જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા : આશાપૂર્ણા દેવી

પ્રથમ ભારતીય નારી

- ટીના દોશી Wednesday 11th October 2023 06:25 EDT
 
 

‘અમારું કુટુંબ અત્યંત રૂઢિચુસ્ત હતું. કડક નિયંત્રણોવાળું. છોકરીઓને શાળાએ મોકલવાનો રિવાજ નહોતો. કન્યાને ભણાવવા પર પ્રતિબંધ હતો. એથી મને નિશાળે જવાનું નસીબ પ્રાપ્ત ન થયું. અમે કુલ આઠ ભાઈબહેન હતાં. અત્યંત સાધારણ જીવન હતું. ભાઈઓ તો અભ્યાસ કરતા, પણ અમારું તો બાર વર્ષની ઉંમરથી ઘરની બહાર નીકળવાનું બંધ થઈ ગયેલું....’
વીસમી સદીના આરંભે જન્મેલી કોઈ પણ સ્ત્રી માટે આ પ્રકારનો સામાજિક પરિવેશ નવી નવાઈનો નહોતો. સ્ત્રીનું આખુંય આયખું આવા પરિવેશમાં વીતી જાય. પણ આવા સામાજિક વાતાવરણની સીડી પર ચડીને એક સ્ત્રીએ ચીલો ચાતર્યો અને સાહિત્યમાં સર્વોચ્ચ ગણાતા જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરીને સિદ્ધિ હાંસલ કરી !
એમનું નામ આશાપૂર્ણા દેવી... બંગાળી ભાષાનાં ઉત્કૃષ્ટ સાહિત્યકાર. નવલિકા લેખિકા અને નવલકથાકાર તરીકે જાણીતાં. બાળસાહિત્ય, કિશોરસાહિત્ય, ટૂંકી વાર્તાના સંગ્રહો અને નવલકથાઓ સહિત બસ્સો કરતાં પણ વધુ કૃતિઓનાં રચનાકાર. આશાપૂર્ણા વિદ્રોહિણી હતાં. એમના સાહિત્યમાં નારીવિદ્રોહનો સૂર પ્રકટતો. એમનો વિદ્રોહ રૂઢિ, બંધનો, જર્જરિત પૂર્વગ્રહો, સમાજની અર્થહીન પરંપરાઓ અને એ અવમાનના સામે હતો, જે નારી પર પુરુષ વર્ગ, સ્વયં નારીઓ અને સમાજ વ્યવસ્થા દ્વારા લાદવામાં આવ્યો હતો. સાહિત્યસર્જન બદલ કેટલાંયે પુરસ્કારોથી એમને નવાજવામાં આવ્યાં. પણ સૌથી પ્રતિષ્ઠિત સન્માન એટલે જ્ઞાનપીઠ પુરસ્કાર. પુરસ્કારોના મુગટમાં જ્ઞાનપીઠે મોરપીંછ બનીને શોભા વધારી. જ્ઞાનપીઠનું મહત્વ એટલાં માટે પણ હતું કે, આશાપૂર્ણા દેવી આ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા હતાં !
આશાપૂર્ણા દેવી પશ્ચિમ બંગાળના કોલકાતામાં ૮ જાન્યુઆરી ૧૯૦૯ના અત્યંત રૂઢિચુસ્ત કુટુંબમાં જન્મેલાં. માતા સરોલા દેવી. પિતા હરેન્દ્રનાથ ગુપ્ત ચિત્રકાર હતા. માતાએ દીકરીનો પરિચય સાહિત્યસૃષ્ટિ સાથે કરાવ્યો. આશાપૂર્ણા દેવીના શબ્દોમાં કહીએ તો : ‘મારી માનો સાહિત્યપ્રેમ અદભુત હતો. માનું પુસ્તકવાંચન એટલે કુંભકર્ણની ભૂખ...’ માનો આ વાંચનશોખ આશાપૂર્ણામાં સાંગોપાંગ ઊતર્યો. એમને શાળાએ જવા પર પ્રતિબંધ હતો. એમના ભાઈઓ જ્યાં વાંચતાલખતા હોય ત્યાં એ ચૂપચાપ બેસી રહેતાં અને જે કંઈ જોતાં, સાંભળતાં એને ગ્રહણ કરતાં તે જ તેમનું ભણતર. દરમિયાન, આશાપૂર્ણા દેવીનાં લગ્ન થયાં. કુશળ ગૃહિણી તરીકે ઘરનું કામ આટોપીને આશાપૂર્ણા દેવી પોતાનો લેખન અને વાંચનનો શોખ પૂરો કરતાં. માતૃભાષા ઉપરાંત બંગાળી અનુવાદ પરથી વિદેશી સાહિત્યનો આસ્વાદ લઈ શકાયો. બહોળું વાંચન દિલોદિમાગમાં ઘૂંટાતું ને ઘોળાતું રહ્યું. જે જોયું, એ જોઈને મનમાં જે પ્રતિભાવ જાગ્યો, તે લખતાં રહ્યાં.
આશાપૂર્ણા દેવીએ લેખિકા જીવનનો આરંભ બાળ અને કિશોર સાહિત્યની રચનાથી કરેલો. એમાં મુખ્યત્વે કાવ્યો તથા વાર્તાઓ હતાં. ઉંમરલાયક વાચકો અને યુવાનો તથા તે પછીની પેઢીના વાચકો ૧૯૩૭માં લખેલી એમની પ્રથમ વાર્તા ‘પત્ની ઓ પ્રેયસી’ આનંદબજાર પત્રિકાના પૂજા અંકમાં પ્રકાશિત થયેલી. એમનો પ્રથમ વાર્તાસંગ્રહ જલ ઓ આગુન ૧૯૪૦માં પ્રગટ થયો. પહેલી નવલકથા પ્રેમ ઓ પ્રયોજન ૧૯૪૫માં પ્રગટ થઈ. આમ બીજા વિશ્વયુદ્ધના સમયથી એમની સર્જનપ્રવૃત્તિ વેગવંતી બની. ૧૩ જુલાઈ ૧૯૯૫ના એમનું અવસાન થયું ત્યાં સુધીમાં એમની એકસો એંસી નવલકથાઓ, હજાર ઉપરાંત વાર્તાઓ તથા સોળ બાળસાહિત્યની પુસ્તિકાઓ પ્રગટ થયેલી. આશાપૂર્ણા દેવીને લગભગ બધા પુરસ્કારો નવલકથા માટે મળેલા. આશાપૂર્ણા દેવીની નવલકથાઓની વિશેષતા એ છે કે એમાં બધી સમસ્યાઓ તથા સંબંધો અથવા નાનાંમોટાં આંદોલનોને સડકો પર નહીં, પણ ઘરની ચાર દીવાલોની અંદર રાખીને એનો ઉકેલ દર્શાવાયો છે. એમની વાર્તાઓમાં પુરુષ પાત્રોની તુલનામાં સ્ત્રીઓને અધિક પ્રાધાન્ય અપાયું છે. એમની પાત્રસૃષ્ટિ તથા કથાવસ્તુમાં પ્રચુર વૈવિધ્ય છે. આશાપૂર્ણા દેવીએ જ્ઞાનપીઠ પુરસ્કાર સ્વીકારતી વખતે કહેલું કે, ‘સ્વયં સરસ્વતી દેવી મારી પાસે લખાવે છે. હું સરસ્વતી માતાની સ્ટેનોગ્રાફર છું. એ જે લખાવે છે એ જ હું લખું છું !’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter