દરેક પર્વ-પ્રસંગને નિખારશે સદાબહાર સાડી

Wednesday 15th October 2025 07:26 EDT
 
 

કેટલીક ફેશન કાયમી હોય છે. તેને સિઝન કે ટ્રેન્ડ સાથે કોઈ લેવાદેવા નથી હોતી. ખાસ કરીને પરંપરાગત પોશાકની ફેશન ક્યારેય નથી જતી. અને આવા પરિધાનમાં સાડી મોખરાનું સ્થાન ભોગવે છે. કોઇ પણ પર્વ હોય કે પ્રસંગ સાડીનું સ્થાન સદાબહાર રહ્યું છે. તમે નોંધ લીધી હશે કે બોલીવૂડ અદાકારાઓને પણ સાડી બહુ પ્રિય છે. તેઓ આપણા પરંપરાગત તહેવારો કે અન્ય ખાસ પ્રસંગે સાડી પહેરવાનું ચૂકતી નથી. તેમાંય શિલ્પા શેટ્ટી, માધુરી દીક્ષિત જેવી કેટલીક અદાકારાઓ તો અવારનવાર સાડીમાં જોવા મળે છે. અને હવે જ્યારે તહેવારોની મોસમ ખીલી છે ત્યારે આપણે પણ તેમની જેમ વિવિધ પ્રકારની સાડીઓ પહેરીને મહાલી શકીએ. જો તમને એમ થતું હોય કે ‘કેવી સાડી પહેરું?’ તો કેટલીક જાણીતી અદાકારાઓએ તાજેતરમાં પહેરેલી સાડીઓ પરથી પણ તમે પ્રેરણા લઈ શકો છો.
તાજેતરમાં શિલ્પા શેટ્ટીએ ઓરેન્જ કલરની ઓરગેન્ઝા ફેબ્રિકની સાડી પહેરી હતી. તેની સાથે તેણે ફ્રન્ટ પ્લિટ્સવાળું એવા જ મટિરિયલનું હોલ્ટર નેક બ્લાઉઝ અને એ ફેબ્રિકમાંથી જ બનાવેલો બેલ્ટ પહેર્યો હતો. શિલ્પા શેટ્ટી સ્ટેટમેન્ટ જ્વેલરી પહેરવા માટે જાણીતી છે. અને આમેય હોલ્ટર નેકના બ્લાઉઝમાં નેક પીસ પહેરવાનો પ્રશ્ન જ નહોતો આવતો. તેથી તેણે કાનમાં સુંદર લટકણિયા પહેર્યાં હતાં. આ પરિધાનમાં તે ગજબની સુંદર દેખાતી હતી.
મૌની રોય સિરિયલ સિવાય ભાગ્યે જ સાડીમાં જોવા મળે છે. પણ તાજેતરમાં તેણે એક પ્રસંગે પારદર્શક ગોલ્ડન સાડી પહેરીને પોતાના સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી દીધાં હતા. ગોલ્ડન સાડી સાથે હેવી વર્ક કરેલું સ્લીવલેસ ગોલ્ડન બ્લાઉઝ તેની ગોરી કાયાને ઝળકાવી રહ્યું હતું. મજાની વાત એ છે કે તેના અંગ પર આભૂષણોનું નામોનિશાન નહોતું. હા, તેના હાથમાં બટન પર્સ શોભી રહ્યું હતું.
રવિના ટંડન પ્રૌઢાવસ્થાના આરે આવી ગઈ હોવા છતાં તેનું ફિગર કોલેજ ગર્લ્સને પણ શરમાવે એટલું સુંદર છે. થોડાં દિવસ પહેલા એક ઈવેન્ટમાં રવિનાએ ગોરા તન પર બ્લેક-ગોલ્ડન રંગના આડા પટ્ટા ધરાવતી સાડી, એવા જ કોમ્બિનેશનમાં નાની ડિઝાઈનનું પોણી બાંયનું બ્લાઉઝ અને ગોલ્ડન બેલ્ટ પહેરીને પોતાની સ્ટાઈલની ઝલક દેખાડી હતી.
માધુરી દીક્ષિત પણ બે ટીનેજર પુત્રોની માતા છે. આમ છતાં તેણે પોતાનું સૌંદર્ય એવી રીતે જાળવી રાખ્યું છે કે કોઈપણ પોશાકમાં તે ગજબની સુંદર લાગે છે. જ્યારે તે સાડી પહેરે છે ત્યારે લોકો તેની સામેથી નજર નથી ખસેડી શકતા. થોડાં દિવસ પહેલાં જ તે ફૂલોની ડિઝાઈનવાળી ભૂરા રંગની પારદર્શક સાડીમાં દેખાઈ હતી. આ સાડી સાથે મેચ કરતી બુટ્ટી અને વીંટી સિવાયનું કોઈ આભૂષણ તેણે નહોતું પહેર્યું. આમ છતાં તેને જોનારાઓ અભિનેત્રી પર ઓવારી ગયા હતા.
લીજન્ડરી એકટ્રેસ શોભના હંમેશાંથી એક એકથી ચડે એવી સાડીઓ પહેરવા માટે જાણીતાં છે. અદ્દલ ભારતીય નારીની જેમ તેઓ સુંદર સાડીઓ પહેરવા સાથે કપાળે આઠ આની જેટલો મોટો લાલ ચાંદલો કરે છે. તાજેતરમાં તેણે ગોલ્ડન બોર્ડર-ચેક્સ-બુટ્ટીવાળી ડાર્ક ગુલાબી રંગની સિલ્કની સાડી સાથે ભૂરું બ્લાઉઝ પહેરીને લોકોને અચંબામાં નાખી દીધાં હતાં. અભિનેત્રીએ સાડી અને બ્લાઉઝ બંનેને મેચ આવે એવા ફૂમતાવાળી પોટલી બેગ અને એ જ કોમ્બિનેશનની બુટ્ટી પહેરીને પોતાનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ દેખાડયું હતું.
અભિનેત્રી હીના ખાન ભાગ્યે જ સાડી પહેરતી જોવા મળે છે. પણ જ્યારે તે આ ભારતીય પરિધાન ધારણ કરે છે ત્યારે તેનું રૂપ ખીલી ઉઠે છે. તાજેતરમાં તેણે હેન્ડલૂમની લેમન કલરની સાડી અને ક્રોપ ટોપ બ્લાઉઝ (પાલવને મેચ કરતું) પહેરવા સાથે માત્ર ઢીલો અંબોડો વાળીને વાળની બે લટ આગળ રાખી હતી. સાદગીનું સૌંદર્ય બતાવવા માગતી હોય તેમ તેણે ચહેરા પર કોઈ શ્રૃંગાર નહોતો કર્યો. પણ હકીકતમાં તે તેના પરિધાનને કારણે જ ખૂબ સુંદર દેખાતી હતી.
જે રીતે રવિના ટંડને બ્લેક-ગોલ્ડનનું કોમ્બિનેશન કર્યું હતું એ રીતે યામી ગૌતમે વ્હાઇટ-ગોલ્ડનનું કોમ્બિનેશન બનાવ્યું હતું. તેની સફેદ સાડી પર માંડ અડધા ઇંચની ગોલ્ડન પટ્ટી હતી. તેની સાથે તેણે લાંબુ ગોલ્ડન પટ્ટીવાળું બ્લાઉઝ પહેર્યું હતું. હા, તેણે આ એકદમ સિમ્પલ દેખાતી સાડી સાથે સ્વર્ણાલંકારો પહેરીને પોતાના લુકમાં ચમક આણી દીધી હતી. હાથમાં ડઝનેક બંગડીઓ, કાનમાં ચેનવાળી લાંબી ઇયરિંગ અને ગળામાં નોખી ડિઝાઈનનું નેકલેસ પહેરીને અભિનેત્રીએ પુરવાર કર્યું હતું કે સાદગીનું સૌંદર્ય કોને કહેવાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter