ત્વચાને ચમકદાર બનાવવા માટે ઘણી યુવતીઓ બજારમાં મળતી વિવિધ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ ત્વચામાં ખાસ ફરક જણાતો નથી. જો તમને સારું પરિણામ જોઇતું હોય તો વિટામિન-ઇ કેપ્સ્યુલનો ઉપયોગ કરી શકાય છે. એ ત્વચાના દાગ-ધબ્બા અને ઝાંખપને દૂર કરીને તેને ઉજળી અને ટાઇટ બનાવે છે. વિટામિન-ઇ ત્વચા માટે ખૂબ જ ઉપયોગી છે. તે ત્વચાને નિખારે છે, કરચલીઓ અને ઉંમરના નિશાનને ઘટાડવામાં મદદ કરે છે. તે ત્વચાને સ્મૂધ અને હેલ્ધી બનાવે છે. થોડા જ દિવસના ઉપયોગથી તમારી ત્વચા યુવાન દેખાવા લાગે છે.
વિટામિન-ઇ ઓઇલનો ઉપયોગ રાતે ચહેરા પર કરવાથી એન્ટી-એજિંગ અસર થાય છે. તેલ ઘાટું હોય છે, તેથી તેને સૂતા પહેલા લગાવવું શ્રેષ્ઠ છે. આથી તે ત્વચામાં સારી રીતે શોષાય છે અને તેની અસર દેખાડે છે. સવારે તેલ લગાવવાથી બચવું જોઈએ કારણ કે તેલ લગાવ્યા પછી મેકઅપ અથવા સીરમ લગાવવાથી ત્વચા વધુ તૈલીય થઈ શકે છે. વિટામિન-ઇ એ એન્ટીઓક્સિડન્ટ્સની ઊંચી માત્રા ધરાવે છે. તે બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે. અનેક સંશોધનોમાં જાણવા મળ્યું છે કે વિટામિન-ઈ ઓઇલનો ઉપયોગ વિટામિન-સી સાથે કરવાથી હાઇપરપિગ્મેન્ટેશનની સમસ્યા ઘટાડવામાં મદદ મળી શકે છે. ફાટેલા કે સૂકા હોઠોથી છુટકારો મેળવવા માટે વિટામિન-ઈનો ઉપયોગ કરી શકાય છે. આથી ત્વચા ફરીથી રિપેર થાય છે અને ફાટેલા હોઠોના કારણે થતો દુખાવો પણ આથી દૂર થાય છે. વળી, વિટામિન-ઇની કેપ્સ્યુલની કિંમત અન્ય બ્યુટી પ્રોડક્ટની સરખામણીએ બહુ વધુ પણ હોતી નથી.
કઇ રીતે કરશો વિટામિન-ઇ કેપ્સ્યુલનો ઉપયોગ?
• ચહેરાના મેકઅપને સાફ કરીને ફેસવોશથી ધોઈ લો.
• પછી ચહેરાને હળવા હાથે સાફ કરો.
• હવે વિટામિન-ઈ તેલમાં 2 ટીપાં કોપરેલ મિક્સ કરો.
• તેને હાથની હથેળીઓ પર થોડું ઘસીને ચહેરાના દરેક ભાગમાં - ખૂણામાં લગાવો.
• જો તમે ઇચ્છો તો મિશ્રણને 20 મિનિટ માટે ચહેરા પર રાખી શકો છો અથવા સવારે ઉઠીને ધોઈ શકો છો.