ સાઈઝની પહોળી પટ્ટીઓ કાપી લેવી. જો તમારે અસ્તર પણ જીન્સનું જ રાખવું હોય તો આવા ચાર લેયર તૈયાર કરવા બે લેયર એક પર એક મૂકીને ચારેય બાજુથી સીવી લેવા. તમારી પાસે બે લેયર બચે એને ત્રણ બાજુથી સીવી લેવા. ચોથી બાજુના લેયરને બીડી શકાય એ માટે ચેઈન અથવા બટનનો ઉપયોગ કરવો. તમારા જીન્સમાંથી તમારા માટે તમારા મનગમતી ડિઝાઇનની બેગ તમે જાતે જ બની જશે. બેગના હેન્ડલ પણ તમે જીન્સમાંથી જ બનાવી શકો છો. અથવા જૂની બેગમાંથી પણ ઉપયોગમાં લઈ શકો છો.

ડ્રેસ બનાવો

જીન્સનો ઉફયોગ કરીને તમે નવું આઉટફિટ તૈયાર કરી શકો છો. જૂના જીન્સમાંથી પાર્ટીવેર ડ્રેસ કે પછી બેબી ડ્રેસ બનાવી શકો છો. એ પણ આકર્ષક. જૂના જીન્સની બધી સિલાઈ ખોલીને તેમાંથી ખિસ્સા પણ હટાવીને તમે એક સરખાં પીસ કરો. કડી કરીને પણ તમે તમારા માટે ની-લેન્થ ડ્રેસ, વેસ્ટ કોટ, બ્લાઉઝ અને નાની બેબી માટે જીન્સનું સ્કર્ટ પણ બનાવી શકો છો.

કુશન કવર

તમારી પાસે જેટલા પણ જૂના અને ઘસાઈ ગયેલા જીન્સ હોય એ બધાને ભેગા કરીને એના પાયચાને બ્લેડ કે કાતરની મદદથી ખોલી નાંખો. ત્યાર બાદ બધા જ ખોલેલાં પાયચાને એકબીજા સાથે જોઇન્ટ કરી સિલાઈ કરી લેવાની છે. હવે કુશનની માપ સાઇઝ મુજબ એને ચારે બાજુથી એકબીજા સાથે સીવી લેવાનું છે.

બેડ કવર

તમને તમારા બેડરૂમ માટે એકદમ અલગ ને જો બધાથી જુદું દેખાય તેવું બેડ કવર જોઈએ તો તમે તમારા જ જૂના જીન્સમાંથી બનાવી શકો છો. જો અલગ અલગ કલરના બધા જીન્સ મળી જાય તો તો એકદમ હટકે જ લાગશે. બધા જ જીનસને કાપીને પછી ભેગા કરીને બનાવો સરસ બેડ કવર બનશે.

ચપ્પલ બનાવો

તમારી પાસે તો ઘણી બધી ફ્લિપ ફ્લોપ, ચપ્પલ અને કેનવાસ તો હશે જ. તો તમે જૂના જીન્સના કપડામાંથી નવા ચપ્પલ બનાવી શકો છો. તમારી પાસે જે પણ ચપ્પલ હાજર હોય તેનું માપ લો અને તમને ગમતા ચપ્પલ સીવી લો. નીચેના ભાગમાં સોલ ચોંટાડી દો. જૂના ચપ્પલને પણ જૂના જીન્સથી નવો લૂક આપી શકો છો. જીન્સની પાતળી પટ્ટી કાપીને એમાં ફ્લિપ ફ્લોપ લગાવીને એને કેનવાસ ઉપર એક્સપરિમેંટ કરીને ચપ્પલની પટ્ટી પર ડેકોરેટ કરો એટ્લે તમારા જૂના ચપ્પલ ને બનાવો નવા.

ઘરમાં સજાવટ કરો

જીન્સનો વોલપીસ ખૂબ જ લાંબા સમય સુધી ટકી રહે છે. તમારા ઘરમાં એવો ઘણો સમાન હશે જેના પર તમે કલાત્મક પ્રયોગ કરવા જ ઇચ્છતા હશો. જેમકે પેન સ્ટેન્ડ, ડોર મેટ, આસન, ખુરશીના કવર વગેરે વગેરે. તમારા જૂના જીન્સમાંથી આ દરેક ચીજો બનાવી શકાય. બસ તમારે જૂના જીન્સને કાપીને હાથેથી કે મશીનથી સીવી લેવાનું છે. જૂના નકામા જીન્સમાંથી ખૂબ ઉપયોગી એવી બોટલ બેગ પણ બનાવી શકો છો.

બિન બેગ

આજે દરેક વ્યક્તિને આરામથી બેસી શકે એવી બિન બેગ ખૂબ જ પસંદ હોય છે. જૂના જીન્સની સિલાઈ ઉખેડીને એક સરખી લાંબી - પહોળી પટ્ટીઓ તૈયાર કરો. આ કડીનું બિનબેગ કવર બનાવો. બિનબેગના અંદરના ભાગમાં રૂની જગાએ જૂના જીન્સના ટુકડા ભરી શકો. આવું પાઉચ કપડા મૂકવા માટે પણ ઉપયોગી થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter