ત્વચા ડ્રાય છે? તો અજમાવો આ ઘરેલુ નુસખા

Wednesday 08th November 2017 06:59 EST
 
 

સામાન્ય રીતે નવેમ્બર મહિનાની શરૂઆત થતાં જ સ્કીનમાં ડ્રાયનેસ આવવા લાગે છે. જો તમારે સ્કીનને ચમકતી જ રાખવી હોય તો તેના કેટલાક ઘરેલુ નુસખા છે. તે તમારી સ્ક્રીનને ડ્રાય થતી અટકાવશે. માર્કેટમાં મળતાં ક્રીમ કે લોશનથી તો તમારી સ્કીનની ડ્રાયનેસ દૂર કરી જ શકાય, પણ લોશન કે ક્રિમ વધુ પ્રમાણમાં લગાવવાથી ત્વચા ચીપચીપી રહે છે. જેના પર સતત દિવસમાં ધ્યાન રહે છે. આ નુસખા તમારી સ્કીનની ડ્રાયનેસ દૂર કરવામાં મદદ કરશે અને એમાં મદદરૂપ થશે કે તમારે ક્રિમ કે લોશનનો વધુ પ્રમાણમાં ઉપયોગ ન કરવો પડે.

અળસીનો ઉપયોગ

અળસીમાં રહેલું ઓમેગા-૩ નામનું ફેટી એસિડ ત્વચામાં નમી જાળવી રાખે છે. તેથી રોજ ત્રણ ચમચી અળસીનો ખાવામાં ઉપયોગ કરવો જોઈએ.

અળસીનું ફેસપેક બનાવવા માટે અળસીના બીનો પાઉડર બનાવવો. એક ચમચી અળસીના પાઉડર સાથે એક ચમચી મલાઈમાં મિક્સ કરો. તૈયાર કરેલા પેકને હાથ પર લગાવો. પાંચેક મિનિટ પછી હળવા ગરમ પાણીથી આ પેક ધોઈ નાંખો. ત્રણ દિવસ આ પ્રયોગ કરો. જો સૂટ થાય તો આ મિશ્રણનો ઉપયોગ ફેસ પર કરવો.

ગ્લિસરીન - ગુલાબજળ

જો રોજ તમને સ્કીન પર જાતજાતના માર્કેટમાં અવેલેબલ કોલ્ડ ક્રિમ લગાવવા પસંદ ન હોય અને ત્વચામાં નમી જાળવી રાખવી હોય તો સ્નાન કર્યા પછી એક ચમચી ગુલાબજળમાં બેથી રણ ટીપાં ગ્લિસરીન મેળવવું અને શરીર પર લગાવવું. જરૂરિયાત મુજબ આ મિશ્રણ તૈયાર કરીને શરીર પર લગાવતાં રહેવું. ગ્લિસરીનનો ઉપયોગ વધુ ન કરવો કારણ કે તેનાથી ચિકાશ વધુ રહે છે.

નારિયેળ તેલનો ઉપયોગ

જો તમારી સ્કીન બહુ વધુ પ્રમાણમાં ડ્રાય થતી હોય તો નહાવા માટે નારિયેળના રસયુક્ત ક્રિમ બેઝ બોડીવોશ કે સાબુનો ઉપયોગ કરવો. જો તમારે સાબુ, બોડી શેમ્પુ કે બોડી વોશનો પણ ઉપયોગ ટાળવો હોય તો જાતે જ પેક બનાવી શકાય. તેના માટે બે ચમચી નારિયેળનો રસ લો. નારિયેળના રસને નારિયેળનું દૂધ પણ કહેવાય છે. તો બે ચમચી નારિયેળનો રસ લો. તેમાં અડધી ચમચી મલાઈ, અડધી ચમચી હળદર, એક ચમચી ચણાનો લોટ નાંખો. આ મિશ્રણનું પેક શરીરે લગાવી પાંચ મિનિટ સુધી રહેવા દો પછી હળવા ગરમ પાણીથી સ્નાન કરો.

મલાઈ બાજરીનો પેક

કહેવાય છે કે અનાજમાં સર્વ પ્રકારના ગુણ હોય છે. બાજરી પણ એવું જ એક અનાજ છે. તમારી સ્કીન જો વધુ પ્રમાણમાં ડ્રાય રહેતી હોય તો ત્રણ ચમચી દૂધની મલાઈ લો. તેમાં દોઢ ચમચી બાજરીનો લોટ નાંખો. આ મિશ્રણને બરાબર મિક્સ કરો. બાજરીના લોટનાં ગાંગડા ન વળે તેનું ધ્યાન રાખવું. આ પેક તૈયાર કરીને સાબુ કે બોડીવોશની જગ્યાએ તેનો નહાવા માટે ઉપયોગ કરવો. તમારી સ્કીન તેનાથી ચમકશે અને તેમાં નમી પણ આવશે.

બદામનું તેલ

સ્કીનને ચમકીલી અને સ્વસ્થ રાખવા માટે બદામનું તેલ અક્સીર છે. ત્વચા સૂકી ન પડે તે માટે નહાયા પછી બદામના તેલને શરીર પર ઘસવું. જો તમને તે ચીકણું લાગે તે તેમાં ગુલાબજળ મિક્સ કરી શકાય. રાત્રે ઊંઘતી વખતે ત્વચા પર બદામના તેલની માલિશ કરીને પછી ઊંઘવું. જેનાથી ઊંઘ સારી આવશે અને ત્વચા પણ ડ્રાય નહીં રહે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter