નારી તું નારાયણીઃ બાળવિવાહ અને નિરક્ષરતાના દૂષણ સામે જંગ છેડ્યો છે રાજસ્થાની પ્રિયંકાએ

Monday 26th July 2021 04:18 EDT
 
 

જયપુરઃ ભારતમાં અને ખાસ કરીને રાજસ્થાનમાં બાળવિવાહ કે સગીર વયે લગ્ન કરાવવાનું દુષણ પ્રચલિત છે ત્યારે ‘રાજસ્થાન રાઈઝિંગ’ની સ્થાપક પ્રિયંકા બૈરવાએ તેની સામે બંડ પોકાર્યું છે. પ્રિયંકા રાજસ્થાનના કરૌલી જિલ્લાના રામથરા ગામની રહેવાસી છે. તેની સંસ્થા છોકરીઓના બાળવિવાહની વિરોધમાં અને તેમના શિક્ષણની તરફેણમાં અભિયાન ચલાવે છે.
કોરોના મહામારીના આ કપરા કાળમાં નિયંત્રણો અસ્તિત્વમાં હતા ત્યારે ઘણા માતા-પિતાએ ઓછા મહેમાનોની સરભરા અને ઓછાં લગ્નખર્ચનો લાભ જોઈને સગીર વયની દીકરીઓના લગ્નો આટોપી લેવા ઉતાવળ કરવા માંડી હતી. પ્રિયંકા પણ આમાંની જ એક હતી. તે ૧૫ વર્ષની હતી ત્યારથી જ તેના માતાપિતાએ દુલ્હો શોધવાની શરૂઆત કરી દીધી હતી અને ઓક્ટોબર ૨૦૨૦માં ગામમાં જ તેને યોગ્ય દુલ્હો મળી પણ ગયો હતો પરંતુ, ૧૭ વર્ષની પ્રિયંકાએ લગ્ન કરવાનો સદંતર ઈનકાર કરી દીધો. એટલું જ નહીં, પ્રિયંકાએ પોતાની જ ગામની છોકરીઓનો સાથ મેળવ્યો અને નાના એવા ગામમાં શરૂ થયેલું આ અભિયાન થોડાક સમયમાં તો રાજ્યભરમાં પ્રસરી ગયું છે.
આજે ૧૮ વર્ષની પ્રિયંકા કહે છે કે, ‘બાળવિવાહના મારાં ઈનકારથી ઘરમાં ધમાલ મચી ગઈ હતી અને રોજેરોજ ઝગડા થતાં હતા. આખરે મેં ઘરમાંથી નાસી જવાની ધમકી આપી હતી. હું કોઈ ખરાબ પગલું ભરીશ તેવા ભયથી મારાં પરિવારે લગ્ન અટકાવી દીધાં હતા. મારી માતાએ પરિવારજનોને મને આગળ અભ્યાસ કરવા દેવા માટે સમજાવી લીધા અને મેં કોલેજમાં એડમિશન મેળવ્યું છે.’
કોરોના મહામારીએ લાખો છોકરીઓને બળજબરીથી લગ્ન અને અભ્યાસ છોડી દેવાના જોખમમાં ધકેલી દીધી છે. ચાઈલ્ડલાઈન ઈન્ડિયાના મતે, ગયા વર્ષના જૂન અને જુલાઈમાં બાળલગ્નોમાં ૧૭ ટકાનો વધારો નોંધાયો હતો. સરકારી આંકડા અનુસાર રાજસ્થાનમાં ૨૨-૨૪ વયજૂથની દર ત્રણમાંથી એક મહિલાના લગ્ન ૧૮ વર્ષ થવા અગાઉ થઈ ગયા હોય છે.
દલિત વર્ગની પ્રિયંકા બૈરવાએ આ રુઢિ સામે બળવો પોકાર્યો એટલું જ નહિ, યુવાન મહિલાઓ અને છોકરીઓ માટે ‘રાજસ્થાન રાઈઝિંગ’ની સ્થાપના કરી જે વિનામૂલ્યે શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશિપ્સ, બાળવિવાહ, બાળમજૂરી તેમજ જાતિ-જ્ઞાતિ અને લૈંગિક ભેદભાવમાંથી મુક્તિના અધિકારો માટે કાર્યરત છે. બૈરવા કહે છે કે, ‘મેં અભિયાન ચલાવ્યું કારણ કે મને જાણ હતી કે હજારો અન્ય છોકરીઓ મારાં જેવી સમસ્યાનો સામનો કરી રહી છે. તેમને શાળામાંથી ઉઠાડી લેવાય છે અને બળજબરીથી પરણાવી દેવાય છે. આઠમા ધોરણ (૧૪ વર્ષની વય) સુધી શિક્ષણ મફત હોવાનું કહેવાય તો છે પરંતુ, તે મળતું જ નથી. શાળાઓ ડેવલપમેન્ટ ફી લાદે છે. છેવાડાની કોમ્યુનિટીઓના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ્સના વાયદા કરાય છે પરંતુ, તે સમયસર મળતી જ નથી.’ પ્રિયંકાએ તેની ૧૦
મિત્રો સાથે શરૂઆત કરી અને અન્ય ગામોની મુલાકાતો લીધી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter