ત્વચાને ચમકદાર બનાવશે ડ્રેગન ફ્રૂટ

Wednesday 29th November 2023 08:29 EST
 
 

ઘણા ફળો એવા છે કે આપણાં સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા માટે પણ ફાયદાકારક છે, અને આવા ફળોની યાદીમાં ડ્રેગન ફ્રૂટનો પણ સમાવેશ થાય છે. ડ્રેગન ફ્રૂટ પોષકતત્ત્વોથી ભરપૂર છે, એમાં વિટામિન સી, એન્ટિ ઓક્સિડન્ટ, ફાઇબર, ફલેવોનોઈડ, કેનોલિક એસિડ, કેલ્શિયમ વગેરે પોષક તત્ત્વો જોવા મળે છે, જે ત્વચાની સમસ્યામાંધી છુટકારો મેળવવામાં મદદ કરે છે. ડ્રેગન ફ્રૂટમાંથી તમે અનેક પ્રકારના ફેસપેક બનાવી શકો છો, જે તમારી ત્વચાને ચમકતી - ગ્લોઇંગ બનાવે છે.
• નોર્મલ સ્કિન ફેસપેકઃ ડ્રેગન ફ્રૂટમાંથી ફેસપેક બનાવવા માટે એક ડ્રેગન ફૂટને પીસીને તેની પેસ્ટ બનાવી દો. તેને થોડી વાર માટે ફીજમાં મૂકી દો. એ પછી તેને ચહેરા પર હાઇપર પિગ્મેન્ટેડ જગ્યા પર લગાવો. ફેસપેકથી ત્વચા પર સરક્યુલર મોશનમાં મસાજ કરો, પછી વીસ મિનિટ માટે એમ જ રહેવા દો. ત્યારબાદ ચહેરાને સાદા પાણીથી ધોઈ નાખો, છેલ્લે ચહેરા ૫૨ મોઇશ્ચરાઇઝર લગાવી દો.
• ડ્રાય સ્કિન ફેસપેકઃ ત્વચા પરની શુષ્કતાને દૂર કરવા ડ્રેગન ફ્રૂટનો ઉપયોગ કરી શકો છો. ડ્રેગન ફ્રૂટ તમારી ત્વચાને મુલાયમ બનાવે છે. ફેસપેક બનાવવા માટે ગુલાબજળ, બેસન, કાચું દૂધ અને ડ્રેગન ફૂટની જરૂર પડશે. સૌથી પહેલાં ડ્રેગન ફ્રુટ લો, તેને બ્લેન્ડરમાં પીસીને પેસ્ટ બનાવી લો. એમાં એક ચમચી બેસન નાંખો. એ પછી પેસ્ટમાં જરૂર પૂરતું કાચું દૂધ અને એક ચમચી ગુલાબજળ મિક્સ કરીને પેક તૈયાર કરો. ફેસપેકને ચહેરા ઉપર લગાવો અને વીસ મિનિટ પછી ધોઈ નાંખો.
• ઓઇલી સ્કિન ફેસપેકઃ ડ્રેગન ફ્રૂટ ત્વચા પર રહેલા વધારે પડતાં ઓઈલને દૂર કરી શકે છે. આ ફેસપેક બનાવવા માટે લીંબુનો રસ, ખાંડ, હળદર, ગુલાબજળ અને ડ્રેગન ફ્રૂટની જરૂર પડશે. સૌથી પહેલાં ડ્રેગન ફ્રૂટની પ્યૂરી બનાવી લો. એમાં લીંબુનો રસ, એક ચમચી હળદર અને બે ચમચી ખાંડ મિક્સ કરો. આ તમામ સામગ્રીને મિક્સ કરો. પેસ્ટ બનાવવા થોડું ગુલાબજળ એડ કરો. પેસ્ટને બ્લેન્ડ કરી લો અને 30 મિનિટ ઠંડી થવા માટે ફ્રીજમાં રાખો. એ પછી ચહેરા પર મસાજ કરતા હો એ રીતે ફેસ માસ્ક લગાવો. 15-20 મિનિટ પેકને ચહેરા પર લગાવી રાખો, ત્યારબાદ ચહેરો સાદા પાણીથી ધોઈ લો.
ડ્રેગન ફ્રૂટ ફેસપેકથી ત્વચાને થતા ફાયદા
લાંબા સમય સુધી સૂર્યનાં નુકસાનકારક કિરણોના સંપર્કમાં આવવાથી ત્વચાને બહુ નુકસાન થતું હોય છે, જેના કારણે સનબર્ન અને ટેનિંગ જેવી સમસ્યાઓ થઇ શકે છે. આ સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા ડ્રેગન ફ્રૂટ ફેસપેકનો વીકમાં બે વખત ઉપયોગ કરવો જોઇએ. વધતી ઉંમરની અસર ઘટાડવામાં ડ્રેગન ફ્રૂટમાં રહેલો એન્ટિ ઓક્સિડન્ટ ગુણ મદદ કરે છે. અઠવાડિયામાં ત્રણ વખત ડ્રેગન ફૂટ ફેસપેકનો ઉપયોગ કરી શકાય. ત્વચાની સાથે સાથે ખીલ થવાની સમસ્યા પણ હવે સામાન્ય બની ગઇ છે તેથી ડ્રેગન ફ્રૂટની પેસ્ટ ખીલ પર લગાવવાથી ફાયદો થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter