તહેવારોમાં આંખોનો થાક દૂર કરવાનો શ્રેષ્ઠ ઉપાયઃ કાકડી અને ટી બેગ થેરાપી

(બ્યૂટી કેર)

Saturday 03rd October 2026 10:03 EDT
 
 

શ્રાવણ સાથે જ પર્વો-તહેવારોની હારમાળા શરૂ થઇ ગઇ છે. રક્ષાબંધન, જન્માષ્ટમી, પર્યુષણ, ગણેશોત્સવ, શ્રાદ્ધપર્વ પૂરું થયે નવરાત્રિ આવશે અને છેક દિવાળી સુધી ઉમંગ-ઉલ્લાસનો દબદબો જળવાશે. દરેક તહેવાર ઉજવવાનો, મનાવવાનો ઉત્સાહ પ્રતિવર્ષ વધતો રહ્યો છે. જે તે તહેવારોની ઉજવણીમાં લોકો વધુને વધુ સામેલ થઈને તેને માણી રહ્યા છે. સતત ભાગદોડભરી જિંદગી, વર્કપ્રેશર, ટેન્શન અને અતિશય વ્યસ્તતાભર્યા રોજબરોજના માહોલમાં તહેવારોની ઉજવણી પોતાની સાથે ઉમંગ ઉપરાંત ઉજવણીનો થાક પણ લઈને આવે છે. થાકથી બેચેની, શારીરિક પીડા અને ક્યારેક બીમારી પણ આવી જતા હોય છે. શરીરનો થાક કોઈ જગ્યાએ સૌથી વધુ વરતાતો હોય તો એ આપણી આંખો છે. તન-મનનો થાક આંખોમાં ડોકાયા વિના રહેતો નથી. એટલે જ તહેવારોના દિવસોમાં આંખો સાવ ઢીલી થઈ જતી હોય છે. ક્યારેક આંખોમાંથી પાણી પણ નીકળતું હોય છે.

તહેવારોની મોસમમાં મહિલાઓ હંમેશા વ્યસ્ત રહે છે. ઘરની સફાઈ હોય, ખરીદી હોય કે વિવિધ તહેવારોના વ્યંજન-વાનગી બનાવવાના હોય, આ કાર્યો સવારથી સાંજ સુધી કલાકો સુધી ચાલે છે. મોડી રાતનું કામ અને વ્યસ્ત સમયપત્રક મહિલાઓની ત્વચા અને સ્વાસ્થ્ય પર અસર કરે છે. ઊંઘનો અભાવ અને સતત કામ કરવાથી આંખોમાં સોજો અને થકાવટ આવી શકે છે. થાકેલી આંખો તમારા ફેસ્ટિવલ લુકને બગાડી શકે છે. અહીં તમને આંખની થકાવટ દૂર કરવાના બે એકદમ હાથવગા અને સરળ ઉપાય સૂચવ્યા છે, જેના દ્વારા તમે આંખોનો થાક દૂર કરી શકો છો.

કાકડીની પાતળી સ્લાઇસ
શા માટે? કારણ કે કાકડીમાં 95 ટકા પાણી હોય છે, તે આંખોની આસપાસની ત્વચાને હાઈડ્રેટ કરવામાં મદદ કરે છે. તમે તેનો ઉપયોગ આંખોનો થાક ઉતારવા માટે કરી શકો છો. પ્રથમ, કાકડીની પાતળી સ્લાઇસ કાપીને રેફ્રિજરેટરમાં ઠંડી થવા મૂકી દો. હવે લાંબા થઇને સૂઇ જાવ અને આ ઠંડી સ્લાઈસને તમારી બંધ આંખો પર પંદરેક મિનિટ માટે મૂકો. કાકડીનું હાઇડ્રેશન અને ઠંડક રક્તવાહિનીઓને સક્રિય કરે છે, જે ડાર્ક આઇ સર્કલ્સને હળવા કરી શકે છે.

ટી બેગ થેરપી
આંખનો થાક અને સોજો ઘટાડવા માટે તમે ટી બેગનો પણ ઉપયોગ કરી શકો છો. સૌપ્રથમ, વપરાયેલી ટી બેગને ગરમ પાણીમાં પલાળી રાખો. પછી તેને રેફ્રિજરેટરમાં રાખીને 10 મિનિટ માટે ઠંડી થવા દો. હવે આ ઠંડી ટી બેગને હળવા હાથે દબાવીને નીતારી લો અને તમારી બંધ આંખો પર 10 થી 12 મિનિટ માટે મૂકો. આ ઉપાય આંખોમાં બળતરા, લાલાશ અને સોજો ઘટાડશે અને થાકેલી આંખોને રિલેક્સ કરશે.

સાથે આટલું ધ્યાન અવશ્ય રાખો
આ બેમાંથી કોઇપણ વસ્તુનો ઉપયોગ કરતાં પહેલાં, તમારા ચહેરા અને આંખોને સાદા પાણીથી સારી રીતે ધોઈ લો. પછી, કાકડી અથવા ટી બેગ પર બરફ જામી ગયો હોય કે તે વધુ પડતા ઠંડા થઇ ગયા હોય તો ઠંક થોડીક ઓછી થવા દો કારણ કે વધુ પડતું ઠંડુ પાણી વાપરવાથી તમારી ત્વચાને નુકસાન થઈ શકે છે.
તમારી આંખોને સંપૂર્ણ આરામ આપવા માટે દરરોજ રાત્રે સૂતા પહેલા તેનો ઉપયોગ કરો. આ ઉપચાર આંખોનો થાક અને અસ્વસ્થતા ઘટાડે છે, અને તે તમને આરામ અનુભવવામાં પણ મદદ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter