નિ:સહાય બાળકો અને કુટુંબોના મસીહા મીનલ પટેલ

ઘર દીવડાં

જ્યોત્સના શાહ Wednesday 06th January 2021 08:51 EST
 
 

માંધાતા સમાજની દિકરી ગુજરાતી ભાષા શિક્ષણ અને સંસ્કાર સંચિત બની સમાજ પ્રત્યેની પોતાની ફરજ બજાવવા સક્રિય બનેલ ગૌરવવંતી ગુજરાતી યુવતી મીનલ પટેલની વાત પ્રેરણાદાયી છે.
૭૦ના દાયકાના છેવાડે જન્મેલ મીનલને બાળપણથી જ માતા-પિતા પાસેથી જરૂરતમંદ બીજાઓને મદદ કરવાના પાઠ શીખવવામાં આવ્યા હતા. એમના સમાજ "માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી એસોસિએશન"વેમ્બલીમાં મોટાભાગની સાંજો અને વીકેન્ડ્સ વીતાવ્યા હતા જ્યાં વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેવી કે નાટક, કવિતા મહોત્સવ, ભજન, રંગોળી, નૃત્ય, રમતગમતમાં નેતૃત્વ લીધું હતું. માંધાતા સ્કૂલ એના ગુજરાતી ભાષા શિક્ષણ માટે સુવિખ્યાત છે. એ જ સંસ્થામાં માતૃભાષાનું શિક્ષણ મેળવી શિક્ષિકા બની સેવા સાદર કરી રહેલ મીનલ પટેલ બ્રેન્ટ બરો નિવાસી છે.
મીનલનું કામ ચેરિટીઓમાં હોવાને કારણે મુખ્યત્વે ઓછી આવક ધરાવતા કુટુંબો અને એમના બાળકોના ઉછેરમાં પડતી મુશ્કેલીઓનું નિવારણ કરવાનું અને તેઓને સંગીત, મીડીયા, રમતગમત જેવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવાનું હતું. આ કામથી પ્રેરાઇ એણે બ્રેન્ટમાં પોતાની એક સંસ્થા રેડ ટાવરની સ્થાપના કરી છે.
 આ સંસ્થાના કાર્યોમાં ફંડફાળો એકત્ર કરવો, કોર્પોરેટ સ્પોન્સર, સ્ટોક હોલ્ડર, ચેન્જ એન્ડ પ્રોજેક્ટ મેનેજમેન્ટ, સોસીયલ મીડીયા મેનેજમેન્ટ અને ઇવેન્ટ એજ્યુકેશનનો સમાવેશ કરાયો છે.
 બ્રિટનની સરકારે ૨૧ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ પાર્લામેન્ટમાં ફ્રી સ્કુલ મીલ્સ સપ્લાય કરવાની અપીલ બાબતમાં યુ ટર્ન લેતા મારકસ રેમ્ફોર્ડ ઝૂંબેશમાંથી પ્રેરણા મેળવી મીનલે પોતાની મિત્ર અને સહકર્મચારી, સડબરી પ્રાઇમરી સ્કુલના હેડ ટીચર શ્રીમતી કામિની મિસ્ત્રીનો સંપર્ક સાધી ચળવળ ચલાવી. જેમાં ઓકિંગ્ટન મેનોર સ્કુલના એક્ઝીક્યુટીવ હેડટીચર મિસ સિમરીન સિંઘે પણ રેડ ટાવર સાથે હાથ મિલાવ્યા.
પેનેડેમીકના સમયમાં વધતીજતી બેરોજગારી, બદતર બનતી માનસિક હાલતનો ભોગ બનેલ કુટુંબોના વિધ્યાર્થીઓ અને એમના કુટુંબોને ક્રિસમસના તહેવારમાં ભૂખ્યા પેટે સૂવું ન પડે તેમજ તહેવારનો આનંદ માણી શકે એ માટે લાંબો સમય ટકી શકે એવા ફુડના પકેટ્સ અને ભણવામાં મદદરૂપ થાય એવા સાધનોની વહેંચણી કરવા રેડ ટાવરના સ્થાપક મીનલબહેને પાંચ સપ્તાહના ટૂંકા ગાળામાં ફંડફાળો એકત્ર કર્યો.
પરિણામસ્વરૂપ બ્રેન્ટની વીસેક શાળાઓના ૨૪૩૮ જેટલા નિ:સહાય વિદ્યાર્થીઓને ફુડ પેકેટ્સ તેમજ શૈક્ષણિક સાધનોની ગીફ્ટના પેકેટ્સ બનાવવા તેમજ એનું વિતરણ કરવા સોળેક સ્યંસેવકોની ટીમ બનાવી. માંધાતા સમાજનો હોલ એમને વિના મૂલ્યે મળ્યો જ્યાં આ બધી તૈયારીઓ કરી ક્રિસમસના તહેવારોમાં માનવતા મહેંકાવી.
આ માટે ક્રિસ્ટલ યુનિટ, ડબલ ગ્લેઝીંગ સ્પેશીયાલિસ્ટ તરફથી ૧૫૦૦ પાઉન્ડ અને ગો ફંડ પેજ અપીલ દ્વારા ૨૫૦૦ પાઉન્ડ મળ્યા અને સ્વીટ્સ માટે વ્યક્તિગત મદદરૂપે ૩૦૦ પાઉન્ડ મળ્યા જે સંપૂર્ણ રકમ આ સત્કાર્યમાં ખર્ચાઇ છે.
આગામી વર્ષોમાં પણ રેડ ટાવર તરફથી નિ:સહાય વિધ્યાર્થીઓને એમની જરૂરિયાતોનો અભ્યાસ કરી સહાય કરવાની મીનલબહેનની નેમ છે.
મીનલનો સંદેશો છે કે, “તમારી જાતનું બરાબર ધ્યાન રાખો પછી બીજાને મદદ કરો. જીવનમાં સમતોલપણું જાળવવું જરૂરી છે. તમારા વીઝનને જે સમજી શકે એની સાથે કામ કરો. સેવાકાર્યમાં જોતરાવું સહેલું નથી. અને તમારી સાથે કામ કરનારા સ્વયં સેવકો તાણગ્રસ્ત હોવા ન જોઇએ, સ્વેચ્છાએ કામ કરવાવાળા હોય-રાજકીયવૃત્તિથી પ્રેરિત ન હોવા જોઇએ.”
"નેક ઇરાદા હોય તો તમે યથા શક્તિ સમાજનું ઋણ અદા કરી પોતાનું કર્તવ્ય બજાવી શકો છો. દીપથી દીપ પ્રગટે એમ તમે માનવતાના દીપ પ્રગટાવી તમારી આસપાસ અજવાળાં રેલાવી શકો છો"


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter