નવજાત શિશુની સારસંભાળ દરમિયાન માતા ૩થી ૭ વર્ષ મોટી દેખાવા લાગે છે

Thursday 17th June 2021 11:21 EDT
 
 

લોસ એન્જલસઃ સંતાનને જન્મ આપ્યા બાદ શરૂઆતના ૬ મહિનામાં તેની સારસંભાળ લેતી માતા તેની ઉંમરથી ૩થી ૭ વર્ષ જેટલી મોટી દેખાવા લાગે છે. મતલબ કે તેના સ્વાસ્થ્ય પર આટલી અસર પડે છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના એક અભ્યાસમાં આ તારણ જાણવા મળ્યું છે.
આ સંશોધન અભ્યાસ કરનારી ટીમનાં સભ્ય ડો. જૂડિથ કેરોલનું કહેવું છે કે અડધી રાત્રે બાળકને ફીડિંગ કરાવવું, તેનું ડાઇપર બદલવા સહિત સારસંભાળનાં ઘણાં કામ રહે છે. તેના કારણે માતાની ઊંઘ પૂરી થઇ શકતા નથી. તેને રાત્રે સરેરાશ ૭ કલાકથી ઓછી ઊંઘ મળે છે. આ બધાની સરવાળે અસર એ થાય છે કે માતાની ઉંમર તેની વાસ્તવિક ઉંમરથી ૩થી ૭ વર્ષ જેટલી વધુ દેખાવા લાગે છે.
ડો. જૂડિથ આ સમસ્યા સાથે ધ્યાન દોરવાની સાથોસાથ આ સમસ્યાથી બચવાના ઉપાય સૂચવે છે. તેઓ જણાવે છે તે માતાએ જ્યારે પણ સમય મળે ત્યારે ઊંઘ લઇ લેવી જોઇએ. મદદની જરૂર હોય ત્યાં પતિ, પાર્ટનર, બાળકનાં દાદા-દાદી કે નાના-નાનીની મદદ પણ લેવી જોઇએ. આ અભ્યાસમાં એક વર્ષનાં ૩૩ બાળકની માતાઓને પૂછાયું કે બાળક જન્મ્યા બાદ તેમણે કેટલી ઊંઘ લીધી છે? તેમાંથી અડધાથી વધુ માતાઓનું કહેવું હતું કે તેઓ રાત્રે ૭ કલાકથી પણ ઓછી ઊંઘ લઇ શકે છે. તેથી વિશ્લેષણ માટે તેમના બ્લડ સેમ્પલ લેવાયાં હતાં. તેના વિશ્લેષણમાં માલૂમ પડ્યું કે તેમની ઉંમર ઝડપથી વધી રહી હતી. સાથે સાથે અન્ય બીમારીઓના પણ સંકેત મળ્યા.
અભ્યાસમાં ખુલાસો થયો કે બાળકના જન્મ બાદ શરૂઆતના ૬ મહિના ખૂબ મહત્ત્વના છે. આ દરમિયાન પૂરતી ઊંઘના અભાવે અન્ય બીમારીઓનું જોખમ પણ વધે છે. જોકે આ પછીના મહિનાઓમાં ઊંઘના અભાવની ઝાઝી અસર દેખાઇ નહોતી.
ડો. જૂડિથનું કહેવું છે કે એ જાણવા માટે હજુ વધારે અભ્યાસની જરૂર છે કે શું ઉંમરમાં વૃદ્ધિ કાયમી હોય છે કે પછી આવનારાં વર્ષોમાં સારી ઊંઘ લેવાય તો શરીર આ નુકસાન ભરપાઇ કરી લે છે?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter