ડાયમંડ જ્વેલરી ખરીદતાં પહેલાં...

Wednesday 14th December 2022 07:37 EST
 
 

થોડાં વર્ષો પહેલાં આભૂષણોની દુનિયામાં ચાંદી તેમજ સોનું સૌથી વધુ મહત્ત્વનું સ્થાન ધરાવતાં હતાં, પરંતુ છેલ્લા થોડા સમયથી હીરાએ પણ આભૂષણોની દુનિયામાં પોતાનું મહત્ત્વનું સ્થાન બનાવી લીધું છે. જેટલી લોકપ્રિયતા સોનાની છે તેટલી જ આજકાલ હીરાની પણ છે. હીરાની વીંટી તેમ જ કાનની બૂટ્ટી વધુ લોકપ્રિય છે.
ભલે હીરાને લોકપ્રિયતા આજે મળી હોય પરંતુ તેનું મહત્ત્વ તો છેક મોગલ બાદશાહોના શાસનકાળમાં પણ હતું. આથી જ કોહિનૂર જેવા હીરાને પ્રાપ્ત કરવા માટે કેટલાંય યુદ્ધો થઈ ગયાં. એક સમય હતો કે જ્યારે હીરાની કિંમત ચૂકવવી દરેક માટે શક્ય નહોતી. હીરાને શ્રીમંતોની શોભા ગણવામાં આવતો હતો, પરંતુ હવે સમય બદલાયો છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી હીરાએ બજારમાં પોતાનું આગવું સ્થાન જમાવી રાખ્યું છે જેનું મુખ્ય કારણ હીરાઓને કાપીને જે ઘાટ આપવામાં આવે છે ત્યારે જે કણ પડે છે તેનો પણ ઘરેણામાં ઉપયોગ થાય છે. આ કણને નંગની જગ્યાએ બેસાડવામાં આવે છે. હીરાના આ નકામા કણોને આભૂષણોમાં કલાત્મક રીતે ગોઠવવામાં આવે છે જેથી આભૂષણોની સુંદરતામાં વધારો થાય છે.
હીરો એક અમૂલ્ય નંગ ગણાય છે. તેની ગોઠવણી પ્લેટિનમ (સફેદ ધાતુ) અને સોનામાં કરવામાં આવે છે. અલગ અલગ આકારના હીરાને કલાત્મક રીતે ગોઠવીને ઘરેણાં બનાવવામાં આવે છે. ઘરેણાંની બનાવટમાં અનેક પ્રકારની રીતો વાપરવામાં આવે છે તેથી હવે હીરાની ગોઠવણી ૧૮ કેરેટના સોનામાં પણ કરવામાં આવી રહી છે.
હીરો એક કીંમતી નંગ છે માટે તેની ખરીદી કરતાં પહેલાં થોડી તકેદારી અને સાવચેતી અવશ્ય રાખવા જોઈએ. સોના-ચાંદીની માફક હીરાની કિંમત અખબારોમાં આવતી નથી, વળી હીરાનો ભાવ તેની શુદ્ધતા પર તેમજ ઘાટ પર આધાર રાખે છે. તેથી જો થોડું પણ ધ્યાન આપવામાં ન આવે તો માનવી ઠગાઈ જાય છે.
હંમેશા હીરો ખરીદતાં પહેલાં તેની ચમક જુઓ. હીરો દેખાવમાં સફેદ રંગનો હોય છે, પરંતુ ખૂબ ઊંચી ગુણવત્તા ધરાવતા હીરામાંથી નીલા રંગના કિરણો નીકળતાં દેખાય છે. જે હીરો જેટલો ચળકતો હશે તેની કિંમત તેટલી જ વધુ હશે. ખૂબ નાના હીરાની ચમક વધારે હોય છે. જો હીરાનો ચળકાટ થોડોક પણ મંદ જણાય તો તેવો હીરો ખરીદશો નહીં કારણ કે તે નિમ્ન કોટિનો હોવાની સંભાવનાને નકારી ન શકાય.
ચળકાટની સાથે હીરામાં કોઈ પણ જાતનાં ડાઘ ન હોય તે પણ અવશ્ય જુઓ. હીરામાં કોઇ પણ જાતના દાગ-ધબ્બાં તેની ગુણવત્તા યોગ્ય ન હોવાનું દર્શાવે છે. ઉચ્ચ ગુણવત્તા ધરાવતો હીરો દાગરહિત હોય છે.
કટ અને ચળકાટ પછી કટિંગ પ્રત્યે ધ્યાન આપવું જોઈએ કારણ કે હીરાનું કટિંગ પણ મહત્ત્વનું હોય છે. અને કટિંગ ઉપરથી જ તેની કિંમત નક્કી થાય છે.
કટિંગ પછી જ તેને આકાર આપવામાં આવે છે જેમ કે ગોળાકાર, ષટ્કોણ, વર્ગાકાર, ઈંડાકાર વગેરે. હીરાને પારખવા માટેના ઉપાયો જાણ્યા પછી તમે ચોક્કસપણે સાચો હીરો ખરીદી શકશો. તેમ છતાં ભરોસાપાત્ર જ્વેલર્સ પાસેથી જો ખરીદી કરો તો તે વધુ યોગ્ય છે. છતાં જો કોઈ શંકા રહી જાય તો અન્ય દુકાન પર તેની તપાસ કરાવવી જરૂરી હોય છે.
હીરાનું વજન કેરેટના આધારે થતું હોય છે. હીરો જેટલો મોટો હોય તેટલી જ તેની કિંમત વધારે હોય છે. તેથી જ હીરો ખરીદતી વખતે તેના કેરેટ વિશે પૂછીને બિલ બનાવડાવતી વખતે તેની પણ નોંધ કરાવો.
હીરાનો ચળકાટ કેવી રીતે જાળવશો?
હીરાની ખરીદી કર્યા પછી તેના ચળકાટને કાયમી રાખવો જરૂરી છે. તે માટે પ્રસ્તુત છે કેટલી વિગતો...
• વધુ પડતી ગરમીને કારણે હીરાની ચમક ઓછી થઈ જાય છે અને તેમાં ક્યારેક ડાઘ પણ પડી જાય છે. તેથી આવા સંજોગોમાં હીરાનાં આભૂષણોને પહેર્યા પછી કોટનના પેડમાં વાળીને મૂકવા જોઈએ.
• દરરોજ ઉપયોગમાં લેવાતાં આભૂષણ જેવા કે વીંટી, કાનની બૂટ્ટી વગેરે પર મેલ, માટી વગેરે જામી જાય અને તે કાળા પડી જાય છે. આવા સંજોગોમાં એક વાટકીમાં સહેજ ગરમ પાણી લઈને તેમાં વોશિંગ પાઉડર નાખીને ટૂથબ્રશથી ધીરે ધીરે સાફ કરો પછી ચોખ્ખા પાણીથી ધોઈને સુતરાઉ કાપડથી તેમને કોરા કરો.
• હીરાનાં આભૂષણોને ગૃહકાર્ય કરતી વખતે ઉતારી દેવા હિતાવહ છે. વળી બ્લીચ
વગેરે રાસાયણિક પદાર્થો હીરાને નુકસાન પહોંચાડી શકે છે.
• હીરાનાં આભૂષણોને કોટનમાં લપેટીને રાખવા યોગ્ય છે. દરેક આભૂષણને જુદાં જુદાં કોટનનાં પેડમાં મુકવાં. જો હીરાનું સેટિંગ ઢીલું હોય તો તેનું ફિટીંગ બરાબર કરાવવું જેથી આભૂષણમાંથી નીકળી ન જાય. ઉપરની બધી બાબતોની આપ સારી રીતે કાળજી લેશો તો હીરો તમારા સૌંદર્યની ચમકમાં અનેકગણો વધારો કરશે અને સાથે તેનાથી તમારી પ્રતિષ્ઠા વધશે તે નફામાં!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter