તમારી બ્રાન્ડેડ હેન્ડબેગ ક્યાંક ફેક તો નથીને?

Wednesday 16th November 2022 08:16 EST
 
 

મોંઘવારી બધાં જ સેક્ટરમાં છે અને એમાંથી ફેશન-ઇન્ડસ્ટ્રી પણ બાકાત નથી. એને કારણે ફેશન મર્ચન્ડાઇઝ વધુને વધુ મોંઘી થતાં જાય છે. અસલી ચીજો મોંઘી થવાને કારણે લોકો નકલી ખરીદવા પ્રત્યે પ્રેરાય છે અને આવામાં અસલની આબેહૂબ નકલ કરતી કંપનીઓ ધૂમ કમાય છે. એક વખત જોવામાં ભલે નકલી પણ ગમી જાય, પરંતુ લાંબા સમય માટે એ સારું નથી. જો તમારા હાથમાં ક્યાંક ફેક ચીજ આવી ગઈ તો તમે એ ફેવરિટ બ્રાન્ડ જીવનભર વાપરવાનું બંધ કરી દો એવું પણ બને.
• અસલી-નકલીઃ ઘણી વાર નકલી અસલી કરતાં પણ સારું લાગે છે અને આવામાં સાચા-ખોટા વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બની જાય છે. ચીજની કિંમત અહીં સૌથી મોટો ભાગ ભજવે છે. બ્રાન્ડેડ ચીજો સસ્તી નથી મળતી અને લક્ઝરી ચીજો ખૂબ મોટા પ્રાઇઝ-ટેગ સાથે આવે છે, પણ કેટલાક મેન્યુફેક્ચરર તમને ઊંચી કિંમતનું લેબલ લગાવીને છેતરશે અને તમને ખબર પણ નહીં પડે કે તમે ખરીદેલી ચીજ સાચી નથી.
• રિસર્ચ કરોઃ સૌથી પહેલો રસ્તો એ છે કે જે બ્રાન્ડ ખરીદવા માગતા હો એના પર રિસર્ચ કરો. આજે ઇન્ટરનેટ પર દરેક ચીજની માહિતી એની વેબસાઇટ દ્વારા મળી જતી હોય છે. જો એ સાચે જ બ્રાન્ડની પ્રોડક્ટ હશે તો એની માહિતી વેબસાઇટ પર હશે જ. એટલે તમે એ પ્રોડક્ટ વેબસાઇટ પર દેખાતી પ્રોડક્ટ જેવી દેખાય છે કે નહીં એ ચેક કરો.
• સ્ટેમ્પિંગઃ મોટા ભાગની બ્રાન્ડેડ બેગના લેધર અને મેટલના દરેક ભાગ પર બ્રાન્ડના લોગો અથવા નામનું સ્ટેમ્પિંગ હોય છે. જોકે ફેકમાં પણ આ કરવું આસાન છે, પરંતુ ફેકના સ્ટેમ્પ અસલી કરતાં ટાઇપોગ્રાફી કે રંગમાં થોડા જુદા હોઈ શકે. ઉદાહરણ તરીકે લુઇ વિત્તોના સ્ટેમ્પ કાળા દેખાઈ શકે, પણ હકીકતમાં એ ડાર્ક ગ્રે છે અને ફેક લુઇ વિત્તોની આઇટમોમાં આ સ્ટેમ્પ કાળા રંગમાં જ હોઈ શકે છે.
• સામ્યઃ અસલી હેન્ડબેગમાં બ્રાન્ડના મોનોગ્રામની પેટર્નમાં એકસરખું સામ્ય જોવા મળશે. જે રીતે દરેક મોનોગ્રામને ડિઝાઇનમાં બેસાડવામાં આવ્યો હોય એ પર્ફેક્ટ હશે, જ્યારે ફેકમાં આ સામ્ય પર એટલું બારીકાઇથી ધ્યાન આપવામાં નહીં આવ્યું હોય અને આ જ નિશાની છે કે એ પ્રોડક્ટ ફેક છે.
• સિલાઈઃ મોટા ભાગના મેન્યુફેક્ચરર્સની બેગને સિલાઈ મારવાની પણ પોતાની એક ટિપિકલ સ્ટાઇલ હોય છે, જે એ બ્રેન્ડની દરેક પ્રોડક્ટમાં એકસરખી જોવા મળશે. કોઈ બ્રાન્ડ સ્પાઇરલ સ્ટિચ ફોલો કરશે તો કોઈ ઇન્ટરલોક અને આ સ્ટાઇલમાં દરેક ટાંકાનું અંતર અને દેખાવ એકસરખો હશે.
• હાર્ડવેરઃ બોગસ પ્રોડક્ટ્સ બનાવનારાઓ માટે અસલી પ્રોડક્ટ્સનો હાર્ડવેર કોપી કરવું થોડું અઘરું બની જાય છે, જેમ કે કેટલીક બ્રાન્ડમાં લોગોવાળા ચાર્મ લગાવવામાં આવે છે. એમાં એકેય કડીમાં જોડાણ દેખાશે નહીં અને ફેકમાં આ રિંગમાં ક્યાંક કોઈક ભાગ તૂટેલો કે કડીના બે છેડા વચ્ચે જગ્યા જોવા મળી શકે છે.
• ઓથેન્ટિસિટી માર્કિંગઃ કેટલીક બોગસ આઇટમોમાં કોડમાં મિસમેચ જોવા મળી શકે છે. જેમ કે ડેટનો કોડ કહેશે કે એ આઇટમ સ્પેનમાં બની છે, જ્યારે એના પર લેબલ મેડ ઇન ફ્રાન્સનું લગાવાયું હોય. ઘણી વાર સાચી આઇટમોમાં બેગની અંદરના લાઇનિંગમાં પણ લોગો અને કંપનીનો હોલોગ્રામ લગાવેલો હોય છે જે ફેકમાં નહીં જોવા મળે.
• ઓન હેન્ડ રેફરન્સઃ જો તમારી પાસે કે ફ્રેન્ડની પાસે ઓલરેડી એ બ્રેન્ડની એક ચીજ હોય તો તમને ફેક લાગતી ચીજ અસલીની સામે રાખીને સરખામણી કરી જુઓ. સાચા-ખોટાની ખબર ત્યાં જ પડી જશે. કેટલાક લોકો લક્ઝરી માટે જેન્યુઇન ચીજો જ ખરીદે છે, જ્યારે ફક્ત દેખાડવા ખાતર ફેશન કરતા લોકો અસલી કરતાં એના જેવી જ દેખાતી નકલી ચીજ ખરીદવાનું પસંદ કરે છે અને આવી ફૅક ચીજો બનાવતી કંપનીઓ વગર કોઈ મુશ્કેલીએ કાર્યરત રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter