નિવૃત્તિની વયે નવો આરંભઃ સપના સાકાર કરવા માર્ગરેટે પતિથી 16 હજાર કિમી દૂર જોબ શરૂ કરી

Wednesday 14th May 2025 06:35 EDT
 
 

બ્રિસ્બેનઃ સપના સાકાર કરવા માટે ઉંમર કોઈ મહત્ત્વની નથી. ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનનાં રહેવાસી માર્ગરેટ મર્ફીએ આ વાત સાચી સાબિત કરી છે. તેઓ નિવૃત્તિની ઉંમરે પહોંચી ગયા હતા અને ખૂબ વૃદ્ધ થયા પહેલા દુનિયા જોવા અને મુસાફરી કરવા માગતા હતાં. તો પતિ પીટરે પણ માર્ગરેટને તેની ઇચ્છા પૂરી કરવામાં સાથ આપ્યો. તેઓ બ્રિસ્બેનથી 10,000 માઇલ દૂર લંડન પહોંચ્યાં. શરૂઆતમાં ફક્ત 6 મહિના માટે લંડન ગયા હતા. શરૂઆતના દિવસોમાં તેને નોકરી અને ઘર માટે ખૂબ સંઘર્ષ પણ કરવો પડ્યો હતો. પરંતુ તેમની મહેનત ફળી.
60 વર્ષની વયે જ્યારે લોકો રિટાયર્ડ થાય છે ત્યારે માર્ગરેટને આ ઉંમરે લંડનમાં પહેલી ફૂલટાઈમ નોકરી મળી મળી હતી. આજે માર્ગરેટ 71 વર્ષનાં છે અને તેમને લંડનમાં રહેતા 11 વર્ષ થઈ ગયા છે. આ સમય દરમિયાન તેણે આખા યુરોપમાં પ્રવાસ કર્યો હતો.
શરૂઆતના દિવસોમાં માર્ગારેટને લંડનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ આજે તેમનો લંડનમાં પોતાનો ફ્લેટ છે. ત્યાં તે ‘આત્મનિર્ભર’ રહીને તે ખૂબ જ હળવાશ અનુભવે છે. માર્ગરેટે તેના બાળપણના દિવસો યાદ કરતા કહ્યું કે તેનું બાળપણ બ્રિસ્બેનમાં વિત્યું હતું. તેને ત્રણ ભાઈ-બહેન હતા. તે અને તેની માતા તેનો બધો સમય તેના બીમાર ભાઈઓની સેવા કરવામાં વિતાવતા હતા. જ્યારે પોતે 25 વર્ષનાં હતી ત્યારે તે પીટરને એક પાર્ટીમાં મળી હતી. ત્યારબાદ બંનેએ લગ્ન કર્યા હતા. માર્ગરેટ પોતાનો બધો સમય તેના બાળકો અને પતિની સંભાળ રાખવામાં સમર્પિત કરતી હતી. જ્યારે બાળકો નાના હતા ત્યારે માર્ગરેટ તેમને અંગ્રેજી શીખવતી હતી.

સમય બદલાયો. 40 વર્ષની ઉમરે તે તેના બાળકો સાથે બ્રિસ્બેન યુનિવર્સિટીમાં વિદ્યાર્થિની તરીકે સમય અભ્યાસ કરતાં હતાં. આધેડ વયમાં ભાષા વિજ્ઞાનમાં ડિગ્રી મેળવી અને પછી પીએચડી કરી હતી. જ્યારે બાળકો મોટા થયા અને અલગ થયા ત્યારે મોટું ઘર માર્ગરેટને ખાલી લાગવા માંડયું હતું. તેના પતિ સાથે 30 વર્ષનું સુખી લગ્નજીવન હોવા છતાં તેમણે પોતાના સપનાઓને સાકાર કરવા માટે લંડન જવાનો નિર્ણય લીધો હતો.

સપનાઓ પુરા કરવા નવો દૃષ્ટિકોણ
આજે પતિ પીટર બ્રિસ્બેનમાં જ્યારે માર્ગરેટ લંડનમાં રહે છે. છતાં પણ બંનેએ એકબીજાનો સાથ છોડ્યો નથી. તેઓ બન્ને આ નિર્ણયમાં એકબીજાને સપોર્ટ કરે છે. અવારનવાર મુલાકાત કરે છે. ક્યારેક માર્ગરેટ બ્રિસબેન આવે છે તો ક્યારકે પીટર લંડન પહોંચી જાય છે. અમુક વાર તો બંને અધવચ્ચે એટલે કે નવી દિલ્હી કે ન્યૂ યોર્કમાં મળે છે. માર્ગરેટે વૃદ્ધવયમાં પણ સપનાંઓ પુરા કરવા માટે અન્ય વડીલોને એક નવો દ્દષ્ટિકોણ આપ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter