તમારા કિચનને સુપર બનાવશે આ હેંગિંગ સ્ટોરેજ આઇડિયાઝ

Tuesday 05th May 2026 10:16 EDT
 
 

રસોડું ગમેએટલું મોટું કેમ ન હોય પરંતુ સામાન રાખવા માટે જગ્યા હંમેશા ઓછી જ પડતી હોય છે. બહેનોનો બહુમતી વર્ગ આ વાત સહમત થશે. ઘણીવાર નાના રસોડામાં કેબિનેટ અને કબાટની અછતને કારણે પ્લેટફોર્મ પર સામાન વેરવિખેર રહે છે, જેનાથી રસોડું અસ્તવ્યસ્ત દેખાય છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા રસોડાની ખાલી દીવાલો અને કેબિનેટની નીચેનો ભાગ જગ્યા બચાવવા માટેનો પરફેક્ટ ઉકેલ છે? તમે ત્યાં હેંગિંગ સ્ટોરેજની વ્યવસ્થા કરી શકો છો.

હેંગિંગ સ્ટોરેજ એક એવી સ્માર્ટ રીત છે જે માત્ર ડબ્બાઓ અને વાસણોને વ્યવસ્થિત રાખવામાં જ મદદ નથી કરતી, પરંતુ તમારી નાનકડી રસોઈને સુપર સ્પેશિયસ અને મોડર્ન લુક પણ આપે છે. ચાલો જાણીએ આ ખાસ આઈડિયાઝ વિશેઃ

કેબિનેટની નીચે S હુક્સઃ કેબિનેટની નીચેની ખાલી જગ્યા અવારનવાર વેડફાય છે. તમે ત્યાં એક સ્લીક રોડ લગાવીને તેમાં S શેપના હુક્સ લટકાવી શકો છો. અહીં તમે કોફી મગ, કડછી, ચમચા કે કિચન ટોવેલ પણ લટકાવી શકો છો. આ સ્ટોરેજ વધારવાનો સૌથી સસ્તો અને સરળ રસ્તો છે.

કેબિનેટની અંદર સ્ટોરેજ રેકઃ જો તમે રસોડામાં રેક લગાવી હોય પણ તેનો સાચો ઉપયોગ ન કરી શકતા હોવ, તો તેની અંદર રાઉન્ડ સર્કલ (ચક્રાકાર) સ્ટોરેજ રેક લગાવો. આનાથી માત્ર જગ્યા જ નહીં બચે, પરંતુ સામાનને પણ વ્યવસ્થિત રીતે ગોઠવી શકાશે. તમારી ચીજવસ્તુઓ અહીં જ એડજસ્ટ થઇ જશે.

સીલિંગ માઉન્ટેડ સ્ટોરેજઃ જો તમારા રસોડાની છત ઊંચી હોય તો ઉપરથી લટકતી એટલે કે સીલિંગ માઉન્ટેડ રેક લગાવો. આમાં તમે એવા વાસણો રાખી શકો છો જેનો ઉપયોગ ક્યારેક જ થતો હોય. જ્યારે કેબિનેટ અને સ્લેબ ભરાઈ જાય ત્યારે સીલિંગની ખાલી જગ્યાનો ઉપયોગ કરવો એ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ ધાતુ કે લાકડાનું એક માળખું હોય છે જેને ચેઈનની મદદથી લટકાવવામાં આવે છે. તેમાં ભારે કડાઈ, પેન અને પ્રેશર કુકર જેવા વાસણો હુક્સ દ્વારા લટકાવી શકાય છે. આનાથી કિચનમાં તમારી જગ્યા તો બચશે જ પરંતુ તે તમારા રસોડાને પ્રોફેશનલ ‘શેફ કિચન’ જેવો સ્ટાઇલિશ લુક પણ આપેશે. આ ઓપ્શન અપનાવી જોજો, તમારા ઘરે આવતી દરેક વ્યક્તિની નજરમાં આ આઇડિયા વસી જશે.

અન્ડર-શેલ્ફ પેપર ટોવેલ અને ફોઈલ હોલ્ડર્સઃ આ હોલ્ડર્સ કિચન સ્લેબની જગ્યા ખાલી રાખવામાં મદદ કરે છે. તેને કેબિનેટની નીચે લગાવવાથી રસોઈ બનાવતી વખતે પેપર ટોવેલ કે ફોઈલને એક હાથે ખેંચીને ફાડવું સરળ રહે છે.

રેલિંગ સિસ્ટમ હેંગિંગ સ્ટોરેજઃ સિન્કની ઉપર અથવા સ્ટવની પાસે એક મેટલ રેલ (લોખંડની પટ્ટી) લગાવો. આમાં તમે મસાલાના નાના જાર અથવા ડિશ સૂકવવાની રેક પણ લટકાવી શકો છો. ચમચી, ચીપિયો અને તવેથા જેવી વસ્તુઓ સ્લેબ પર રાખવાને બદલે દીવાલ પર ટાંગી શકાય છે.

દરવાજાની પાછળ ઓર્ગેનાઈઝર: દરવાજા પાછળની જગ્યા એવી છે જેનો ભાગ્યે જ ઉપયોગ થતો હોય છે. તમે આનો સ્માર્ટ ઉપયોગ કરીને ડ્રોઅરમાં જગ્યા બચાવી શકો છો. આ માટે કેબિનેટના દરવાજાની પાછળ હેંગિંગ પોકેટ્સ લગાવો. જેમાં મસાલાના ડબ્બા કે સોસની બોટલો છુપાવીને રાખી શકાય છે.

ટિયર હેંગિંગ બાસ્કેટ: ડુંગળી, બટાકા કે લસણ રાખવા માટે ત્રણ લેયરવાળી તારની લટકતી ટોપલી વાપરો. આનાથી જમીન કે સ્લેબની જગ્યા બચી જશે.

પેગબોર્ડ વોલ ઓર્ગેનાઈઝરઃ જો દીવાલ ખાલી હોય તો છિદ્રોવાળું પેગબોર્ડ લગાવો. જેમાં તમે તમારી જરૂરિયાત મુજબ ગમે ત્યાંહુક કે નાની ટોપલીઓ ફિટ કરી શકો છો. આ બધું જ તમારી નજર સામે રહેશે અને કાઉન્ટર ખાલી રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter