આજે યુવતીઓ પોતાની સ્ટાઇલ સાથે એક્સપેરિમેન્ટ કરવા અનેક પ્રકારના આઉટફિટ્સને કેરી કરે છે. જોકે કોઇ ટ્રેન્ડમાં તમે ત્યારે જ સ્ટાઇલિશ લાગી શકો, જ્યારે તેને યોગ્ય રીતે પહેરવામાં આવે. આવું જ એક આઉટફિટ છે ધોતી પેન્ટ - જે તમને યુનિક અને ચિક લુક આપે છે. તમે સ્ટાઇલિશ અને ઇન્ડો વેસ્ટર્ન લુક મેળવવા ઇચ્છો છો તો એમાં ધોતી પેન્ટ પહેરવાંનો ઓપ્શન બેસ્ટ છે. બની શકે કે તમે ધોતી પેન્ટ્સ પહેલાં પહેર્યાં હોય, પરંતુ દર વખતે એક જ રીતે સ્ટાઇલ કરવાથી તમારો લુક બોરિંગ દેખાશે. તેથી ધોતી પેન્ટને અલગ રીતે પહેરવાં જરૂરી છે. ધોતી પેન્ટને અલગ અલગ રીતે સ્ટાઇલ કરવાના અમુક આઇડિયા અંગે જાણીએ.
પેપલમ કુરતી સાથે સ્ટાઇલ
ધોતી પેન્ટ પહેરીને તમે સેફ પ્લે કરવા ઇચ્છો છો તો ધોતી પેન્ટ્સ સાથે પેપલમ કુરતી પેર કરી શકો છો. પેપલમ કુરતી ધોતી પેન્ટ સાથે સ્ટાઇલ કરવાનો બેસ્ટ ઓપ્શન છે. તમે એમ્બ્રોઇડરી પેપલમ કુરતી પહેરો કે પછી પ્રિન્ટેડ બંને ધોતી પેન્ટ્સ સાથે સારાં લાગે છે. જો ધોતી પ્રિન્ટેડ હોય તો કુરતી પ્લેન પહેરવી અને ધોતી પ્લેન હોય તો તેની સાથે પ્લેન અને પ્રિન્ટેડ બંને પ્રકારની કુરતી મેચ થશે. એની સાથે સુંદર એરિંગ્સ પહેરીને તમારા લુકને નિખારી શકો છો.
ક્રોપ ટોપ
તમે કેઝ્યુઅલ્સમાં કે પછી કોઇ ખાસ અવસર પર ધોતી પેન્ટ્સ પહેરવાનું નક્કી કર્યું હોય તો તેની સાથે ક્રોપ ટોપ પેર કરી શકો છો. તમે એમાં બે અલગ અલગ સોલિડ કલર્સને એક સાથે પહેરીને સ્ટાઇલિશ લુક મેળવી શકો છો. બંને એક જ કલરના એમ્બ્રોઇડરી ક્રોપ ટોપની સાથે ધોતી પેન્ટ પહેરીને આગવો લુક ક્રિએટ કરી શકો છો. આ પ્રકારનો આઉટફિટ ડેટ પર અથવા મિત્રો સાથે આઉટિંગમાં પહેરી શકો છો.
કેપ ટોપ
ધોતી પેન્ટમાં એક સિમ્પલ લુક અથવા ડિફરન્ટ સ્ટાઇલ કેરી કરવા ઇચ્છો છો તો કેપ ટોપની સાથે સ્ટાઇલ કરવી એ બેસ્ટ આઇડિયા છે. તમે વ્હાઇટ કે બ્લેક કલરનું ધોતી પેન્ટ પહેરી રહ્યાં હોવ તો સાથે કોઇ પણ કલરના કેપ ટોપને કેરી કરી શકો છો. પેસ્ટલ શેડ્સમાં મોનોક્રોમેટિક લુક સારો લાગે છે. આ લુકમાં હીલ્સ તમારા લુકને વધારે સ્ટાઇલિશ બનાવશે.
સાડીની જેમ કરો સ્ટાઇલ
સામાન્ય રીતે ગેટ ટુગેધરમાં કે નાનકડા પ્રસંગમાં સાડી પહેરવા કરતાં સાડી સ્ટાઇલ ધોતી પેન્ટ્સ પહેરીને ડિફરન્ટ અને ડીસન્ટ લુક મેળવી શકો છો. એ માટે તમે ક્રોપ ટોપની સાથે ધોતી પેન્ટ્સ પહેરો અને પછી તેની સાથે મેચ થાય એવા દુપટ્ટાને કમરથી શોલ્ડર પર એ રીતે ડ્રેપ કરો જેમાં તમે સાડીના પાલવને પહેરી રહ્યાં હોવ. આ રીતે તમે ફ્યૂઝન ક્રિએટ કરી શકો છો અને સ્ટાઇલિશ દેખાઇ શકો છો.


