ટેક કેરઃ અવનવી એક્સેસરીઝનું જતન કરે છે જ્વેલરી બોક્સ

Saturday 08th April 2023 07:39 EDT
 
 

કોલેજગોઈંગ ગર્લ્સ હોય કે ગૃહિણી હોય, નિતનવી એક્સેસરીઝ ભેગી કરવાનો ક્રેઝ દરેક વયની યુવતીઓમાં જોવા મળે છે. જોકે, ઘણી બધી વાર એક્સેસરીઝનો ખડકલો થઈ ગયો હોય ત્યારે એમાંથી કોઈ એક એરિંગ્સ, રિંગ કે બ્રેસલેટ શોધવા અઘરાં થઈ પડે છે. પરસ્પર આ બધી વસ્તુઓ ગૂંચવાઈ જાય છે અને જોઈએ ત્યારે એને પહેરી શકાતી નથી. આ સમસ્યાને દૂર કરે છે એક્સેસરીઝ ઓર્ગેનાઈઝર બોક્સ, જે જ્વેલરી બોક્સ તરીકે પોપ્યુલર છે. આ જ્વેલરી ઓર્ગેનાઈઝર બોક્સમાં એરિંગ્સ, એન્કલેટ્સ, રિંગ્સ કે બ્રેસલેટ્સ દરેકને સુંદર રીતે ગોઠવી શકાય છે. આમ, તમારી એક્સેસરીઝ પણ વ્યવસ્થિત સચવાઈ રહે છે અને જ્વેલરી બોક્સ પણ તમારી એક્સેસરીઝથી શોભી ઊઠે છે. જ્વેલરી બોક્સનો ઉપયોગ શા માટે કરવો જોઇએ? વાંચો આગળ...
ભેજથી દૂર રાખેઃ જ્વેલરી બોક્સ આર્ટિફિશિયલ જ્વેલરીને ભેજવાળાં વાતાવરણથી દૂર રાખો. આર્ટિફિશિયલ જ્વેલરી લાંબા સમય સુધી લોશન્સ, પરસેવા કે પછી પાણીના સંપર્કમાં રહે તો એનાથી જ્વેલરીની ધાતુ પર પણ ખરાબ અસર પડે છે. આ કારણે આર્ટિફિશિયલ જ્વેલરીને ઉતાર્યા બાદ હંમશા થોડો સમય ખુલ્લા વાતાવરણમાં રાખો જેથી એને પરસેવો કે વાતાવરણનો ભેજ લાગ્યો હોય તો તે સૂકાઇ જાય. આટલું કર્યા પછી આ જ્વેલરીને જ્વેલરી બોક્સમાં સારી રીતે પેક કરીને મૂકી દો.
દરેક મેટલ અલગ અલગઃ જ્વેલરી બોક્સમાં જરૂરિયાત પ્રમાણે અલગ અલગ ખાનાં હોય છે. આના કારણે અલગ અલગ મેટલની જ્વેલરીને એક જ જ્વેલરી બોક્સમાં સારી રીતે સાચવીને રાખી શકાય છે. જો શક્ય હોય તો બધી મેટલને એક જ બોક્સમાં રાખવાના બદલે અલગ અલગ બોક્સમાં રાખવી જોઇએ. દરેક મેટલની જ્વેલરી લાંબો સમય જળવાઇ રહેશે.
જ્વેલરી પ્રોટેક્ટ લેયરઃ કેટલાક જ્વેલરી બોક્સમાં જ્વેલરી પ્રોટેક્ટ લેયરનો ઉપયોગ કરવામાં આવે છે. એની નીચે જ્વેલરીને સારી રીતે સંભાળીને રાખી શકાય છે. આ લેયરની મદદથી જ્વેલરીને રક્ષણાત્મક કવચ મળે છે અને મેટલમાં એલર્જિક રિએક્શન થતું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter