ડો. કેથી સુલિવાઃ અવકાશમાં સ્પેસ વોક, સમુદ્રના સૌથી ઊંડા તળિયે પણ પહોંચ્યાં

Friday 12th June 2020 07:19 EDT
 
 

ન્યૂ યોર્કઃ યુએસમાં રહેતી ડો. કેથી સુલિવાન (ઉં ૬૮) નાસાનાં અંતરિક્ષ યાત્રી છે અને તેમણે સમુદ્રના સૌથી ઊંડા મારિયાના ટ્રેન્ચના તળિયે દોઢ કલાક પણ વીતાવ્યો છે. આ પછી ડો. કેથી સુલિવાન દુનિયાનાં પ્રથમ એવાં મહિલા છે કે જેમણે અંતરિક્ષમાં પણ લટાર મારી છે અને સમુદ્રના સૌથી ઊંડા ગણાતા મારિયાના ટ્રેન્ચના તળિયાનો પણ અનુભવ કર્યો છે. ચેલેન્જર ડીપ નામનું આ સ્થળ ૩૫૮૧૦ ફૂટ નીચે આવેલું છે. કેથીએ આ સાહસ ઈયોસ એક્સપિડિશન્સ નામની લોજિસ્ટિક કંપની સાથે મળીને કર્યું છે. તેની સાથે વિક્ટર એલ. વેસ્કોવી પણ ગયા હતા. બંનેએ ચેલેન્જર ડીપમાં આશરે દોઢ કલાક વીતાવ્યો. બાદમાં આશરે ચાર કલાક પછી તેઓ પોતાના જહાજ પર આવ્યા હતા. બંનેએ આશરે ૪૦૮ કિમી ઉપર ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટરના અંતરિક્ષયાત્રીઓ સાથે પણ વાત કરી હતી.
ડો. કેથીએ તાજેતરમાં જ આ સિદ્ધિ હાંસલ કરી હતી. મારિયાના ટ્રેંચ ગુઆમથી આશરે ૩૨૧ કિમી દૂર છે. આ સફળતા પછી તેમણે કહ્યું કે, એક અંતરિક્ષયાત્રી અને સમુદ્ર વિજ્ઞાની હોવાના કારણે મારા માટે આ ખૂબ જ મહત્ત્વની ઘટના રહી. જીવનમાં એકવાર ચેલેન્જર ડીપ જોવું અને પછી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના સાથીદારો સાથે વાત કરવી ખરેખર અવિસ્મરણીય છે. સમુદ્રની સપાટીથી ૨૦થી ૩૬ હજાર ફૂટની ઊંડાઈએ અમે જે તસવીરો લીધી છે તે હકીકતમાં અભૂતપૂર્વ છે. જો તમે માઉન્ટ એવરેસ્ટને પણ ચેલેન્જર ડીપમાં મૂકો તો તેનું શિખર સમુદ્રની સપાટીથી દોઢ કિલોમીટર નીચે રહે. એવરેસ્ટ શિખરે અને સમુદ્રના તળિયે પહોંચવું પડકારજનક છે કારણ કે, બંને જગ્યાએ હવાના દબાણમાં ઘણું અંતર હોય છે. સમુદ્રના તળિયાની સરખામણીએ એવરેસ્ટના શિખરે હવાનું દબાણ ૭૦ ટકા સુધી ઓછું હોય છે. સમુદ્રના તળિયામાં દબાણનું સ્તર ૧૦૧૩ મિલીબાર હોય છે જ્યારે એવરેસ્ટ પર આ આંકડો આશરે ૨૫૩ મિલીબાર જેટલો હોય છે.
સ્પેસ વોક કરનારાં પ્રથમ અમેરિકન મહિલા
ડો. કેથી ૧૯૭૮માં નાસામાં જોડાયાં હતાં. ૧૧મી ઓક્ટોબર, ૧૯૮૪ના રોજ તેઓ સ્પેસ વોક કરનારાં પ્રથમ અમેરિકન મહિલાં બન્યાં હતાં. આ મિશન દરમિયાન હબલ સ્પેસ ટેલિસ્કોપ લોન્ચ કરાયો હતો. હબલ પૃથ્વીની ધરી પર ફરતો ઓબ્ઝર્વેટરી છે, જેણે છેલ્લા ૩૦ વર્ષમાં અંતરિક્ષનો અદભુત નજારો કેમેરામાં કેદ કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter