આજના સમયમાં ચહેરાની ત્વચા પર પ્રદૂષણ, સ્ટ્રેસ અને આ અનિયમિત જીવનશૈલીનો ખૂબ પ્રભાવ પડે છે. આવા સમયમાં ચહેરાની કુદરતી ચમક જાળવવી મુશ્કેલ બને છે. ત્વચા ડલ પડી જાય છે ત્યારે તેનો નિખાર પાછો લાવવા માટે સૌંદય જગતમાં અવનવી ટેક્નોલોજી અને વિવિધ પ્રકારનાં ફેસિયલનો ઉપયોગ કરાય છે. આવી જ એક નવી ટેક્નોલોજી એટલે ઓમેગા લાઈટ ફેસિયલ.
આ ફેસિયલ એ સામાન્ય ફેસિયલથી અલગ છે, કારણ કે તેમાં પ્રકાશ (લાઈટ થેરાપી) અને ત્વચાના આરોગ્ય માટે જરૂરી પોષક તત્ત્વો ખાસ કરીને ઓમેગા ફેટી એસિડ્સનું સંયોજન થાય છે. આ ઉપચાર ત્વચાને અંદરથી પોષણ આપે છે, ત્વચાની રિજનરેશન (પુનઃ નિર્માણ) પ્રક્રિયાને તેજ કરે છે અને સ્મૂધ, ગ્લોઈંગ અને યંગ દેખાવ આપે છે.
ઓમેગા લાઈટ ફેસિયલ શું છે?
ઓમેગા લાઈટ ફેસિયલ એ એક અદ્યતન સ્કિન ટ્રીટમેન્ટ છે, જેમાં LED લાઈટ થેરાપી સાથે ઓમેગા-6, ઓમેગા-6 જેવાં જરૂરી ફેટી એસિડ્સ ધરાવતાં સીરમ અથવા માસ્કનો ઉપયોગ થાય છે. LED લાઈટ ત્વચાના અલગ-અલગ સ્તરોમાં પ્રવેશીને કોલેજન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે અને સ્કિનના સેલ્સને રિએક્ટિવ કરે છે. તેમાં સામાન્ય રીતે લાલ, વાદળી, પીળી અને લીલા રંગની લાઈટનો ઉપયોગ થાય છે. લાલ લાઇટ એન્ટિએજિંગ માટે ઉપયોગી છે અને તે કોલેજમ ઉત્પન્ન કરે છે. વાદળી લાઈટ સ્કીન એકને અને બેક્ટેરિયા દૂર કરે છે. પીળી લાઈટ ચહેરાની રંગત સુધારે છે અને પિગ્મેન્ટેશન ઘટાડવામાં મદદ કરે છે. લીલી લાઈટ સ્કિનને રિલેક્સ કરે છે અને ઈન્ફ્લેમેશન ઘટાડે છે.
કેવી રીતે થાય છે આ ફેસિયલ?
આ ટ્રીટમેન્ટ લગભગ 45થી 90 મિનિટ ચાલે છે. પ્રથમ ત્વચાની સફાઈ એટલે ડીપ ક્લીન્ઝિંગ થાય છે. પછી એક્સફોલિએશન દ્વારા ડેડ સેલ્સ દુર કરવામાં આવે છે. ત્યારબાદ ઓમેગા ફેટી એસિડ્સથી ભરપૂર સીરમ અથવા જેલ લગાવવામાં આવે છે. પછી LED લાઈટ થેરાપી લાગુ કરવામાં આવે છે. જેમાં વિવિધ રંગોની લાઈટનો સ્કિન પર ઉપયોગ થાય છે. આખરે એક હાઈડ્રેટિંગ માસ્ક લગાવવામાં આવે છે, જે સ્કિનને નરમ અને ચમકદાર બનાવે છે. આખી ટ્રીટમેન્ટ નોન-ઈન્વેસિવ છે. એટલે કોઈ દુઃખાવો કે સાઈડ ઈફેક્ટ થતી નથી.
આ ફેસિયલના ફાયદા શું છે?
આ આધુનિક ફેસિયલના અનેક ફાયદા છે. જેમ કે,
• ત્વચાની તેજસ્વિતા વધે છેઃ લાઈટ થેરાપીથી સ્કિનમાં નવી ઊર્જા આવે છે, તેથી તેનાથી ચમકીલી સ્કિન બને છે.
• કોલેજનનું ઉત્પાદન વધે છેઃ કોલેજનનું ઉત્પાદન વધવાથી ત્વચા વધુ ટાઈટ બને છે.
• એકને અને પિમ્પલ્સ દૂર થાય: ખાસ કરીને વાદળી લાઈટ બેક્ટેરિયા દૂર કરે છે, તેથી ખીલનું પ્રમાણ ઘટે છે.
• પિગ્મેન્ટેશન અને ડાર્ક સ્પોટ્સ ઘટાડેઃ આ ફેસિયલ પિગ્મેન્ટેશન અને ડાર્ક સ્પોટ્સ દૂર કરે છે જેથી ત્વચાનો એકસરખો ટોન બરકરાર રહે છે.
• સ્કિન હાઈડ્રેશનઃ આ ફેસિયલ સ્કિન હાઇડ્રેશન સુધારે છે. ઓમેગા એસિડ્સ ત્વચાની અંદર ભેજ જાળવે છે. આ બધા અલગ અલગ પરિબળોના કારણે ત્વચા નિખરે છે.
કઈ ત્વચા માટે યોગ્ય?
ઓમેગા લાઈટ ફેસિયલ લગભગ દરેક સ્કિન ટાઈપ માટે યોગ્ય છે. ડ્રાય સ્કીન, ઓઇલી સ્કીન, કોમ્બિનેશન સ્કીન કે સેન્સિટિવ સ્કીન - દરેક પ્રકાર માટે આ ફેસિયલ લાભકારક છે. ખાસ કરીને જે લોકો અવારનવાર સન એક્સપોઝરમાં રહે છે અથવા તો જેમની ત્વચા પર થાક, ડલનેસ અથવા રિએક્શન જોવા મળે છે, તેમના માટે આ ટ્રીટમેન્ટ ખૂબ જ ઉપયોગી છે એમ કહી શકાય.
કેટલા સમયના અંતરે આ ફેસિયલ કરાવશો?
સૌથી સારું પરિણામ મેળવવા માટે દર ત્રણથી ચાર અઠવાડિયાંમાં એક ફેસિયલ સેશન કરાવવું સલાહરૂપ છે. નિયમિત ઓમેગા લાઈટ ફેસિયલ કરાવવાથી સ્કિન લાંબા સમય સુધી હેલ્ધી, ગ્લોઈંગ અને યુવા રહે છે. ઓમેગા લાઈટ ફેસિયલ એક ટેક્નિકલ અને પ્રોફેશનલ ટ્રીટમેન્ટ છે. આ ટ્રીટમેન્ટ ખાસ સ્કિન પ્રકાર પ્રમાણે કસ્ટમાઈઝ થાય છે અને સ્કિનની જરૂરિયાત મુજબ લાઈટનો કલર, સીરમ અને માસ્ક પસંદ કરીને થાય છે. ઓમેગા લાઈટ ફેસિયલ એ એક એવો ઉપચાર છે જે આધુનિક વિજ્ઞાન અને કુદરતી પોષકતાને જોડે છે. નિયમિત રીતે આ ફેસિયલ કરાવવાથી ત્વચા સુંદરની સાથે અંદરથી હેલ્ધી બને છે.


