તંદુરસ્તી તમારી જીવનશૈલી છે, ત્યાં કોઈ શોર્ટકટ ન ચાલે

Wednesday 18th February 2015 06:18 EST
 
 

જેમના નામમાત્રનો ઉલ્લેખ થતાં જ મનમાં સદાબહાર સૌંદર્ય શબ્દો ઉપસે છે તેવાં જાજરમાન અભિનેત્રી રેખા માટે કહેવાય છે કે ઉંમર વધવા સાથે તેમનો દેખાવ વધુ નીખર્યો છે. બ્યુટિફુલ હોવું અને બ્યુટીને મેઇન્ટેન રાખવી તેમ જ ઉંમરની એના પર અસર ન વર્તાવા દેવી એ થોડું અઘરું હોય છે. રેખાએ સરસ રીતે તેના સૌંદર્યનું જતન કર્યું છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે ‘જીવનના દરેક તબક્કે હું ખાણીપીણી અને લાઇફ-સ્ટાઇલ હેબિટ્સમાં જરૂરી પરિવર્તન લાવતી રહી છું. જોકે એની પાછળનું કારણ ઉંમરની અસર ન દેખાય એ ક્યારેય નથી રહ્યું, પરંતુ પોતાના વીક પોઇન્ટ્સને બહેતર બનાવવા માટે સતત પ્રયત્નો કર્યા છે જે સમય જતાં મારી આદત બનતી ગઈ. અત્યારે ખૂબ સહજ રીતે હું અમુક પ્રકારની જીવનશૈલી ફોલો કરી શકું છું એની પાછળનું કારણ કદાચ ત્રણ દાયકા પહેલાં મેં બહેતર બનવા માટે કરેલા પ્રયત્નો જવાબદાર છે.’

સુંદરતાની ક્રેડિટ

એક ઇન્ટરવ્યુમાં રેખાએ એક રહસ્ય ખૂલ્લું કરતાં કહ્યું છે કે, ‘હું હજી પણ સ્વભાવથી બાળક જેવી છું. આજ સુધી મારામાં અમુક નિર્દોષતા અને સહજતા જળવાઈ રહી છે. મને લાગે છે કે મારી હેલ્થ અને દેખાવ પણ કદાચ મારા જીન્સને આભારી છે. મધ્યમ વર્ગીય પરિવારમાં એક સીધીસાદી, મસ્તીખોર છોકરી તરીકે મારો ઉછેર થયો છે. મારી મમ્મીના માથામાં મેં ક્યારેય ગ્રે વાળ નથી જોયા કે તેમણે નબળી આંખોને કારણે ચશ્માં પહેરવાં પડ્યાં હોય એવું પણ નથી બન્યું. મારા પિતા બેડમિન્ટન ખૂબ રમતા હતા અને આખી જિંદગી તેઓ યોગ કરતા રહ્યા. મારાં દાદા-દાદી ૧૦૦ વર્ષ જેટલું જીવ્યાં હતાં. બીજી એક વાત એ કે સુંદર દેખાવા માટે બને ત્યાં સુધી દાદીમાના ઘરેલુ નુસખા અજમાવો. જેમ કે, મારી મમ્મી સાબુનો ઉપયોગ કરવાને બદલે નિયમિત તેલની માલિશ કરીને નવડાવતી. પેટ દુખતું ત્યારે કડવા લીમડાની ચટણી ખવડાવતી અને ગળું ખરાબ હોય ત્યારે સૂંઠનો પાઉડર આપતી. સ્કિનના બેટરમેન્ટ માટે ચંદનનો પાઉડર લગાડતી અને પેટ સાફ કરવા માટે અઠવાડિયે એક વાર એરંડિયું પીવડાવતી. કદાચ કુદરતી રીતે નાનપણથી મળેલો આ ઉછેર પણ મારા અત્યારના દેખાવનું કારણ હોઈ શકે.’

એકદમ નિયમિત કસરત

ફિટનેસ એ કોઈ પ્રથા કે રેજિમ નથી, એ તમારી જીવનશૈલી છે એવું રેખા દૃઢપણે માને છે અને એટલે જ એમાં કોઈ શોર્ટકટ સ્વીકાર્ય નથી. કન્સિસ્ટન્સી એટલે કે સાતત્યતા એ તમારી ફિટનેસની મુખ્ય ચાવી છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું પણ છે કે ‘ફિટનેસનો માર્ગ એવો છે કે જો તમે જરાક માટે પણ લપસી પડો તો તમે શરૂ કર્યું હતું ત્યારે જે હતાં એના કરતાં પણ તમારી હાલત બદતર થઈ શકે છે એટલે મોડરેશન એમાં જરૂરી છે. જાત સાથે વધુ કઠોર થવું યોગ્ય નથી.’

રેખા નિયમિત વર્કઆઉટ કરે છે. જોકે જિમ કરતાં પણ કેટલીક પરંપરાગત એક્સરસાઇઝ તેમને વધુ ગમે છે. સ્વભાવે સ્વચ્છતાપ્રિય હોવાથી ઘરની વસ્તુઓ અરેન્જ કરીને તેઓ એક્સરસાઇઝ કરી લે છે. તેમનો ફન્ડા છે કે શરીરમાંથી પસીના વાટે બધાં ટોક્સિન બહાર નીકળી જાય એવી કસરત થવી જોઈએ. ડાન્સ દ્વારા પણ તેઓ કાર્ડિયો એક્સરસાઇઝ કરી લે છે. ગાર્ડનિંગનો તેમને પુષ્કળ શોખ છે. તેમનું માનવું છે કે ગાર્ડનિંગની જોરદાર પોઝિટિવ ઇફેક્ટ હોય છે. થેરપી તરીકે પણ દરેક વ્યક્તિએ ગાર્ડનિંગમાં થોડો સમય ફાળવવો જોઈએ. યોગ અને મેડિટેશન વિના તેમનો દિવસ પૂરો નથી થતો. જાતને પેમ્પર કરવા માટે તેઓ નિયમિત સ્પા પણ કરે છે. જોકે એ પણ તેઓ પોતાના ઘરમાં બનાવેલા મિની સ્પામાં જ.

સ્ત્રીઓના પ્રોબ્લેમ એરિયા

રેખા ભારતીય નારીના વ્યક્તિત્વને આબેહૂબ રીતે રજૂ કરતાં હોવાથી અવારનવાર લોકો તેમને પૂછતા રહે છે કે અમુક ઉંમર પછી કે અમુક તબક્કા પછી ભારતીય સ્ત્રીઓ કમર અને પેટને મેઇન્ટેન નથી કરી શકતી તેનું કારણ શું હોય શકે? જવાબમાં તેમણે એક વખત કહ્યું હતું, ‘આપણે ત્યાં સ્ત્રીઓ ભારતીય ખોરાકને એની પાછળ જવાબદાર ગણે છે, જે તદ્દન ખોટું છે. આયુર્વેદમાં જઈને જોશો તો ખબર પડશે કે ભારતીય આહારવિજ્ઞાનમાં બધા જ પ્રકારના રોગની સારવાર કરવાની ક્ષમતા છે. એ વાત સાચી છે કે અમુક ઉંમર પછી કમરને મેઇન્ટેન કરવી અઘરી હોય છે. એને માટે હું કહીશ કે યોગ્ય શાકભાજી અને ડ્રાયફ્રૂટ્સ ખાઓ અને સ્ટમક એરિયાને નિયમિત કસરત મળતી રહે એનું ધ્યાન રાખો.’

ડાયટ જરૂરી નથી

હું શાકાહારી છું અને ૧૦૦ ટકા કહી શકું કે ખોરાકની તમારી વૈચારિક શક્તિ પર બહુ ઘેરી અસર થતી હોય છે એવું જણાવીને રેખા એક ઇન્ટરવ્યુમાં એમ પણ કહે છે કે ‘હું ખાવાની શોખીન છું. જોકે એમાં હું સંતુલન રાખવાનો પ્રયત્ન કરું છું. બાળક બનીને ક્યારેક ચોકલેટ્સ અને ભાવતી બીજી વસ્તુઓ પણ ખાઈ લઉં છું. એક સારા એમ્બિયન્સમાં પ્રેમથી પીરસાયેલા ખોરાકની અલગ અસર હોય છે. દરેકે પોતાની જરૂરિયાત અને ગ્રોથ પર ફોકસ કરીને એને સમજવાના અને પેમ્પર કરવાના પ્રયત્ન કરવા જોઈએ.’

સ્ટ્રેસ લેવાનું જ શું કામ?

રેખાએ સ્ટ્રેસ વિશે એક જગ્યાએ કહ્યું હતું કે ‘હું મારા જીવનમાં સ્ટ્રેસને જન્માવતી કોઈ પણ બાબતને પ્રવેશવા જ દેતી નથી. મારા મતે એ સમય અને શક્તિનો બગાડ છે. હું ખૂબ મક્કમ મનોબળવાળી વ્યક્તિ છું. વર્ષોની પ્રેક્ટિસને કારણે હવે નકારાત્મકતા મને સ્પર્શે પણ નહીં એ રીતે જીવતાં શીખી ગઈ છું. રિલેક્સ થવા માટે હું પેઇન્ટિંગ, ગાયન અને, સૌથી વધુ મહત્વનું, મેડિટેશન કરું છું. મને ડિસ્કવરી અને નેશનલ જ્યોગ્રાફિક ચેનલ જોવી વધુ ગમે છે, કારણ કે ઘણી વાર પશુ-પંખીઓ નકારાત્મક પરિસ્થિતિમાં જે રીતે સર્વાઇવ કરે છે એ બાબત આપણને પણ મહત્વનો મેસેજ આપે છે. દિલ ખોલીને આંખમાં આંસુ આવી જાય ત્યાં સુધી હસો. એ બધી જ બાબતો તમને રિલેક્સ કરશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter