થોડીક મિનિટમાં ચહેરો નિખારતાં ફેસમાસ્ક

Wednesday 20th December 2023 05:42 EST
 
 

ઘણી વખત ઓચિંતા જ પાર્ટી કે ફંકશનમાં જવાનો પ્લાન બની જતો હોય છે. આ સમયે ફેશિયલ, બ્લીચ કરવાનો સમય રહેતો નથી. આ સંજોગોમાં ઇન્સ્ટન્ટ ગ્લો તેમજ વાન નિખારતા ફેસમાસ્ક બહુ ઉપયોગી બની રહે છે. આજે અહીં આવા જ કેટલાક ફેસમાસ્ક સૂચવ્યા છે.
• ગુલાબની થોડી પાંખડીને બે ટેબલસ્પુન ઘટ્ટ દૂધમાં ભેળવીને વાટી નાખો અને તેને 10 મિનિટ માટે ફ્રિજમાં મુકી ચહેરા પર લગાવી દો. 20 મિનીટ પછી ઠંડા પાણીથી ચહેરો ધોઇ નાખવો.
• પાકા કેળાને છોલી તેને છુંદી નાખો. તેમાં 3 ટેબલસ્પુન પાકેલા પપૈયાનો ગર ભેળવી બરાબર ફેંટવું. આ પેસ્ટને ચહેરા પર લગાડવું 15 મિનિટ પછી ધોઇ નાખવાથી ત્વચા ટાઇટ તેમજ ચમકીલી બને છે.
• બે નાનકડી સ્ટ્રોબેરી અને એક ચમચો મીઠા વગરનું માખણ વાટી લઇ પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને 15 મિનિટ સુધી ચહેરા પર લગાડી રાખીને હુંફાળા પાણીમાં નેપકિન બોળી ચહેરો લુછી નાખવાથી ત્વચા નિખરશે.
• સફરજનને ઝીણું સમારી લો અને તેમાં એક ચમચો મધ ભેળવી મિકસરમાં વાટી લઇ ચહેરા પર લગાડી 15 મિનિટ પછી ચહેરો ધોઇ નાંખો.
• એક બાઉલમાં બે ચમચી ચણાનો લોટ લઇને તેમાં એક ચમચી દૂધ અને એક ચમચી ઓલિવ ઓઇલ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડી દો. 20 મિનિટ પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઇ નાંખો.
• એક બાઉલમાં 3 ટેબલસ્પુન ચણાનો લોટ, બે ટેબલસ્પુન દૂધની મલાઇ અને ચપટી હળદર ભેળવીને પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવું. 30 મિનિટ પછી લેપ સુકાઇ જાય એટલે હાથને ભીનો કરી ચહેરા પરથી ધીરે ધીરે ફેસપેક કાઢવો.
• એક ટેબલ સ્પૂન દૂધમાં થોડા કેસરને છ કલાક સુધી પલાળી રાખવું. ત્યાર પછી તેમાં એક ચમચો મધ ભેળવીને ઘટ્ટ પેક બનાવી ચહેરા પર લગાડી 20 મિનિટ પછી ચહેરો ધોઇ નાંખવો.
• સંતરાની છાલને તડકામાં સુકવી તેનો મિકસરમાં પાઉડર કરીને બોટલમાં ભરી લો. છાલના એક ટેબલસ્પુન પાઉડરમાં એક ટેબલસ્પૂન દહીં ભેળવીને પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવું. 20 મિનિટ પછી સુકાઇ જાય એટલે ચહેરાને હુંફાળા પાણીથી ધોઇ નાંખવો. ત્વચાને ગોલ્ડન ગ્લો મળશે.
• ટામેટાના ગરમાં અડધો ચમચો સાકર ભેળવીને ચહેરા પર લગાડી દો. સુકાઇ જાય એટલે ધોઇ નાખવાથી ત્વચા ચમકીલી થાય છે.
• એક મોટા એવોકોડોની પેસ્ટ બનાવીને તેમાં અડધો ટેબલસ્પૂન દહીં અને થોડા ટીપાં લીંબુના રસના નાખી ભેળવી ચહેરા પર લગાડો. મિશ્રણ સુકાઇ જાય એટલે ધોઇ નાખવું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter