ત્વચાની સંભાળ માટે આટલું ધ્યાન રાખો

Tuesday 26th March 2019 07:51 EDT
 
 

દુનિયાની કોઈ મહિલા કે યુવતી એવી નહીં હોય જેને ત્વચાને લગતી નાની મોટી સમસ્યા ન હોય. જોકે ત્વચાની સમસ્યા હોય એવી વ્યક્તિને અન્ય રોગોની પણ સમસ્યા થવા લાગે છે. એવામાં જરૂરી છે કે તમારી ત્વચાની તમે સંપૂર્ણ કાળજી લો અને રક્ષા કરો. ઉંમર થતાં ચહેરા પર કરચલીઓ પડવાની સંભાવના વધી જાય છે. કરચલીઓના સફળ ઉપચાર માટે ચહેરાની વધારાની દેખરેખ કરવાની જરૂરિયાત હોય છે. જરૂરી છે યોગ્ય સમયે ત્વચાની જરૂરી સંભાળ લેવામાં આવે. કરચલીઓ દૂર કરવાના કેટલાક સફળ ઉપચાર અહીં આપ્યા છે અજમાવો અને ત્વચાને ખીલેલી રાખો. આપણી ત્વચા બહુ જ સંવેદનશીલ હોય છે. જો સતત સૂકા વાતાવરણના સંપર્કમાં આવે તો તેને નુકસાન થાય તે સ્વાભાવિક છે. પરિણામે ત્વચા સંબંધી અનેક રોગો, ખીલ, કરચલીઓ, કાળા ધબ્બા, એલર્જી, ઇન્ફેક્શન, ત્વચા શુષ્ક થવી વગેરે સમસ્યાઓનો ઉકેલ તે સમસ્યા શરૂ થાય ત્યારથી જ મેળવવો શરૂ કરવો જોઈએ જોકે એ સરળ કામ પણ નથી.

કરચલીઓ દૂર કરવાના ઉપાયો

  • ત્વચા શુષ્ક ન બને એ માટેનો સૌથી સફળ ઉપચાર પાણી છે. રોજ ઓછામાં ઓછું ૧૨થી ૧૩ ગ્લાસ પાણી પીવો.
  • સ્કિન ઇન્ફેક્શન કે ત્વચા સંબંધી રોગ થવાનું કારણ લોહીનું સાફ ન થવું પણ હોઇ શકે છે. તેથી વધારે પાણી પીવાથી આ સમસ્યા દૂર થઇ શકે છે અને તેની કોઈ આડઅસર પણ હોતી નથી.
  • ચહેરા પર કરચલીઓ પડવાથી ત્વચા સંકોચાઇ જાય છે જેનાથી આંખો નીચે કાળા કુંડાળા પડે છે અને ધ્યાન ન અપાય તો તે વધુ ગહેરા બને છે. આ કુંડાળા ન થાય તે માટે બટાકાના અથવા કાકડીના પતીકા કરી આંખો પર પંદર મિનિટ રાખો. એ પછી શુદ્ધ પાણીથી આંખો ધોઈ નાંખો. આખા ચહેરા પર પણ તમે કાકડીના પતીકા ૧૫ મિનિટ રાખી શકો છો. તેનાથી ચહેરાની ત્વચા નિખરે છે અને ત્વચાને ઠંડક પણ મળે છે.
  • કાકડીના નાના-નાના કટકાંને પીસીને તેને આંખની આસપાસ લગાવવાથી પણ કરચલીઓ દૂર થાય છે અને આંખની આજુબાજુનાં કાળા કુંડાળા પણ દૂર થાય છે.
  • તમારી ત્વચા જો ખૂબ જ સંવેદનશીલ હોય તો એના પર ઓછામાં ઓછો મેકઅપ કરવો જોઇએ અને ધ્યાન રાખવું જોઇએ કે મેકઅપ એવો હોય જેમાં ચીકાશ ન હોય. આના માટે તમે વોટરપ્રૂફ મેકઅપ વાપરી શકો છો. આ ઉપરાંત જે મેકઅપનો સામાન વાપરો તે માટે સ્કિન એક્સપર્ટની સલાહ બાદ જ વાપરો.
  • ચહેરાને કરચલીઓથી બચાવવા માટે ચંદનનો લેપ ચહેરા પર લગાવવો ૧૦થી ૧૫ મિનિટ રાખી ચહેરો ધોઈ લેવો. ચંદન સ્કિનને ઠંડક પણ આપે છે.
  • સ્કિનની ઘરેલુ ટ્રીટમેન્ટ માટે ગુલાબજળને બરફમાં જમાવી દો. જામેલા ઠંડા ક્યુબ્સને શુષ્ક ત્વચા પર ઘસવા જેથી કરચલીઓ દૂર થશે.
  • મુલતાની માટીને ગુલાબજળમાં મિક્સ કરી ચહેરા પર લગાવો જેથી ચહેરાના રોમછિદ્રો ખુલશે, ત્વચામાંથી ટોક્સિન્સ નીકળી જશે અને ત્વચા પર થતાં ખેંચાણના નિશાન દૂર થશે.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter