ટૂથ પેસ્ટથી પણ નિખારી શકાય ત્વચા

Tuesday 27th November 2018 07:01 EST
 
 

સામાન્ય રીતે આપણે ટૂથ ક્રીમ કે પેસ્ટનો જે કામ માટે તે ખરીદી હોય તેના માટે જ ઉપયોગ કરતા હોઈએ છીએ. આ પ્રકારની ચીજો વડેના વિચિત્ર ગણી શકાય તેવા નુસખાથી ખરેખર તો ત્વચાને નિખારી શકાય છે. આવી કેટલીક ટિપ્સ અહીં આપવામાં આવી છે. ટૂથ પેસ્ટનો ઉપયોગ આમ તો આપણે દાંત સાફ કરવા માટે જ કરતા હોઈએ છીએ, પણ ટૂથ પેસ્ટથી ત્વચા પણ સાફ કરી શકાય છે.

  • જો ક્યારેક તમે કોઈ જગ્યાએ પ્રવાસમાં ગયા હો અને સાબુ, બોડી શેમ્પુ કે બોડી વોશ લઈ જવાનું ભુલાઈ ગયું હોય તો ટૂથ પેસ્ટ આ ચીજોની જગ્યા લઈ શકે છે. ઉપરથી સાબુ બોડી શેમ્પુ કે બોડી વોશ કરતાં ટૂથ પેસ્ટનો ઉપયોગ પણ ઓછો કરવો પડશે.
  • સાબુ, બોડી શેમ્પુ કે બોડી વોશ જ્યારે હાથવગા ન હોય ત્યારે એક નક્કામા કપડા કે નેપકિનને પહેલાં બરાબર ભીનો કરી લેવો. તેને નિતારી અને સહેજ નિચોવી નાંખવો. તેની ઉપર ટૂથ પેસ્ટ લગાવીને પછી કાપડ પર તે પ્રસરી જાય તેમ તેને હળવા હાથે ફેલાવી દેવી. આ ભીના કાપડ કે નેપકિનથી હળવા હાથે શરીર પર મસાજ કરી લેવી. એ પછી તુરંત જ પાણીથી શરીરને સાફ કરી લેવું. આમ કરવાથી શરીર પરનો મેલ પણ દૂર થશે અને ત્વચા પણ નિખરી જશે. આશ્ચર્યની વાત એ છે કે ચહેરા અને નાજુક ત્વચા પર પણ ટૂથ પેસ્ટનો ઉપયોગ કરી શકાય છે.
  • જો તમારા ચહેરા પર સતત ચીકાશ રહેતી હોય તો એક ટૂથ બ્રશને પહેલાં ગરમ પાણીમાં સાફ કરી લો. તેનાં દાંતા નરમ પડે પછી તેના ઉપર ચણાની દાળ જેટલી ટૂથ પેસ્ટ લગાવી લો. આ ટૂથ બ્રશ હળવા હાથે ચહેરા પર ચારે તરફ ઘસો. પાંચેક મિનિટ સુધી આ રીતે ચહેરા પર બ્રશ કર્યા પછી હુંફાળા પાણીથી ચહેરાને સાફ કરી લો. તમને નવાઈ લાગશે, પણ ચહેરા પરનો મેલ દૂર થઈ ગયો હશે.
  • જો તમારા ચહેરા પર બ્લેક હેડ્સ કે વ્હાઈટ હેડ્સનો પ્રોબ્લેમ રહેતો હોય તો ટૂથ બ્રશ ઉપર ચણાની દાળ જેટલી ટૂથ પેસ્ટ લો. જ્યાં બ્લેક કે વ્હાઈટ હેડ્સ હોય તે જગા પર એકદમ હળવા હાથે બ્રશ કરો. એ પછી એ જગાને ગુલાબજળથી ધોઈ લો. અઠવાડિયામાં બે વખત આમ કરવાથી તમારા બ્લેક હેડ્સ ધીરે ધીરે દૂર પણ થઈ જશે.
  • જો તમારા પગના વાઢિયા સતત દુખતા હોય અને તેમાં મેલ ભરાઈ જતો હોય તો સર્વ પ્રથમ હુંફાળા ગરમ પાણીમાં તમારા પગના તળિયાને પાંચથી દસ મિનિટ સુધી પલાળી રાખો. એ પછી વાયર બ્રશ કે ટૂથ બ્રશ ઉપર ટૂથ પેસ્ટ લગાવો અને વાઢિયા હોય તે ભાગ પર પાંચથી સાત મિનિટ હળવા હાથે બ્રશ કરો. આમ કરવાથી વાઢિયાનો મેલ દૂર થશે અને નક્કામી ત્વચા પણ નીકળી જશે. આ રીતે જ હાથ કે પગનાં નખમાં મેલ ભરાઈ જતો હોય તો પણ ટૂથ બ્રશ પર પેસ્ટ લગાવીને નખને બ્રશ કરવાથી મેલ દૂર થઈ જાય છે.
  • જો તમે ચહેરા પરના અણગમતા વાળથી પરેશાન હો તો એક બાઉલમાં હાફ ટી સ્પૂન ટૂથ પેસ્ટ, બે ટી સ્પૂન બેકિંગ પાઉડર અને ચાર ટી સ્પૂન ગુલાબજળ નાંખો અને બરાબર મિક્સ કરી લો. આ પેસ્ટથી હળવા હાથે ચહેરા પર દસેક મિનિટ મસાજ કરો. એ પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. એકાંતરે દિવસે આ પ્રયોગ કરવાથી ચહેરા પરના વાળનો ગ્રોથ ઓછો થશે અને ચહેરો નિખરશે પણ ખરો.
  • ટૂથ પેસ્ટના ઉપરોક્ત પ્રયોગોથી સામાન્ય રીતે તો ત્વચા નિખરે જ છે, પરંતુ તમારી ત્વચા સેન્સેટિવ હોય તો દરેક પ્રયોગ સર્વ પ્રથમ હાથ પર કરી જોવો જેથી તમારી ત્વચાને જે તે ટૂથ પેસ્ટ સૂટ થાય છે કે નહીં તેનો ખ્યાલ આવી જશે. સામાન્ય રીતે તમે જે ટૂથ પેસ્ટ રોજિંદા ઉપયોગમાં લેતા હોય તે જ ટૂથ પેસ્ટનો ઉપરોક્ત પ્રયોગો માટે પણ ઉપયોગ કરવો. આંખ, નાક કાન સહિતના સંવેદનશીલ અંગો પર ટૂથ પેસ્ટનો ઉપયોગ કરવો નહીં. શક્ય છે કે અન્ય અંગો પર ઉપયોગ કરતાં મિશ્રણ કે પેસ્ટ આ અંગોમાં જાય તો સત્વરે પાણી કે હુંફાળા પાણીથી તુરંત અંગો સાફ કરી લેવા.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter