ત્વચાને નેચરલ ગ્લોથી નિખારતા ગ્રેપ્સ પેક

(બ્યૂટીકેર)

Saturday 25th April 2026 09:17 EDT
 
 

દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે જેટલી લાભકારક છે એટલી જ સ્કિન માટે પણ છે. દ્રાક્ષથી સ્કિનને લગતી અનેક સમસ્યામાં રાહત મેળવી શકાય છે કેમ કે તે વિટામિન સી, વિટામિન કે અને એન્ટિ ઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોય છે. આ તમામ ગુણકારી તત્વો એવા છે જે ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. તમે દ્રાક્ષનો ઉપયોગ કરીને સ્કિનને લગતી અનેક સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો. તમે ઘરે બેઠાં બેઠાં જ દ્રાક્ષમાંથી અલગ અલગ ફેસપેક બનાવીને નેચરલ ગ્લો મેળવી શકો છો.

દ્રાક્ષ-ફુદીના ફેસ પેક
દ્રાક્ષને પીસીને એમાં ફુદીનાનાં પાન પીસીને મિક્સ કરી લો. એમાં તમે થોડાંક ટીપાં લીંબુના રસના ઉમેરી શકો છો. આ ત્રણેયર્ને સારી રીતે મિક્સ કરી લો. આ ફેસ પેકને ચહેરા પર લગાવો અને 10 મિનિટ માટે રહેવા દો. એ પછી ચહેરાને સાદા પાણીથી ધોઈ લો. એ પછી બરફના ટુકડાને ગુલાબ જળમાં ડુબાડીને આખા ચહેરા પર હળવા હાથે ઘસો. આ પેકથી ચહેરા પર નિખાર આવશે.

દ્રાક્ષ-મધ ફેસ પેક
આ પેક ચહેરા પર રહેલા ડાર્ક સર્કલની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. એ માટે એક બાઉલમાં દ્રાક્ષનો રસ લો. એક ચમચી મધ અને એક ચમચી ગુલાબજળ મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર, ગરદન પર લગાવો. થોડીવાર પછી ચહેરો ધોઈ લો.

દ્રાક્ષ-ગાજર ફેસ પેક
સૌપ્રથમ તો દ્રાક્ષ એકરસ થઇ જાય એટલી પીસીને પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટમાં એક ચમચી ક્રીમ મિક્સ કરી લો. એમાં એક ચમચી ચોખાનો લોટ અને એક ચમચી ગાજરનો જ્યૂસ મિક્સ કરી આ તમામ વસ્તુઓને સારી રીતે ભેળવી આ પેકને ચહેરા પર લગાવીને સૂકાવા દો. ફેસ પેક એકદમ સુકાઈ જાય ત્યારે ચહેરો પાણીથી ધોઇ લો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter