જ્હાન્વી ડાંગેતી ‘નાસા’નો પ્રોગ્રામ પૂરો કરનાર પ્રથમ ભારતીય

Wednesday 12th January 2022 05:20 EST
 
 

વિશાખાપટનમ્: ભારતની વધુ એક દીકરીએ ફરી એક વખત વિશ્વતખતે દેશનું નામ ચમકાવ્યું છે. આંધ્ર પ્રદેશની જ્હાન્વી ડાંગેતી ‘નાસા’ (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન)નો ઇન્ટરનેશનલ એર એન્ડ સ્પેસ પ્રોગ્રામ (IASP) પૂરો કરનારી પહેલી ભારતીય બની છે. પશ્ચિમ ગોદાવરીના પલાકોલ્લુની જ્હાન્વીને બાળપણથી જ અંતરિક્ષના ગૂઢ રહસ્યો જાણવામાં રસ હતો. તે આ રહસ્યો અંગે વધુને વધુ માહિતી મેળવવા હંમેશા તત્પર રહેતી હતી. તેની આ જિજ્ઞાસાને દાદીએ જુદી જુદી વાર્તાઓની મદદથી તીવ્ર બનાવી. આજે એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી જ્હાન્વીનું સપનું સાકાર થયું છે. જ્હાન્વીએ અમેરિકાના અલાબામા ખાતે કેનેડી સ્પેસ સેન્ટરમાં ‘નાસા’ લોન્ચ ઓપરેશન્સનો ઇન્ટરનેશનલ એર એન્ડ સ્પેસ પ્રોગ્રામ સફળતાપૂર્વ પૂરો કરીને ઇતિહાસ સર્જ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, એસ્ટ્રોનોટ બનવા ઇચ્છતી દરેક વ્યક્તિનું સ્વપ્ન ‘નાસા’ સાથે જોડાવાનું અને વિશ્વની આ ટોચની સ્પેસ રિસર્ચ સંસ્થા સાથે કામ કરવાનું હોય છે. ‘નાસા’ IASP આ પ્રોગ્રામ માટે વિશ્વભરમાંથી માત્ર ૨૦ યુવા લોકોને પસંદ કરે છે. જ્હાન્વીએ તાજેતરમાં કેનેડી સ્પેસ સેન્ટર ખાતેનો સંપૂર્ણ એસ્ટ્રોનોટ પ્રોગ્રામ પૂરો કર્યો છે. જ્હાન્વીના જણાવ્યા અનુસાર આ પ્રોગ્રામમાં ઝીરો ગ્રેવિટી, મલ્ટિ-એક્સેસ ટ્રેનિંગ અને પાણીની નીચે રોકેટ લોન્ચનો સમાવેશ થતો હતો. તે પહેલી વખત વિમાનની પાઇલટ બની હતી. ટ્રેનિંગ પ્રોગ્રામમાં જ્હાન્વીની ‘ટીમ કેનેડી’ માટે મિશન ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જેમાં તેણે વિવિધ દેશોના ૧૬ લોકોના જૂથની આગેવાની કરી હતી. જ્હાન્વીની ટીમે સફળતાપૂર્વક અવકાશમાં એક મિનિએચર રોકેટનું લોન્ચિંગ અને લેન્ડીંગ કરાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે જ્હાન્વી ‘સ્પેસ મેજિકા’ની વાઇસ પ્રેસિડેન્ટ છે. આ વિદ્યાર્થીઓ અને જનતા માટેનું સ્ટાર્ટ-અપ એસ્ટ્રોનોટ ટ્રેનિંગ સેન્ટર છે. આ ઉપરાંત તે ‘સ્ટાર’ (સ્પેસ ટેક્નોલોજી એન્ડ એરોનોટિકલ રોકેટ્રી) સહિત ઘણી સંસ્થાઓ માટે કેમ્પસ એમ્બેસેડર રહી ચૂકી છે. ‘સ્ટાર’ ભારતની ખાનગી એરોસ્પેસ કંપની છે. જ્હાન્વી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ એસ્પાયરિંગ એસ્ટ્રોનોટ્સ (આઇઓએએ)ની સભ્ય છે.
‘ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ્સ’માં મલ્ટિ-ટેલેન્ટેડ યુવતી તરીકે નામ નોંધાવી ચૂકેલી જ્હાન્વીએ જણાવ્યું હતું કે, તેનું સ્વપ્ન મંગળ પર પગ મૂકનાર પ્રથમ ભારતીય બનવાનું છે. તેણે જણાવ્યું હતું કે, ‘મને IASP પ્રોગ્રામ માટે મેક્સિકોની કંપની તરફથી સ્કોલરશિપ મળી હતી. મારી એસ્ટ્રોનોટ બનવાની સફરમાં આગળ વધવા મેં જુદા જુદા સ્થળે ઓપન વોટર સ્કુબા ડાઇવિંગની તાલીમ લીધી છે. જેમાં વિશાખાપટનમ્ પણ સામેલ છે.’
જ્હાન્વીએ જણાવ્યું હતું કે, ‘હવે હું સ્કુબા સ્કૂલ્સ ઇન્ટરનેશનલનું પ્રમાણપત્ર ધરાવતી ઓપન વોટર સ્કુબા ડાઇવર છું. હું જુદા જુદા પ્રોજેક્ટ્સ, વર્કશોપ્સ અને હેકાથોન્સમાં સહભાગી બનીને મારા સ્વપ્ન સુધી પહોંચવાની દરેક તક ઝડપી લેવા માંગું છું. અમારી ટીમે ૧૬ પ્રારંભિક શોધ કરી છે.’ જ્હાન્વી પંજાબની ખાનગી યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. તેણે ઘણી ઇવેન્ટ્સમાં ભાગ લીધો છે. જેમાં ‘નાસા’, ‘ઇસરો’ અને અન્ય સ્પેસ એજન્સીના વર્કશોપ્સ - સેમિનાર્રનો વગેરેનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter