ટોકિયો ઓલિમ્પિકઃ પેરા ટેબલ ટેનિસમાં અમદાવાદની ભાવિના પટેલ

Friday 04th June 2021 05:48 EDT
 
 

અમદાવાદઃ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી ૩૫ વર્ષીય ભાવિના પટેલ પહેલી એવી ખેલાડી છે જેઓ પેરા ટેબલ ટેનિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ગામડાંમાં ઉછેરેલાં ભાવિનાબહેનના પરિવારમાં કોઇ સ્પોર્ટ્સ બેકગ્રાઉન્ડ ધરાવતું નથી. વળી પોતાના ગામમાંથી કોઇ રાષ્ટ્રીય સ્તરે રમવા ગયું હોય એવું પણ જોયું કે સાંભળ્યું નહોતું એટલે સ્પોર્ટ્સ વિશે ખાસ કંઇ ખબર નહોતી. આમ છતાં ભાવિના આજે વિશ્વમાં આઠમો રેન્ક ધરાવે છે.
એક વર્ષની નાની ઉંમરમાં પોલિયો થઇ જવાને કારણે તેમને ચાલવામાં તકલીફ થવા લાગી, પરંતુ તેણે અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રીત કર્યું. અમદાવાદમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહીને બ્લાઇન્ડ મેન્સ પિપલ્સ એસોસિએશનમાં આઇઆઇટીનો કોર્સ કરતા હતા. આ દરમિયાન તેમણે જોયું કે તેમની સાથેના અન્ય વિદ્યાર્થીઓ દરરોજ ટેબલ ટેનિસ રમતા હતા. ભાવિનાબહેન કહે છે કે મેં એમની સાથે ટાઇમ પાસ માટે રમવાનું શરૂ કર્યું હતું. થોડા મહિના પછી નેશનલ ચેમ્પિયનશિપ આવતી હતી, જેમાં મેં ભાગ લીધો અને બ્રોન્ઝ મેડલ જીત્યો. મારો ઉત્સાહ વધ્યો. બ્રોન્ઝ મળ્યા પછી પ્રોફેશનલ રીતે ટેબલ ટેનિસ રમવાનું નક્કી કર્યું. નોકરીની સાથે ટેબલ ટેનિસની પ્રેક્ટિસ કરતી હતી. એક તો પગમાં તકલીફ અને બીજું, ક્યારેય આટલો શ્રમ કર્યો ન હોવાથી શરૂઆતમાં ખૂબ થાકી જતી હતી. પપ્પા-મમ્મી મારી તકલીફ જોઇને મને ટીટી રમવાની ના પાડતા હતા, પણ હું મક્કમ હતી એટલે ફોન પર ખોટું બોલતી. ધીરે-ધીરે નેશનલ લેવલે અને પછી ઇન્ટરનેશનલ લેવલે પેરા ટેબલ ટેનિસ રમવા લાગી. એમાં સફળતા મળતાં ઓલિમ્પિક સુધી પહોંચવાનો ગોલ બનાવ્યો હતો, જે હવે સાકાર થઇ રહ્યો છે. મને સફળતા મળતા માતા-પિતા અને હસબન્ડ મારા માટે ગૌરવની લાગણી અનુભવે છે.
શારીરિક મર્યાદા છતાં રમતગમત ક્ષેત્રે મોખરાનું સ્થાન મેળવનાર ભાવિનાબહેન કહે છે કે વ્યક્તિ હેન્ડીકેપ્ડ હોય કે નોર્મલ, પોતાની જાત પર વિશ્વાસ રાખી મનગમતા ક્ષેત્રમાં આગળ વધવા માટે ખંતથી મહેનત કરે તો તેને નિર્ધારિત ગોલ (લક્ષ્ય) સુધી પહોંચતાં કોઇ રોકી શકે નહીં. ભાવિનાબહેન કહે છે કે લોકડાઉનના સમયગાળામાં પ્રેક્ટિસ છૂટી ન જાય એટલે ઘરમાં જ ટીટીનું ટેબલ વસાવ્યું છે. કોચને ઘરે બોલાવીને પ્રેક્ટિસ ચાલુ રાખી હતી. ઓલિમ્પિકમાં બેસ્ટ પરફોર્મન્સ આપી શકું એટલે દરરોજ કલાક પ્રેક્ટિસ કરું છું. પર્સનલ કોચ, ડાયેટિશિયન દ્વારા આપવામાં આવેલ ડાયટ ચાર્ટને ફોલો કરું છું. એક્સપર્ટ પાસેથી ફિઝિયોથેરાપી લઉં છું. અમારી મેચ ૨૫મી ઓગસ્ટથી શરૂ થઇ રહી હોવાથી સમયને જરા પણ વેડફ્યા વિના રમત પર ફોક્સ કર્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter