જોબ અને ઘરકામ એમ ડબલ ડ્યુટીની વ્યસ્તતાના કારણે ઘણી વખત મહિલાઓ પોતાની ત્વચાની સંભાળ તરફ પૂરતું ધ્યાન આપી શકતી નથી. આના કારણે ઘણી વખત ચહેરો ઝંખવાઇ જતો હોય છે. જોકે કેટલાક ફેસપેક એવા છે જેનો તમે ઘરેબેઠાં અને નિયમિત ઉપયોગ કરીને ગણતરીના દિવસોમાં તમારા ચહેરાની ત્વચાને ચમકાવી શકો છો. આજે અહીં એવા જ કેટલાક ઘરગથ્થુ ઉપાયો રજૂ કર્યા છે.
• લીંબુ અને મધ
બ્યૂટી કેર માટે આ એક બેસ્ટ કોમ્બિનેશન છે. લીંબુમાં બ્લીચિંગ ગુણ હોય છે. તેથી, તે ત્વચાને સાફ કરે છે અને ડાઘ દૂર કરે છે તેમજ તેને ચમકદાર બનાવે છે. તેમાં એન્ટિ-બેક્ટેરિયલ ગુણ પણ ભરપૂર માત્રામાં હોય છે. જ્યારે મધ એન્ટિ-ઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોય છે અને ત્વચાને મોઈશ્ચરાઈઝ કરે છે મધ ત્વચાને નરમ બનાવે છે, કરચલીઓ ઘટાડે છે અને પોષણ પણ આપે છે.
કેવી રીતે ઉપયોગ કરશો...
દસ ચમચી લીંબુના રસમાં ચાર ચમચી મધ ભેળવીને પેસ્ટ તૈયાર કરી લો. પછી આ તૈયાર કરેલી પેસ્ટને ચહેરા પર લગાવો અને 15-20 મિનિટ માટે રહેવા દો. બાદમાં હૂંફાળાં પાણીથી ચહેરો ધોઈ લો. વીકમાં બે દિવસ તેનો ઉપયોગ કરો. આમાં લીંબુનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેથી તેને સીધા ચહેરા પર લગાવવાને બદલે એક વાર પેચ ટેસ્ટ અવશ્ય કરો. જો કોઇ સાઇડ ઇફેક્ટ જોવા ન મળે તો જ તેને ચહેરા પર લગાવો.
• હળદર અને દહીં
હળદર માત્ર ત્વચા માટે જ વરદાન નથી, દહીંના પણ ત્વચા માટે અઢળક ફાયદા છે. તેનું લેક્ટિક એસિડ મૃત ત્વચાને દૂર કરે છે સાથે સાથે જ ત્વચાને નરમ અને ચમકદાર પણ બનાવે છે. આ સિવાય તેમાં ઠંડક અને મોઇશ્ચરાઇઝિંગ ગુણ હોય છે જે ત્વચાને માત્ર હાઇડ્રેટ રાખીને ડ્રાય થવાથી પણ બચાવે છે.
કેવી રીતે ઉપયોગ કરશો?
એક બાઉલમાં એક ચમચી હળદર અને બે ચમચી દહીં મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. તેને ચહેરા અને ગરદન પર સરખી રીતે લગાવો. ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે હાથ અને પગ પર પણ લગાવી શકાય છે. તેને 15-20 મિનિટ સુધી રાખ્યા બાદ તેને હુંફાળાં પાણીથી ધોઈ લો.
• એલોવેરા જેલ
વિટામિન્સ, મિનરલ્સ, બળતરાવિરોધી અને એન્ટિ-ઓકિસડન્ટ ગુણોથી ભરપૂર, એલોવેરા જેલ ત્વચાને ઊંડું પોષણ આપે છે અને તેને સ્વસ્થ અને ચમકદાર રાખે છે. તેના એન્ટિ-બેક્ટેરિયલ ગુણ ખીલ અને ડાઘ ઘટાડે છે. તે ત્વચાના ઉપરનાં સ્તરોને ભેજ પ્રદાન કરે છે અને તેને તાજી રાખે છે.
કેવી રીતે ઉપયોગ કરશો?
એલોવેરા જેલ જરૂર મુજબ લો. ચહેરો ધોઇને ત્વચા પરથી વધારાનું તેલ દૂર કરો અને પછી ત્વચા પર એલોવેરા જેલ લગાવો. ત્યારબાદ હળવા હાથે ગોળ ગતિમાં 5 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો. આ જેલને ચહેરા પર લગાવ્યા બાદ 15-20 મિનિટ સુધી રાખો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો. આનાથી ચોક્કસપણે લાભ થશે.
• ગુલાબ જળ-ગ્લિસરીન
આ પણ એક અકસીર કોમ્બિનેશન છે. ગુલાબ જળમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે. તે ત્વચાને સ્વચ્છ, ચમકદાર બનાવે છે અને ત્વચા પરની કરચલીઓ પણ ઓછી કરે છે. ગ્લિસરીન એન્ટિ-ઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોવાથી તે ત્વચામાં પોષણ જાળવી રાખે છે.
કેવી રીતે ઉપયોગ કરશો?
એક બાઉલમાં એક ટેબલસ્પૂન ગુલાબ જળ અને અડધી ચમચી કરતાં થોડું ઓછું ગ્લિસરીન બરાબર મિક્સ કરી ચહેરા પર લગાવો. 15 મિનિટ માટે તેને ચહેરા પર રહેવા દો. બાદમાં ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈને લૂછી લો.
• ચણાનો લોટ અને હળદર
ચણાનો લોટ મૃત કોષોને દૂર કરે છે અને ત્વચાને કુદરતી રીતે ચમકદાર બનાવે છે. હળદરના એન્ટિ-સેપ્ટિક અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ ખીલને દૂર કરવામાં મદદરૂપ છે.
કેવી રીતે ઉપયોગ કરશો?
બે-ત્રણ ચમચી ચણાના લોટમાં એક ચપટી હળદર મિક્સ કરો. આ મિશ્રણમાં ગુલાબ જળ અથવા તો દૂધ ઉમેરીને પેસ્ટ બનાવો. તૈયાર કરેલી પેસ્ટને ચહેરા અને ગરદન પર સરખી રીતે લગાવી દો. તેને 15-20 મિનિટ સુધી રાખ્યા બાદ હળવા હાથે ગોળાકાર મસાજથી સ્ક્રબ કરો અને બાદમાં હૂંફાળાં પાણીથી ચહેરો ધોઈ લો.
થોડાક સપ્તાહ આ ઘરગથ્થુ ઉપાય અજમાવો, તમને જરૂર સારા પરિણામ મળશે.