શ્રાવણ મહિનો ભલે પૂરો થઇ ગયો, પરંતુ તહેવારોની મોસમ શરૂ થઈ ગઇ છે. આ સમયગાળામાં ગમેતેટલી આધુનિક યુવતીને પણ ટ્રેડિશનલ આઉટફિટ અને સલવાર સૂટ પહેરવાનું ગમતું હોય છે. જોકે તમારી પાસે આ તહેવારો વખતે પહેરવા માટે હેવી સલવાર સૂટ ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી.
આજકાલ માર્કેટમાં એવા અલગ અલગ સ્ટાઇલના હેવી દુપટ્ટા મળે છે જે પહેરવાથી સાદો સલવાર સૂટ પર દીપી ઉઠે છે. જો તમે ઝડપથી તૈયાર થવા ઇચ્છતા હો તો આવા ડિઝાઇનર દુપટ્ટા તમારા માટે આકર્ષક સાબિત થઈ શકે છે. આવા કેટલાક સ્ટાઇલિશ દુપટ્ટા વિશે આજે આપણે માહિતી મેળવશું.
બાંધણી દુપટ્ટાઃ તહેવાર કોઇ પણ હોય, તમે સેલિબ્રિટી ફેશન તરીકે સુટ સાથે પરંપરાગત બાંધણી દુપટ્ટા પહેરી શકો છો. આ દુપટ્ટા ખરેખર ખૂબ જ સુંદર છે. જો તમે પૂજા જેવા પ્રસંગમાં પલાઝો સૂટ પહેરો છો તો તેની સાથે બાંધણી પ્રિન્ટનો દુપટ્ટો પહેરી શકો છો. આ પ્રકારનો દુપટ્ટો પહેરવામાં ખૂબ સુંદર લાગે છે.
બ્રોકેડ દુપટ્ટોઃ તમે તહેવારો અને ખાસ પ્રસંગો પર ઝરી બોર્ડરવાળા બ્રોકેડનો દુપટ્ટો પહેરી શકો છો. આ એક ખૂબ જ સુંદર વણાયેલું કાપડ છે જેમાં સિલ્ક, કોટન, પોલિએસ્ટર જેવા ઘણા રંગબેરંગી દોરા વણાટ માટે વપરાય છે. આ ફેબ્રિક રોયલ લુક માટે વપરાય છે. આ બ્રોકેડનો દુપટ્ટો સાદા આઉટફિટને પણ સ્ટાઇલિશ લુક આપે છે.
પારસી ગારા દુપટ્ટાઃ જો તમે સિમ્પલ સુટ સાથે કંઈક ટ્રેન્ડી અને અલગ ટ્રાય કરવા માંગતા હો, તો તમે પારસી ગારાને સિમ્પલ સૂટ સાથે સ્ટાઈલ કરી શકો છો. કારણ કે આજકાલ પારસી ગારા દુપટ્ટાનો ક્રેઝ ઘણો જોવા મળી રહ્યો છે. આ સ્ટાઇલના દુપટ્ટા ડ્રેસને અનોખો લુક આપે છે.
ઓર્ગેન્ઝા દુપટ્ટાઃ એમ્બ્રોઇડરી વર્ક ઓર્ગેન્ઝા દુપટ્ટા બજારમાં સરળતાથી મેળવી શકો છો. તમે આ પ્રકારના દુપટ્ટાને સિલ્ક સૂટ સાથે કેરી કરી શકો છો. આ પ્રકારના દુપટ્ટા પહેલેથી જ હેવી લુક આપે છે, તેથી જ જ્વેલરી માટે મિનિમલ લુક પસંદ કરો. આ દુપટ્ટા સાથે ક્લાસી લુક મેળવવા માટે બન હેરસ્ટાઇલ બનાવી શકો છો અને હા, તેને સજાવવા માટે તાજા ગજરાનો પણ ઉપયોગ કરી શકો છો.
બનારસી દુપટ્ટાઃ હેવી લુક આપતા બનારસી દુપટ્ટાને સાદા સૂટ પર સારી રીતે ટ્રાય કરી શકો છો. જો તમે બનારસી ફેબ્રિક અને આઉટફિટ્સ પહેરવાના શોખીન છો, તો તમને માર્કેટમાં ઘણા વિકલ્પો મળશે. જોકે, બનારસી સિલ્ક ફેબ્રિકમાંથી બનેલા આઉટફિટ્સ ખૂબ મોંઘા હોય છે. જો એ તમારા બજેટમાં ન હોય તો તમે બનારસી દુપટ્ટા પણ ખરીદી શકો છો. બનારસી સિલ્કમાં તમને દુપટ્ટાની સારી વેરાયટી મળશે.
ફુલકારી દુપટ્ટાઃ ફુલકારી દુપટ્ટા ફુલકારી એટલે ફૂલકામ. ફુલકારી પંજાબમાં પરંપરાગત ભરતકામ છે અને તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જોકે હવે આ ડિઝાઇન આખા ભારતમાં લોકપ્રિય બની છે. આ દુપટ્ટાની ખાસિયત એ છે કે તમે તેનો વર્ષો સુધી ઉપયોગ કરી શકો છો. તે સુંદર પેટર્ન પરંપરાગત દેખાવ આપે છે. આ એક મલ્ટિપર્પઝ દુપટ્ટો છે. જો તમે આ દુપટ્ટાને સાદા સલવાર સૂટ સાથે પણ કેરી કરશો તો તે આખા સલવાર સૂટનો લુક બદલી નાખશે.
પાકિસ્તાની દુપટ્ટાઃ હાલમાં યુવતીઓમાં રંગબેરંગી અને મિરર વર્કવાળા પાકિસ્તાની દુપટ્ટા લોકપ્રિય બન્યા છે. આ દુપટ્ટો તમારો આખો લુક બદલી નાખશે અને તમને એક અનોખો લુક આપશે અને અનેક સ્ટાઇલના ફેબ્રિકમાં મળે છે. આમાં ગ્લોસ ફિનિશ અને મેટ ફિનિશના વિકલ્પ મળે છે તેમજ એની પેટર્નમાં તમને ક્રેવ, રાધા કૃષ્ણ, પોપટ, મોર, ફૂલ, ફુલકારી, મધુબની, જયપુરિયા સ્ટાઈલ જોવા મળશે.