ઝારખંડની મહિલા નોકરી મેળવવા સાડી પહેરી ખુલ્લા પગે 1600 મીટર દોડી

Friday 16th October 2026 08:03 EDT
 
 

રાંચી: ઝારખંડમાં હોમગાર્ડની ભરતી માટે ચાલી રહેલી શારીરિક કસોટી દરમિયાન એક મહિલાની દોડે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. વાદળી સાડી પહેરીને ભરતીની 1600 મીટરની દોડમાં ઉતરેલી વિધવા મહિલા કવિતા કુમારીએ દોડ શરૂ કર્યા બાદ પોતાના પગમાંથી ચપ્પલ ઉતારી ખુલ્લા પગે દોડવાનું શરૂ કર્યું હતું. તેની હિંમત અને જુસ્સો જોઈ સ્ટેડિયમમાં હાજર લોકો તાળીઓ પાડીને અને હર્ષનાદ કરીને તેનો ઉત્સાહ વધારવા લાગ્યા હતા.
કવિતા દોડમાં આગળ વધતી ગઈ અને પ્રતિસ્પર્ધીને એક પછી એક પાછળ છોડતી ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો એક વ્યક્તિએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો. બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં કવિતાની સંઘર્ષભરી કહાની લોકો સુધી પહોંચી હતી. કવિતા કુમારી ઝારખંડના રામગઢ જિલ્લાના સોંસો ગામની રહેવાસી છે. પતિના અવસાન બાદ પરિવારની જવાબદારીનો ભાર તેના ખભા પર આવ્યો છે. તેના માટે હોમગાર્ડની નોકરી માત્ર સરકારી નોકરી મેળવવાની તક નથી, પરંતુ જીવનમાં નવી શરૂઆત કરવાની આશા છે. તેણે ગામ આસપાસના ઉબડખાબડ રસ્તાઓ પર દોડવાની પ્રેક્ટિસ કરી હતી. મર્યાદિત સાધનો અને મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે પણ તેણે હિંમત હારી નહીં અને હોમગાર્ડની ભરતીમાં સફળ થવા માટે સતત મહેનત કરતી હતી. તેની મહેનત કેવો રંગ લાવે છે એ તો સમય જ કહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter