મુંબઈઃ નીતા અંબાણી તેમની આગવી ફેશન અને સ્ટાઇલ માટે ફરી એક વખત સમાચારમાં છે. જિયો વર્લ્ડ સેન્ટર ખાતે યોજાયેલા ‘રિલાયન્સ દિવાળી ઉત્સવ 2026’માં તેઓ સુંદર ‘સ્વદેશ રામાવલી’ સાડી પહેરીને છવાઇ ગયાં હતાં. ભગવાન રામ અને વિષ્ણુના ચિત્રો દર્શાવતી અને રેશમના ધાગાથી બનેલી આ સાડી વણકરોની પાંચ મહિનાની આકરી મહેનતનું પરિણામ છે.
નીતા અંબાણીએ પહેરેલી ‘સ્વદેશ રામાવલી’ સિલ્ક સાડીમાં કેસરિયા રંગની ઝલક તો તેની ડિઝાઇન ભગવાન શ્રી રામ અને ભગવાન વિષ્ણુથી પ્રેરિત જોવા મળે છે. સાડીમાં સુંદર કમળના ફૂલો ઉડીને આંખે વળગતા હતા.
નીતા અંબાણીની સાડી પરંપરા, આધ્યાત્મિકતા અને ઉત્સવની ભાવનાનો સમન્વય હતો. સ્વદેશના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સાડીના ફોટા શેર કરવામાં આવ્યા છે, જેમાં સાડીની જટિલ વિગતો દર્શાવાઇ છે. પ્રખ્યાત માસ્ટર કારીગર અજય ભોજેની સીધી દેખરેખમાં પાંચ મહિનાની મહેનતના અંતે તૈયાર થયેલી આ સાડી સંપૂર્ણપણે હાથબનાવટની છે. સિંદૂરી લાલ રંગની સાડીમાં અનેક વખત પવિત્ર નામ ‘શ્રી રામ’ લખાયેલું છે. તો સાડીના પલ્લુમાં ભગવાન વિષ્ણુના પવિત્ર પગલાંના નિશાન અને કમળના ફૂલોની ડિઝાઈન છે.
‘રામ’ અને ‘નામાવલી’ શબ્દોથી પ્રેરિત, આ સાડીમાં બહુ જ જટિલ ગણાતી ‘કડ’ ટેક્નિકનો ઉપયોગ કરાયો છે. દરેક ડિઝાઈન હાથવણાટથી તૈયાર થયેલી છે, અને તેમાં લખાયેલા શબ્દો ભક્તિભાવને દર્શાવે છે.
બનારસના કુશળ વણકરો દ્વારા તૈયાર કરાયેલી ‘રામાવલી’ સાડી, પવિત્ર પ્રતીકો અને બ્રોકેડ વણાટનો એવો શ્રેષ્ઠ સમન્વય છે જેમાં શ્રદ્ધા અને ઈતિહાસ પણ સામેલ છે. સાડીની કિનારી પર સોનાનું જરીકામ છે, જેમાં સુંદર પરંપરાગત ફૂલોની ડિઝાઈન છે. તો પલ્લુ પર ભરતકામ વડે ઓમ અને ભગવાન વિષ્ણુના પદચિહન દર્શાવાયા છે.
નીતા અંબાણી તેમની સ્ટેટમેન્ટ જ્વેલરી માટે પણ જાણીતાં છે. આ ઈવેન્ટ માટે, તેમણે મલ્ટીલેયર રોયલ નેકલેસ પહેર્યો હતો. ટેમ્પલ જ્વેલરી શૈલીમાં બારિક નકશીકામ સાથે તૈયાર થયેલા આ નેકલેસમાં હીરા, મોતી અને પોલ્કી જડાયેલા છે.


