નખની સુંદરતા નિખારે નેઇલ એક્સટેન્શન

Wednesday 21st September 2022 08:24 EDT
 
 

છેલ્લા થોડાક સમયથી નેઇલ એક્સટેન્શનનો ક્રેઝ માત્ર કોલેજ ગોઇંગ યુવતીઓમાં જ નહીં, પરંતુ મધ્યમ વયની સ્ત્રીઓમાં પણ વધી રહ્યો છે. નેઇલ એક્સટેન્શનમાં ઓરિજિનલ નેઈલ પર એક્રેલિક નખ ચોંટાડવામાં આવે છે, જે નખને ખૂબ જ આકર્ષક દેખાવ આપે છે. અલબત્ત, આ પછી જો તેની યોગ્ય કાળજી લેવામાં ન આવે તો તે બગડી શકે છે. એટલું જ નહીં, નખને પણ નુકસાન થઇ શકે છે. નેઇલ એક્સટેન્શન લાંબા સમય સુધી ટકી રહે તે માટે કેટલીક બાબતોની કાળજી લેવી આવશ્યક છે. અહીં કેટલીક ટિપ્સ આપી છે જે તમારા નખને લાંબા સમય સુધી સુંદર રાખી શકે છે. નેઇલ એક્સટેન્શન કરાવતી વખતે આટલી બાબતોનું અવશ્ય ધ્યાન રાખો.
નેઇલ એક્સટેન્શન કેવી રીતે કરાય છે?
નેઇલ એક્સટેન્શનમાં એક્રેલિક નખને વાસ્તવિક નખ પર લગાવવામાં આવે છે. એક્રેલિક નખને પ્લાસ્ટિક નખ પણ કહેવામાં આવે છે. તેને નખ પર ચોંટાડવા માટે લાઈન પ્લેટનો ઉપયોગ કરાય છે. તેને ગ્લુની મદદથી તમારા કુદરતી નખ પર ચોંટાડવામાં આવે છે. આ પછી નખને ઈચ્છીત આકાર આપવામાં આવે છે. પ્લેટ્સને પેસ્ટ કર્યા પછી, નખને ફાઈબલ ગ્લાસ, જેલ કોટિંગથી મજબૂત અને ચમકદાર બનાવાય છે.
પાણીથી દૂર રહો
નેઇલ એક્સટેન્શન કરાવ્યા પછી નખ સેટ ન થઇ જાય ત્યાં સુધી તે પાણીના વધુ સંપર્કમાં ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જો નખમાં કરવામાં આવેલા નેઇલ એક્સટેન્શનમાં પાણી રહી જશે તો તેનાથી ઈન્ફેક્શન થઈ શકે છે. જોકે આવું થવાની શક્યતા ઘણી ઓછી છે, આમ છતાં જાગૃત રહેવું જરૂરી છે.
નખની માલિશ કરો
નખના સ્વાસ્થ્ય અને નખની યોગ્ય વૃદ્ધિ માટે તમે નખને યોગ્ય રીતે મસાજ કરો તે મહત્ત્વપૂર્ણ છે. નેઇલ એક્સટેન્શન કરાવ્યા પછી તમારે તેના પર નિયમિત મસાજ પણ કરવો જોઈએ. નેઈલ મસાજ માટે તમે ઓલિવ ઓઈલનો ઉપયોગ કરી શકો છો. ઓલિવ ઓઈલ નખ માટે ખૂબ જ ઉપયોગી છે. તેના નિયમિત ઉપયોગથી નખ મજબૂત બને છે અને સરળતાથી તૂટતા નથી. આનાથી નખને નુકસાન થવાનું જોખમ પણ ઘટી જાય છે.
નખ રિફિલ કરો
નેઇલ એક્સટેન્શન નવું નવું હોય ત્યારે ખૂબ જ સુંદર લાગે છે પરંતુ થોડા સમય પછી કુદરતી નખ વધવા લાગે છે. જેના કારણે નેઇલ એક્સટેન્શનનો લુક સારો નથી લાગતો. તેનાથી બચવા માટે, તમારે એક મહિનાના ગેપ પછી ફરીથી નખને રિફિલ કરાવી લેવા જરૂરી છે. તેનાથી નખ મજબૂત થશે અને તેમની સુંદરતા પણ જળવાઈ રહેશે.
નખને જર્ક ન લાગે
નેઇલ એક્સટેન્શન પછી નખ તૂટવાનું જોખમ વધારે છે. અને આવું થાય છે ત્યારે તમારે કુદરતી નખને પણ નુકસાન થતું હોય છે. જો તમારે આનાથી બચવું હોય તો ભારે વજનની વસ્તુઓ ઉપાડશો નહીં. ભારે વસ્તુઓ ઉંચકવાના કારણે ઘણી વાર નખ તૂટી જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter