તંદુરસ્ત જીવનશૈલી જીવતી માતાઓની દીકરીઓમાં ડિપ્રેશનની સંભાવના ઓછી

Saturday 11th February 2023 07:35 EST
 
 

વોશિંગ્ટન: આજના વ્યસ્ત જીવનમાં તંદુરસ્ત રહેવું ખૂબ જરૂરી છે કારણ કે તેની સીધી અસર તમારા સંતાનોના આરોગ્ય પર પણ પડતી હોય છે. જે માતાની જીવનશૈલી તંદુરસ્ત હોય તેની દીકરીઓમાં ડિપ્રેશનના લક્ષણો ઓછા જોવા મળતા હોવાનું એક અભ્યાસનું તારણ છે. જોકે, છોકરાઓ ૫૨ આવી કોઈ અસર દેખાતી નથી.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં કિશોરોમાં ડિપ્રેશન ઝડપથી વધી રહ્યું છે. 2005માં અમેરિકામાં 8.7 ટકા કિશોરો ડિપ્રેશનથી પીડાતા હતાં. આ આંકડો 2014માં વધી 11.3 ટકા થઈ ગયો હતો. જયારે 50 ટકા યુવાનોએ ડિપ્રેશન સિવાય અન્ય માનસિક વિકૃતિઓ સામે લડવાની વાત સ્વીકારી હતી. આજે આ આંકડો તેનાથી પણ ઘણો વધુ હોવાની શક્યતા છે. યુવાનોમાં ડિપ્રેશન નિષ્ફળતાનું મુખ્ય કારણ બની રહ્યું છે. સંશોધક વી-ચેન-વાંગ કહે છે કે પૌષ્ટિક ખોરાક, ધૂમ્રપાન ન કરવું, શારીરિક રીતે સક્રીય રહેવું , સરેરાશ બોડી માસ ઈન્ડેક્સ (BMI), શરાબના નહિવત સેવનથી હતાશા ઘટે છે. આ જાણવા માટે 10,308 અલગ અલગ ક્ષેત્રોની 25થી 45 વર્ષીય મહિલાઓનો ડેટા એકત્ર કરવામાં આવ્યો હતો. 1989થી એકત્રિત કરવામાં આવેલા આ ડેટાના વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે માતાઓની જીવનશૈલી અને વર્તન તેમના બાળકોના જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે. જોકે માતાનું વજન વધારે હોય તો દીકરીઓમાં ડિપ્રેશનનો ડર ભાગ્યે હોય છે. જયારે પિતાના ડિપ્રેશનની અસર મોટા થતા બાળકો પર ઊંડી પડે છે. ભલે બાળક આનુવંશિક હોય કે દત્તક લેવામાં આવ્યુ હોય.

નિષ્ણાતોનું કહેવું છે કે બાળકો અજાણતાં માતા-પિતાની જેમ વર્તી તેમની ટેવોને અનુસરે છે. ઘણી વખત તેઓ તેમાં પોતાની રીતે બદલાવ લાવી વર્તવા લાગે છે. જેની કિશોરાવસ્થા અને પુખ્તાવસ્થામાં વધુ અસર થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter