ત્રિરંગો ફરકાવનાર પ્રથમ : માદામ ભીખાઈજી કામા

પ્રથમ ભારતીય નારી

ટીના દોશી Wednesday 14th June 2023 09:05 EDT
 
 

ભારતના રાષ્ટ્રધ્વજની પરિકલ્પના સૌથી પહેલાં કોણે કરેલી એ જાણો છો?
એમનું નામ માદામ ભીખાઈજી કામા. ક્રાંતિજનની તરીકે જાણીતાં થયેલાં માદામ કામાએ રાષ્ટ્રધ્વજની પરિકલ્પના કરી, રાષ્ટ્રધ્વજ બનાવ્યો અને ૨૧ ઓગસ્ટ ૧૯૦૭ના જર્મનીના સ્ટટગાર્ટમાં સાતમી આંતરરાષ્ટ્રીય કોંગ્રેસમાં ફરકાવ્યો પણ ખરો.
દેશ-વિદેશની ધરતી પર પહેલી જ વાર લહેરાયેલા ભારતના ત્રિરંગા રાષ્ટ્રધ્વજમાં ભીખાઈજીએ ત્રણ પહોળી રંગીન પટ્ટીઓ બનાવેલી. સૌથી ઉપર લીલા રંગની, વચ્ચે કેસરી કે ભગવા રંગની અને નીચે લાલ રંગની. લીલી પટ્ટીમાં ભારતના આઠ પ્રાંતના પ્રતીક સ્વરૂપ આઠ કમળની આકૃતિ બનાવેલી, કેસરી પટ્ટીમાં સંસ્કૃતમાં વન્દે માતરમ ગૂંથવામાં આવેલું અને લાલ પટ્ટીમાં એક તરફ સૂર્ય તથા બીજી બાજુ અર્ધ ચંદ્ર, જે ભારતના બે મુખ્ય ધર્મ હિંદુ અને ઇસ્લામનાં પ્રતીક હતાં. વિવિધતામાં એકતા દર્શાવતો ઝંડો ફરકાવતાં કામાએ કહેલું, આ ધ્વજ ભારતની આઝાદીનું પ્રતીક છે !
ભીખાઈજી કામાએ રાષ્ટ્રધ્વજ બનાવ્યો અને ફરકાવ્યો એ મહામૂલું યોગદાન હતું, પણ એ એક માત્ર પ્રદાન નહોતું. ભીખાઈજીએ વિદેશની ધરતી પર રહીને ભારતની આઝાદી માટે ક્રાંતિ કરી, હથિયારની ગરજ સારતી કલમને ખોળે માથું મૂકીને તેજાબી લખાણો લખ્યાં અને આગઝરતાં પ્રવચનો કર્યાં.
આ ભીખાઈજી મુંબઈમાં વસતા પારસી કુટુંબમાં ૨૪ સપ્ટેમ્બર ૧૮૬૧ના જન્મ્યાં. પિતા સોરાબજી પટેલ. માતા જીજાબાઇ. ૧૮૮૫માં બે ઘટના બની. ૩ ઓગસ્ટના બેરિસ્ટર રુસ્તમજી કામા સાથે લગ્ન અને ડિસેમ્બરમાં વ્યોમેશચંદ્ર બેનરજીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રથમ અધિવેશન. ભીખાઈજી માટે આ અવસર માત્ર રાજનૈતિક જાગૃતિનો જ નહીં, પણ સામાજિક અને આર્થિક જાગૃતિની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ હતો. ભીખાઈજી દેશસેવામાં જોતરાયાં. સ્વતંત્ર ભારતનું સ્વપ્ન જોયું ! જોકે આ જ મુદ્દે ભીખાઈજી અને રુસ્તમજી વચ્ચે મતભેદ અને પછી મનભેદ થયા. ભીખાઈજી એમનાથી દૂર થતાં ગયાં.
દરમિયાન, ૧૮૯૬માં મુંબઈમાં પ્લેગની મહામારી ફાટી નીકળી. ભીખાઈજી પારસી પંચાયત દ્વારા સંચાલિત સાર્વજનિક હોસ્પિટલમાં રોગીઓની સારવાર કરવા લાગ્યાં. દર્દીઓની સેવા કરતાં ભીખાઈજી પોતે દર્દી બની ગયાં. સારવાર માટે ઇંગ્લેન્ડ ગયાં. લંડનમાં સફળ સુશ્રુષા થઇ. એવામાં દાદાભાઈ નવરોજી સાથે પરિચય થયો. એમનાથી પ્રભાવિત થઈને ભીખાઈજી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કામમાં જોડાયાં. દાદાભાઈ બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સના સભ્યપદ માટેના ઉમેદવાર હતા. ભીખાઈજી એમના માટે સક્રિયપણે પ્રચાર કરવા લાગ્યાં.
ભીખાઈજી કોંગ્રેસી વિચારધારા સાથે જોડાયેલાં, પણ ક્રાંતિકારી વિચારોથી પ્રભાવિત થયેલાં. દરમિયાન દાદાભાઈને લીધે ભીખાઈજીને સરદારસિંહ રાણા, શ્યામજી કૃષ્ણ વર્મા અને વીર સાવરકર સહિત ઘણા ક્રાંતિકારીઓને મળવાનો મોકો મળ્યો. કામાના જીવનનું વહેણ બદલાયું. એ કોંગ્રેસીમાંથી ક્રાંતિકારી બની ગયાં.
ભીખાઈજી અંગ્રેજો વિરુદ્ધ તેજાબી ભાષણો કરવા લાગ્યાં. કલમ પણ ઉઠાવી. પોતે શરૂ કરેલા વંદે માતરમમાં અને તલવાર જેવા સામયિકોમાં ખૂબ લખ્યું. શરૂઆત શ્યામજી કૃષ્ણ વર્માના સામયિક ‘ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ’થી કરી. ભીખાઈજી ક્રાંતિકારી યુવાનોને તાલીમ આપતાં. કામાની ક્રાંતિકારી પ્રવ્રુત્તિઓને પગલે અંગ્રેજ સરકારે તેમના ભારત અને ઇંગ્લેન્ડ પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો. કામા પેરિસ પહોંચી ગયાં. એમણે આઝાદ ભારતમાં જ પાછા ફરવાનો સંકલ્પ કરેલો. પણ માંદગીને કારણે એમણે ૧૯૩૫માં ભારત પાછા ફરવા સિત્તેર વર્ષની ઉંમરે વાઈસરોયને વિનંતી કરી. મંજૂરી મળી. કામાએ અધૂરા સ્વપ્ન સાથે ભારત પાછા ફરવું પડ્યું. ૧૩ ઓગસ્ટ ૧૯૩૬ના ક્રાંતિનાં મશાલચી નામે માદામ કામાની જીવનજ્યોત બુઝાઈ ગઈ.
ભીખાઈજીએ ચિરવિદાય લીધી, પણ ઝંડા ઊંચા રહે હમારા...ગાતી વખતે સર્વપ્રથમ ત્રિરંગો ફરકાવનાર માદામ કામાનું સ્મરણ કરવાનું ન ભૂલીએ !


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter