તમારી ત્વચાના નિખાર માટે અજમાવો આ ટીપ્સ

Monday 25th February 2019 05:09 EST
 
 

સામાન્ય રીતે દરેક મહિલાને ઘરકામ કરવાનું રહેતું હોય છે. વાસણ ઘસતાં કે કપડાં ધોતાં તેમની ત્વચા સૂકી પડી જાય છે. આ ત્વચાને નિરંતર નિખારેલી રાખવા માટે અહીં કેટલીક ટીપ્સ આપવામાં આવી છે. મહિલાઓ ખાસ કરીને એવું વિચારે છે કે પ્રસંગ તો ક્યારેક જ આવે છે તે સમયે ત્વચાની કાળજી લઈ લેવી કે કોઈ ટ્રીટમેન્ટ કરાવી લેવી, પણ એ સૂકી ત્વચા માટે યોગ્ય ઉકેલ નથી. ગમે ત્યારે સૌદર્યનું ધ્યાન રાખી શકાતું નથી અને સ્ત્રીઓ નિયમિત રીતે તો પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી જ જાય છે. તેથી ત્વચાને સૂટ કરે તેવાં કેટલાક ઘરેલુ નુસખા અહીં આપ્યા છે.

  • જ્યારે પણ તમને ઘરમાં થોડોક સમય ખાલી મળે ત્યારે જો તમારી ત્વચા ઓઈલી હોય તો પપૈયું અને ડ્રાય સ્કીન પર કેળાનો ફેસપેક બનાવીને લગાવો. કેળાના ફેસપેકમાં થોડુંક ગ્લિસરીન અને ગુલાબજળ ભેળવીને લગાવો.
  • કેળા કે પપૈયાનો ફેસપેક બનાવવા માટે ત્રણથી ચાર ચમચી કેળા કે પપૈયાનો અર્ક લો અને તેને હાથેથી જ મસળીને તેની પેસ્ટ બનાવો.
  • મહિલાઓ ખાસ કરીને ઘરના મોટા ભાગના કામ જાતે જ કરવાનું પસંદ કરે છે અને તેને લીધે તેમને વારંવાર પોતાના હાથ ધોવા પડે છે. ઘણી વખત ડિટર્જન્ટના લીધે તેમના હાથમાં એલર્જી પણ થઈ જાય છે. આ એલર્જી રોગનું ઘર બને એ પહેલાં પોતાના હાથનું ખાસ ધ્યાન મહિલાઓએ રાખવું જોઈએ.
  • જ્યારે પણ ઘરનું કામ પૂરું થાય પછી ત્વચામાં ભિનાશ અને કુણાશ રહે એ માટે હાથ ધોયા બાદ હાથ પર મોઈશ્ચરાઈઝર લગાવો અને રાત્રે સૂતી વખતે વિટામીન ઈ યુક્ત હેંડ ક્રીમ જરૂરથી લગાવો.
  • ઘણી મહિલાઓને નખની માવજતનો સમય મળતો નથી, પણ એ તમારા નખ અને હાથ માટે યોગ્ય નથી. નખની આજુબાજુની ચામડી સુકાવાથી હાથ રુક્ષ દેખાય છે. તે ચામડીને કાઢવા માટે પહેલાં હળવા ગરમ પાણીમાં હાથને પાંચથી દસ મિનિટ ડુબાડી રાખો એ પછી ફાઈલરની મદદથી ધીરે ધીરે વણજોઈતી ચામડીને દૂર કરો. નેલ ફાઈલરની મદદ વડે હંમેશા નેઈલને શેપમાં રાખો. તૂટી ગયેલા નખને કારણે તમને જ્યારે ત્યારે એ વાગી શકે છે.
  • સામાન્ય રીતે મહિલાઓ લીંબુનો વપરાશ કરીને તેની છાલને ફેંકી દેતી હોય છે, પણ એ છાલ ફેંકતા પહેલાં હાથ અને કોણી પર છાલને પાંચેકથી દસ મિનિટ ઘસવાની રાખો. જેથી તમારી ત્વચા સાફ, સોફ્ટ અને કૂણી રહેશે.
  • મહિલાઓએ રૂક્ષ વાળ રેશમી રહે એ માટે વાળમાં નિયમિત ઓઈલિંગ કરવું એટલે કે તેલ નાંખવું. કોકોનટ ઓઈલ, આમળાનું તેલ, બદામનું તેલ અથવા તલનું તેલ માથાના વાળ અને સ્કાલ્પ માટે ખૂબ જ સારાં ગણાય છે. ત્રણ મહિનામાં એક વખત વાળનું ટ્રીમિંગ અવશ્ય કરાવવું જોઈએ. વાળમાં ખોડો ન થવા દેવો હોય તો અઠવાડિયામાં એક વખત વાળમાં લીંબુ કે ડૂંગળીનો રસ ભરી દો. એ રસ માથાના સ્કાલ્પમાં ઉતરીને માથું સૂકું થાય એ પછી વાળને શેમ્પુ કરી લેવા.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter