ટીચર બાળકોની તોફાન-મસ્તીથી એટલા કંટાળ્યા કે જિંદગીમાં ક્યારેય માતા ન બનવાનો નિર્ણય કરી નાંખ્યો!

Saturday 06th March 2021 10:49 EST
 

ભોપાલઃ કોરોનાએ લોકોના જીવન પર કેવી અસર કરી છે તેનો એક દાખલો ભોપાલમાં નોંધાયો છે. જેમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવતી શિક્ષિકાએ ક્યારે મા નહીં બનવાની જાહેરાત કરી દીધી હતી. મા નહીં બનવાનો નિર્ણય એટલા માટે લીધો હતો કે ઓનલાઇન ભણાવતી વખતે બાળકોના વ્યવહારથી એ તોબા પોકારી ગઇ હતી. પોતાના નિર્ણયની સાસરિયાને જાણ કરતાં વિવાદ ઊભો થયો અને સમગ્ર મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો.
પતિને જીવનસાથીની એ વાત ગમી ન હતી કે એની પત્ની માત્ર એટલા માટે મા બનવાનો ઇનકાર કરે છે કે ઓનલાઇન ભણાવતી વખતે તે બાળકોના તોફાન-મસ્તી, ધાંધલધમાલથી કંટાળી ગઇ હતી. પતિની ફરિયાદના આધારે કેટલીય વખતે શિક્ષિકાનું મનોચિકિત્સકો દ્વારા કાઉન્સેલિંગ પણ કરાયું હતું, પરંતુ શિક્ષિકાએ પોતાની જીદ છોડી ન હતી.
ફેમિલી કોર્ટના કાઉન્સેલર અનુસાર, કોરોનાના કારણે શાળાઓ બંધ રહેતા ઓનલાઇન વર્ગો લેતી વખતે આ શિક્ષિકા છાત્રોના વ્યવહાર અને ગેરશિસ્તથી એટલા કંટાળી ગયા હતા કે તેમણે ક્યારે પણ માતા નહીં બનવાની જીદ પકડી લીધી હતી. બીજી તરફ, પતિએ કહ્યું હતું કે મારી પત્ની પોતાની જવાબદારી નિભાવવાથી દૂર ભાગી રહી છે.
કાઉન્સેલરે ચાર વખત તેમને સમજાવ્યા હતા, પરંતુ આ શિક્ષિકા માતા બનવા તૈયાર જ થયા નહોતા. પરિણામે પતિ અને તેમના પરિવારે ફેમિલી કોર્ટની શરણ લીધી હતી. કાઉન્સેલર શૈલ અવસ્થીએ કહ્યું હતું કે પતિ-પત્ની વચ્ચે પ્રેમના સંબંધો તો છે, પરંતુ ઓનલાઇન વર્ગોનો ભાર સહન ના થતાં તે માનસિક તાણ અનુભવતી હતી. બાળકોના તોફાન અને તેમની ગેરશિસ્ત જોઇ બાળકો પ્રત્યે તેમને ધૃણા પેદા થઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter