નવરાત્રિમાં મેકઅપ અને હેરસ્ટાઈલ સૌંદર્ય સાથે પરંપરાનો સમન્વય

Wednesday 07th October 2026 08:13 EDT
 
 

નવરાત્રિ એટલે રંગો, સંગીત, ગરબા અને ઉત્સવનો અદ્ભુત સમન્વય. આ તહેવારમાં દરેક યુવતી અને સ્ત્રી પોતાને ખાસ રીતે તૈયાર કરવા ઈચ્છે છે. પરંપરાગત ચણિયાચોળી સાથે યોગ્ય મેકઅપ અને હેરસ્ટાઈલ કરવામાં આવે તો સુંદરતા બેવડાઈ જાય છે. આમાં પણ જો ટ્રેન્ડિંગ મેકઅપ લુક અને હેરસ્ટાઈલ પર પૂરતું ધ્યાન આપવામાં આવે તો જાણે સોનામાં સુગંધ ભળે. આનાથી ઉત્સવની મજા તો માણી જ શકશો સાથે સાથે આત્મવિશ્વાસ પણ જળવાઈ રહેશે.
મેકઅપના પ્રારંભે
સૌપ્રથમ સ્કિનને સારી રીતે ક્લીન્ઝરથી સાફ કરવી જોઈએ. ત્યારબાદ સ્કિન ટોન મુજબ મોઈશ્ચરાઈઝર અને પ્રાઈમર લગાવવાથી મેકઅપ લાંબા સમય સુધી ટકી રહે છે. નેચરલ લુક પસંદ હોય તો લાઈટ ફાઉન્ડેશન અને કન્સીલર ઉપયોગી સાબિત થાય છે. ગરબા દરમિયાન બહુ પસીનો આવે છે, તેથી વોટરપ્રૂફ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે. ક્લીન્ઝરથી ચહેરો સાફ કર્યા બાદ મોઈશ્ચરાઈઝર લગાવવું. તે સ્કિનમાં ઊતરી જાય એ પછી પ્રાઈમરનો ઉપયોગ કરવો જોઇએ. સ્કિન પર ડાઘ ધબ્બા હોય તો તેને છુપાવવા કન્સીલર લગાવવું. એ પછી વોટરપ્રફૂ લાઈટ બેઝ ફાઉન્ડેશન લગાવવું. કોમ્પેકથી અથવા ટીએલથી બેઝને લોક કરો એટલે કે પાઉડરથી ફાઉન્ડેશનને ફિક્સ કરવું.
આંખ માટે ખાસ લુક
નવરાત્રિમાં આંખોના મેકઅપ પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. ચણિયાચોળીના રંગ સાથે મેળ ખાતા આઈશેડ પસંદ કરો. ગ્લિટર શેડ્સ અથવા મેટાલિક ટચ આંખોને વધારે આકર્ષક બનાવે છે. કાજલ અને આઈલાઈનરથી આંખોને ડેફિનેશન આપો. આંખનો મેકઅપ ખરાબ ન થાય એટલે વોટરપ્રૂફ કાજલ લગાવો. કાજલ બાદ તમને ગમતી જાડી કે પાતળી આઇલાઇનર લગાવો. છેલ્લે મસ્કરા લગાવો.
હોઠનો મેકઅપ
લિપસ્ટિકમાં બ્રાઈટ શેડ્સ જેમ કે, લાલ, ગુલાબી અથવા મરૂન રંગ ખાસ દેખાય છે અથવા તો ન્યૂડ શેર (બ્રાઉન કલર)નો પણ ઉપયોગ કરી શકો. તે લગાવવાથી નેચરલ લુક આવે છે. ચણિયાચોળીના રંગ સાથે મેળ ખાતા શેડ પસંદ કરવાથી સંપૂર્ણ લુક વધારે સુમેળભર્યો બને છે. હોઠ સુકાઈ ન જાય એ માટે લિપ બામનો ઉપયોગ કર્યા બાદ લિપસ્ટિક લગાવવાથી હોઠ સોફ્ટ રહે છે.
ચહેરાનો લુક
ચહેરા પર ટેટૂનાં છૂંદણાં બનાવવાથી પરંપરાગત લુક આવે છે. ટેટૂ બનાવવા માટે લિક્વિડ આઈલાઈનરનો ઉપયોગ કરવો અથવા તો સ્કેચપેનવાળી લાઈનર માર્કેટમાં મળે છે તેનો ઉપયોગ કરવો. આ જ રીતે નવરાત્રિના મેકઅપમાં ચાંદલાનું અલગ જ મહત્ત્વ હોય છે. તેની ડિઝાઈન કરવી અથવા તો મોટો ચાંદલો કરવો જેથી ચહેરો આકર્ષક લાગે છે.
હેર સ્ટાઈલના વિકલ્પો
ગરબા દરમિયાન વાળને ખુલ્લા રાખવાથી ઘણી વખત તકલીફ થાય છે, તેથી સ્ટાઈલિશ પણ કમ્ફર્ટેબલ હેર સ્ટાઈલ પસંદ કરવી જરૂરી છે.
• બ્રેઈડેડ હેર સ્ટાઈલ... એટલે કે ચોટલીવાળી હેર સ્ટાઇલ ટ્રેન્ડી લુક આપે છે. જેમ કે, સાગર અથવા ખજૂરી ચોટલો લઈ શકો. એમાં ગૂંથણવાળી ચોટલીઓ લગાવી શકાય. એનાથી યુનિક લુક મળે છે.
• હાફ પોની... હાફ પોની લઈને અથવા તો હાફ પોનીના વાળનો અંબોડો બનાવીને પણ રાખી શકાય છે.
• હાઈબન... લાંબા સમય સુધી રમતા ખૈલયાઓ માટે વાળ ન બગડે તે માટે હાઈબન વધુ યોગ્ય રહે છે અને તેની ઉપર રંગબેરંગી ચોટલીઓ લગાવીને અથવા કોડીઓ ભરાવીને ટ્રેન્ડી લુક આપી શકાય છે.
ખુલ્લા વાળમાં હેરસ્ટાઈલ
જે ખેલૈયાઓને ખુલ્લા વાળમાં હેરસ્ટાઈલ ગમે છે તેને બેબી કર્લ્સ, સોફ્ટ કર્લ્સ કરીને રાખી શકાય છે, પણ તેમને વાળમાં સ્પા કરાવવું જરૂરી થઈ જાય છે, કારણ કે તેનાથી વાળને પ્રોટેક્શન મળે છે અને ધૂળ તથા પસીનાથી વાળ ઓછા ડેમેજ થાય તે જરૂરી છે. વાળમાં ફૂલ અથવા વેણી નાખીને પરંપરાગત લુક આપીને વધુ આકર્ષક લુક બનાવી શકાય છે.
સ્કિનકેર અને હેરકેર ટિપ્સ
નવરાત્રિ પહેલાં સ્કિન અને વાળની ખાસ કાળજી લેવી જોઈએ. પાણી પીવું, ફળ, શાકભાજીનું સેવન કરવું અને સમયસર ઊંઘ લેવી જરૂરી છે. ગરબા પછી ચહેરો સારી રીતે સાફ કરી મોઈશ્ચરાઈઝર લગાવવું. વાળમાં હળવું તેલ લગાવી ધોઈ નાખવાથી નુકસાન અટકે છે.
પરંપરા સાથે આધુનિકતા
આજકાલ યુવતીઓ પરંપરાગત લુક સાથે મોડર્ન ટચ આપીને પોતાનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ બનાવે છે. યોગ્ય મેકઅપ, હેરસ્ટાઈલ અને આત્મવિશ્વાસ સાથે દરેક યુવતી ગરબારાસની રાતોમાં ચમકી ઊઠે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter