ત્વચાને સાફ રાખવા છ ચીજોનો કરો નિયમિત ઉપયોગ

Wednesday 19th October 2016 07:43 EDT
 
 

તમારી ત્વચાની સ્થિતિ એ લગભગ તો તમારા ખોરાક પર જ નિર્ભર રહે છે છતાં ખાવામાં ઉપયોગમાં લેવાતા કેટલાક ફળો અને શાકભાજીનો તમારી ચહેરા અને ગરદનની ત્વચા નિખારવામાં બાહ્ય રીતે પણ વપરાશ કરી શકાય છે. આવી જ આશરે છ સામગ્રી સંતરા, હળદર, પપૈયા, આમળા, મૂળા અને કેળાનો સ્કિનની ટેનનેસ દૂર કરવા કેવી રીતે ઉપયોગ થઈ શકે તેની માહિતી અહીં આપવામાં આવી છે.

સંતરાઃ સંતરામાં સાઈટ્રિક એસિડ અને વિટામિન સી હોય છે જે ત્વચાને પ્રાકૃતિક રીતે જ બ્લિચ કરે છે. સંતરાનો ખાવામાં ઉપયોગ તો ત્વચા માટે લાભદાયક છે જ, પણ સંતરાની છાલ પણ રૂપનિખાર માટે અકસીર ગણાય છે તેથી સંતરાની છાલને ફેંકી ન દેતાં તેને ઘરમાં સૂકવી નાંખો. જ્યારે પણ ત્વચાને સાફ કરવી હોય ત્યારે એક ચમચી સંતરાની છાલના પાવડરને દૂધ સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. એને તમારી ગરદન અને ચહેરા પર લગાડો. આ પેકને સૂકવા દો અને પછી હુંફાળા પાણીથી ધોઈ નાંખો. બની શકે તો આ પ્રયોગ રોજ કરવાથી તમારી ત્વચા ખીલેલી રહેશે.

હળદરઃ હળદરમાં પ્રાકૃતિક એન્ટિ ઓક્સિડેંટ હોય છે તેથી તે મેલી થઈ ગયેલી ત્વચામાંથી મેલ દૂર કરીને કાર્બનને બહાર ખેંચી કાઢે છે અને ટેનિંગને દૂર કરે છે. હળદરનો ઉપયોગ કરવા માટે એક ચમચી હળદર, એક ચમચી મધ અને એક ચમચી દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટની પાતળી પરત તમારા ચહેરા અને ગરદન પર લગાવો. આશરે ૩૦ મિનિટ સુધી પેસ્ટને સૂકવા દો પછી ધોઈને સાફ કરી લો.

પપૈયાઃ પપૈયામાં વિટામિન એ, સી અને એંજાઈમ્સ હોય છે જે ત્વચાને પુનર્જીવિત કરવામાં મદદરૂપ છે. પપૈયાથી ત્વચાના નિખાર માટે પાકેલા પપૈયાને છૂંદીને તેનો અર્ક બનાવો. એમાં એક ચમચી લીંબુનો રસ મિકસ કરો. તેને ગળા અને ચહેરા પર લગાડો. ૩૦ મિનિટ સુધી લગાડીને રહેવા દો અને પછી ધોઈ નાંખો. આ સ્કિનને પ્રાકૃતિક રીતે બ્લિચ કરવાની સૌથી સુરક્ષિત પદ્ધતિ છે.

આમળાઃ આમળામાં ઘણા બધા વિટામીન રહેલા છે. તેમાં નારંગીથી ૨૦ ગણું વધુ વિટામિન સી હોય છે. એવું કહેવાય છે કે રોજ બે ચમચી આમળાનો જ્યુસ પીવાથી અનેક બીમારીઓ દૂર થાય છે અને આયુષ્ય પણ વધે છે. આમળાનો જ્યુસ બનાવ્યા પછી આમળાનો કૂચો નીકળે તે ફેંકી ન દો. આ કૂચામાં થોડું દહીં મિક્સ કરીને ચહેરા અને ગરદન પર હળવે હાથે પંદર મિનિટ મસાજ કરો. તેનાથી ડેડ સ્કિન નીકળી જશે અને ત્વચા પર નિખાર આવશે.

મૂળાઃ મૂળા ખાવાથી ચહેરાની ચમકમાં વધારો થાય છે. ભોજનમાં પોટેશિયમની કમી થવાથી ચહેરા પર દાગ પડી જાય છે અને કરચલીઓ ઉભી થાય છે. એક અઠવાડિયા સુધી રોજ એક કપ મૂળા અને તેના પાનનો રસ પીવાથી ચહેરાના દાગ અને ખીલ મટી જાય છે અને ચેહરો ખીલી ઉઠે છે. આ ઉપરાંત ચહેરાની સ્કિન સાફ કરવા માટે મૂળાનો અર્ક બનાવો. મૂળાના અર્કની ચહેરા પર હળવે હાથે મસાજ કરો. તેનાથી ચહેરા પરની ડેડ સ્કિન દૂર થઈ જશે.

કેળાઃ કેળામાંથી કેલ્શિયમ, વિટામિન ડી તથા વિટામિન બી અને વિટામિન બી ૧૨ મળે છે. કોઈ પણ સપ્રમાણ વિટામિન સ્કિન માટે અતિ આવશ્યક અને લાભદાયક હોય છે. કેળાનો ઉપયોગ ત્વચાનો બગાડ દૂર કરવા માટે અકસીર છે. એ માટે અડધા કેળાનો અર્ક બનાવી લો. અર્કમાં પા લીંબુનો રસ ભેળવીને રોજ ચહેરા અને ગરદન પર લગાવવાથી ખીલ સહિતના ડાઘ દૂર થશે. કેળા ઉપરાંત કેળાની છાલ પણ ચહેરાને ચમકતો રાખવામાં મદદરૂપ થાય છે. કેળાની છાલનો અંદરનો ભાગ પંદરથી વીસ મિનિટ હળવે હાથે ચહેરા તથા ગરદન ઉપર ઘસવાથી સ્કિન ઉપરના વણજોઈતા ડાઘ દૂર થાય છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter