બસ્તરઃ છત્તીસગઢના નારાયણપુર પાસે રહેતા વૈદ્ય ખેમચંદ માંઝી દર્દીઓના હાથમાં વાંસની લાકડી પકડાવે છે અને તે લાકડીના આધારે જ બીમારીને ઓળખી લે છે. આંધ્ર પ્રદેશથી એક પરિવાર તેમની પાસે સારવાર માટે આવ્યો હતો. તેમણે દર્દીને લાકડી પકડાવ્યા બાદ તરત જ કહી દીધું કે તેમને ગળામાં ગંભીર બીમારી છે. પરિવારજનોને નવાઇ લાગી. મેડિકલ રિપોર્ટ કરાવ્યો તો નિદાન થયું કે દર્દીને ગળાનું કેન્સર છે. આ પછી ખેમચંદે 72 પ્રકારની જડીબુટ્ટીઓ ભેગી કરીને દવા બનાવી અને તેમને ત્રણ સપ્તાહનો કોર્ષ કરવાનું કહ્યું હતું. છત્તીસગઢના જંગલોમાં આવાં તો અનેક વૈદ્યરાજો છે, જે સારવાર-સુશ્રુષામાં અનોખું કૌશલ્ય ધરાવે છે, વન્યજીવન વચ્ચે પાંગરતી અનેક જડીબુટ્ટીઓ વિશે આગવી જાણકારી ધરાવે છે.
છત્તીસગઢનાં દેવયાની શર્મા બસ્તરના જંગલોમાં રહેતાં આવા વૈદ્યરાજોને શોધીને દુનિયા સામે લાવી રહ્યાં છે. જેઓ પેઢી - દર પેઢી જડીબુટ્ટીઓથી સચોટ સારવાર કરી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમણે 117 ગામના 500થી વધુ વૈદ્યોને ઓળખ અપાવી છે.
જડીબુટ્ટીએ કેન્સરગ્રસ્ત પિતાનું આયુષ્ય વધાર્યું!
દેવયાની શર્મા કહે છે કે, 2012માં મારા પિતાને કેન્સરનું નિદાન થયું હતું. ડોક્ટરોએ કહ્યું હતું કે તેઓ 15 દિવસથી વધુ નહીં જીવે. આ સમયે અમે કેટલીક દેશી ઔષધિઓ આપવાનું શરૂ કર્યું. જેના સહારે તેઓ એક વર્ષ સુધી અમારી સાથે રહ્યા. ત્યારે જ સમજાયું કે અમારા જંગલોમાં કેટલી પ્રભાવશાળી ઔષધિઓ છે પરંતુ લોકો અજાણ છે. મેં બાયોટેકનોલોજીમાં પીએચ.ડી. કરી છે અને 2023થી મેં આવા વૈદ્યો અને તેમની દેશી સારવાર પદ્ધતિ શોધીને તેનું ડોક્યુમેન્ટેશન કરવાનું શરૂ કર્યું.
અભણ વૈદ્યરાજોના જ્ઞાનને આયુષ વિભાગની સ્વીકૃતિ
દેવયાનીએ કહ્યું કે, બસ્તરના જંગલ પ્રદેશમાં ઘણા એવા વૈદ્યો છે જે ભલે અભણ હોય પણ તેમને છોડ - ઔષધિઓની એટલી સમજ છે કે ટ્રાન્સ-ડિસિપ્લિનરી હેલ્થ સાયન્સ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટી અને ભારત સરકારના આયુષ વિભાગે પણ તેમની સારવાર પદ્ધતિને પ્રમાણિત કરી છે. મેં પણ લગભગ 150 વૈદ્યોને આ ટેસ્ટ અપાવ્યો છે, જેમાંથી 90ને પ્રમાણપત્ર મળી ચૂક્યું છે.


