ત્વચાની ચમક વધારતા નેચરલ મેકઅપ રિમૂવર

Wednesday 08th February 2023 07:35 EST
 
 

ચહેરાની સુંદરતા વધારતા મેકઅપને રાતના સૂતાં પહેલા દૂર કરવાનું જરૂરી છે. મેકઅપને ચહેરા પરથી દૂર કરવા માટે નેચરલ મેકઅપ રિમૂવરનો ઉપયોગ કરવો જોઇએ. આનાથી તમારો મેકઅપ તો દૂર થશે જ સાથોસાથ ત્વચાને પોષણ મળતાં તે વધુ ચમકીલી બનશે. જેમ કે, એન્ટી ઓક્સિડન્ટના ગુણોથી ભરપૂર વિટામિન-ઇ સ્કિનને મુલાયમ કરે છે. આ માટે 60 એમએલ જોજોબા ઓઇલ અને એક વિટામિન ઇ કેપ્સ્યુલને ભેળવીને એક શીશીમાં રાખી દો અને જરૂર પડે ત્યારે તેને ઉપયોગમાં લો. આ મિશ્રણથી વોટરપ્રૂફ મસ્કરા, લિકવિડ આઇલાઇનર વગેરે પણ રિમૂવ કરી શકાય છે. આ સિવાય પણ કેટલાક હાથવગા પદાર્થો એવા છે જેના ઉપયોગ વડે તમે ત્વચાને ચમકીલી બનાવવાની સાથોસાથ મેકઅપ પણ દૂર કરી શકો છો. જેમ કે,
• બદામનું તેલ તથા કાચું દૂધઃ કાચું દૂધ ત્વચા માટે બહુ ફાયદાકારક છે. એક ટેબલસ્પૂન કાચા દૂધમાં બદામના તેલના થોડાંક ટીપા ભેળવીને ચહેરા પર લગાડો અને હળવા હાથથી મેકએપ દૂર કરો.
• બેબી ઓઇલઃ બેબી ઓઇલ તો એક ઉત્તમ મેકઅપ રિમૂવર છે. એક કપ પાણીમાં આઠ ટી સ્પૂન ઓલિવ ઓઇલ અથવા કોપરેલ અને અડધી ટી સ્પૂન બેબી ઓઈલ ભેળવીને એક બોટલમાં ભરી લો અને જરૂર પડે ત્યારે ઉપયોગમાં લેવું.
• કોપરેલઃ કોપરેલ ત્વચા અને ચહેરા માટે ફાયદાકારક છે. મોઇશ્ચરાઇઝર, લિપ બામ અને મેકઅપ રિમૂવર તરીકે કોપરેલનો ઉપયોગ કરી શકાય છે. એક હથેળીમાં થોડું કોપરેલ લઇ ચહેરા પર લગાડવું અને હળવે હાથે ચહેરા પર માલિશ કરવું. ત્યાર પછી ટીશ્યૂથી સાફ કરીને ચહેરો ધોઇ નાખવો. આ પછી ફરી થોડું તેલ હાથમાં લઇ આંખ પર લગાડવું અને હળવેથી મસાજ કરવો.
• કાકડીઃ કાકડીનો ઉપયોગ મેકઅપ રિમુવર તરીકે કરી શકાય છે. આ માટે સૌથી પહેલાં કાકડીને મિકસરમાં ક્રશ કરી લઇને પાતળી પેસ્ટ બનાવી લો. ત્યાર પછી આ પેસ્ટથી ચહેરા પર હળવા હાથે મસાજ કરવો. ધીરે ધીરે ચહેરા પરનો મેકઅપ દૂર થશે. એટલું જ નહીં, સમયના વહેવા સાથે ત્વચા પરના ધાબા પણ દૂર થશે અને ત્વચા મુલાયમ બને છે.
• દહીંઃ દહીં એક ઉત્તમ મેકઅપ રિમૂવર છે. સાથે સાથે જ તેને ચહેરા પર લગાડવાથી ત્વચા મુલાયમ અને ચળકતી બને છે. આ માટે દહીંને સારી રીતે ફીણી લો અને પછી તેમાં કોટન બોલ ડુબાડીને ચહેરા પર ફેરવો અને હળવે હળવે ત્વચા પર ઘસો. ચહેરા પરથી મેકઅપ દૂર થાય પછી ચહેરાને પાણીથી ધોઇ નાખવો.
• ઓલિવ ઓઇલઃ ઓલિવ ઓઇલ એટલે કે જૈતૂનનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. તેનાથી ચહેરાની માલિશ કરવાથી ચહેરાનો વાન નિખરે છે. ઓલિવ ઓઇલને મેકઅપ રિમૂવર તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે. આ માટે બે ટેબલસ્પુન તેલમાં અડધી ટી સ્પૂન પાણી ભેળવીને ચહેરા પર લગાડો અને ધીરે ધીરે માલિશ કરો. મેકઅપ ઉતારવાની સાથેસાથે જ તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરશે અને તેને નિખારશે.
• એલોવેરા જેલઃ એલોવેરા ત્વચા માટે બહુ લાભકારક છે. ચહેરા પરના ડાઘ - ધબ્બા દૂર કરવામાં બહુ સહાયક છે. એલોવેરાનો ઉપયોગ મેકઅપ રિમૂવર તરીકે પણ કરવામાં આવે છે. એલોવેરા જેલને ચહેરા પર લગાડી રૂના પૂમડાથી હળવે રબ કરવાથી મેકઅપ સરળતાથી દૂર થાય છે અને તે ત્વચાને પોષણ પણ પૂરું પાડશે.
• મધઃ ત્વચાના નિખાર માટે મધ તો સદીઓ પુરાણો અકસીર ઉપાય છે. મેકઅપ દૂર કરવા માટે બેકિંગ સોડા અને મધ ભેળવીને લગાડવાથી મેકઅપ દૂર થાય છે. સાથે સાથે જ ત્વચા મુલાયમ થાય છે. મધને એક ઉત્તમ ક્લિન્જર માનવામાં આવે છે.
અને છેલ્લું...

• હોટ સ્ટીમઃ ચહેરા પર સ્ટીમ લેવાથી ત્વચાના બંધ છિદ્રો ખુલે છે અને ચહેરા પરનો મેકઅપ સરળતાથી દૂર થાય છે. તેમજ ત્વચાના છીદ્રો ખુલી જતાં તેમાં નિખાર આવશે. જોકે હોટ સ્ટીમ લેતી વેળા આંખને યોગ્ય રીતે કવર કરવી જરૂરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter