ભારતીય મહિલા ક્રિકેટ ટીમની આ તેજતર્રાર ખેલાડીએ બાળપણમાં ગરીબી સહન કરી છે, મહેણાં-ટોણાં સાંભળ્યા છે, પણ આજે જિંદગીના બધા જ અવરોધોને ઓળંગીને વિમેન્સ પ્રીમિયન લીગ (WPL)ની આ સિઝનની સૌથી મોંઘી ખેલાડી બની છે. તેનું નામ છે દીપ્તિ શર્મા. 28 વર્ષની દિપ્તી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની અગ્રણી ઓલરાઉન્ડર છે. તાજેતરમાં જ મહિલા પ્રીમિયર લીગ 2026ની હરાજીમાં, યુપી વોરિયર્સે તેને રૂ. 3.2 કરોડમાં ખરીદી, જે સિઝનની સૌથી ઊંચી બોલી હતી. આનાથી તે લીગની અત્યાર સુધીની બીજી સૌથી મોંઘી ખેલાડી બની છે. દીપ્તિએ આ સ્થાન સુધી પહોંચવા માટે ઘણા પડકારોનો સામનો કર્યો છે.
સંઘર્ષપૂર્ણ સમય
દીપ્તિનો જન્મ 24 ઓગસ્ટ, 1997ના રોજ ઉત્તરપ્રદેશના આગ્રામાં એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેના પિતા રેલવેમાં કામ કરતા હતા અને પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હતી. દીપ્તિની આઠ વર્ષની ઉંમરે તેના ભાઈ સુમિત સાથે એકલવ્ય સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં ગઈ હતી. મેચ દરમિયાન દીપ્તિ પાસે બોલ આવ્યો. તેણે બાઉન્ડ્રીથી 50 મીટર દૂર સચોટ થ્રો ફેંક્યો જે સીધો સ્ટમ્પ પર વાગ્યો. આ જોઈને કોચે તેને ટ્રેનિંગ માટે બોલાવી. શરૂઆતમાં દીપ્તિને ‘છોકરીઓ થોડી ક્રિકેટ રમે?’ જેવા મહેણાં-ટોણાંનો સામનો કરવો પડ્યો હતો. વધુમાં, તેને શરૂઆતમાં છોકરાઓ સાથે ક્રિકેટ રમવું પડતું હતું. સુવિધાઓનો અભાવ અને નાના શહેરની માનસિક્તાએ દીપ્તિના પડકારોમાં વધારો કર્યો હતો. જોકે, દીપ્તિની પ્રગતિ સુનિશ્ચિત કરવા તેના ભાઈ સુમિતે તેની નોકરી છોડી દીધી અને તેને ક્રિકેટ માટે માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું.
ચઢતી-પડતી: 17ની ઉંમરે ડેબ્યુ
દીપ્તિએ 2014માં 17 વર્ષની ઉંમરે ભારત માટે ડેબ્યૂ કર્યું હતું, પરંતુ શરૂઆતના વર્ષોમાં તે ફોર્મ અને ઇજાઓ સાથે સંઘર્ષ કરી રહી હતી. 2022માં ચાર્લી ડીનને માંકડ રન-આઉટ કરવાથી વિવાદ થયો, જેના કારણે કેટલાક લોકોએ પ્રશંસા કરી અને કેટલાક લોકોએ ટીકા કરી. દીપ્તિને તેની ધીમી બેટિંગ શૈલી માટે પણ બહુ ટ્રોલ કરાતી હતી.
સફળતા અને સન્માન
દીપ્તિએ 2025ના આઈસીસી મહિલા વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફાઇનલમાં 58 રન અને 5 વિકેટ સાથે તે પ્લેયર ઓફ ધ મેચ તથા 215 રન અને 22 વિકેટ સાથે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પણ બની હતી. 2020માં તેને અર્જુન એવોર્ડથી નવાજવામાં આવી હતી. ઉત્તરપ્રદેશ
સરકારે તેને જિલ્લા પોલીસ વડા - ડીએસપી તરીકે નિમણૂક આપીને સન્માનિત કરી છે.


